Site icon Revoi.in

ઉનાળાની ગરમીમાં રાહત આપતી કેરીની 5 ચટાકેદાર અને સ્વાદિષ્ટ વાનગીઓ

Social Share

ઉનાળાની શરૂઆત થતા જ બજારોમાં ફળોના રાજા ગણાતી કેરીનું આગમન થઈ ગયું છે. પોતાના મીઠા અને રસદાર સ્વાદ માટે જાણીતી કેરી માત્ર સ્વાદમાં જ નહીં, પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. વિટામિન A, C અને ફાઈબરથી ભરપૂર કેરીનો ઉપયોગ કરીને અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે, જે શરીરને ઠંડક આપવાની સાથે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.

ઉનાળામાં દહીં અને કેરીનું મિશ્રણ ઉત્તમ ગણાય છે. પાકી કેરીનો ગર (પલ્પ), દહીં, ખાંડ અને એલચી પાવડરને મિક્સરમાં બ્લેન્ડ કરી લો. બરફના ટુકડા નાખીને ઠંડી ઠંડી સર્વ કરેલી આ લસ્સી તમને દિવસભર તાજગી આપશે.

ભારતીય ભોજન કેરીના અથાણા વગર અધૂરું ગણાય છે. કાચી કેરીના ટુકડા કરી તેમાં હળદર, મીઠું, લાલ મરચું અને અથાણાનો મસાલો ઉમેરો. ત્યારબાદ તેમાં સરસવનું તેલ નાખી કાચની બરણીમાં ભરી 4-5 દિવસ તડકામાં રાખવાથી સ્વાદિષ્ટ અથાણું તૈયાર થઈ જાય છે.

લૂ અને ગરમીથી બચવા માટે ‘આમ પન્ના’ શ્રેષ્ઠ પીણું છે. કાચી કેરીને બાફીને તેનો પલ્પ કાઢી લો. તેમાં ફુદીનો, શેકેલું જીરું, સંચળ અને ખાંડ ઉમેરી બ્લેન્ડ કરી લો. આ પીણું પાચનમાં પણ મદદરૂપ થાય છે.

બાળકોથી લઈને મોટેરાઓ સુધી બધાનું ફેવરિટ મેંગો શેક બનાવવા માટે પાકી કેરીના પલ્પમાં ઠંડુ દૂધ અને ખાંડ ઉમેરી ગ્રાઇન્ડ કરી લો. ઉપરથી કાજુ-બદામના ટુકડા ઉમેરીને તેને વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે.

મીઠાઈના શોખીનો માટે મેંગો કુલ્ફી શ્રેષ્ઠ વિકલ્પ છે. દૂધને ધીમી આંચ પર ઉકાળીને અડધું કરી લો, ત્યારબાદ તેમાં ખાંડ અને કેરીનો પલ્પ ભેળવો. આ મિશ્રણને કુલ્ફીના મોલ્ડમાં ભરી 6-8 કલાક ફ્રીઝરમાં રાખવાથી ઘરે જ શુદ્ધ અને ટેસ્ટી કુલ્ફી તૈયાર થઈ જશે.

આ પણ વાંચોઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ થી બચાવશે આ 5 દેશી પીણાં

Exit mobile version