Site icon Revoi.in

55 ટકા વાહનચાલકો E20 પેટ્રોલનો ઉપયોગ કરવા તૈયાર નથી, સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

Petrol mixed with 20% ethanol

Petrol mixed with 20% ethanol

Social Share

નવી દિલ્હી, 14 જુલાઈ 2026: કેન્દ્ર સરકાર પ્રદૂષણ ઘટાડવા અને ક્રૂડ ઓઇલની આયાત પરનું નિર્ભરતા ઘટાડવા માટે 20% ઇથેનોલ મિશ્રિત ‘E20 પેટ્રોલ’ ને દેશભરમાં પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ દેશના નાગરિકોમાં હજુ પણ તેને લઈને ભારે મુંઝવણ અને ચિંતા પ્રવર્તી રહી છે. સી-વોટરના તાજેતરના સ્નેપ પોલ સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે દેશના અડધાથી વધુ એટલે કે 55.1% ગ્રાહકો પોતાની ગાડીમાં E20 પેટ્રોલ પુરાવવા માંગતા નથી. આ સર્વેમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ સામે આવી છે કે શાસક પક્ષ એનડીએનાના 52.5% સમર્થકો પણ આ પેટ્રોલનો ઉપયોગ કરવાથી બચી રહ્યા છે અને માત્ર 18.1 ટકા સમર્થકોએ જ આ નીતિને ટેકો આપ્યો છે, જ્યારે વિપક્ષના 57.9 ટકા સમર્થકોએ આ બળતણનો વિરોધ કર્યો છે.

સર્વેક્ષણમાં ભાગ લેનારા 52.8 ટકા લોકોનું સ્પષ્ટપણે માનવું છે કે E20 પેટ્રોલના ઉપયોગથી વાહનની માઇલેજ પહેલા કરતા ઘટી જાય છે, જ્યારે 54.2 ટકા લોકોના મતે આ ઇથેનોલ મિશ્રિત બળતણથી મોટાભાગની ગાડીઓના એન્જિન પર ખૂબ જ ખરાબ અસર પડે છે. માત્ર 10.9 ટકા લોકો જ એવા છે જેઓ માને છે કે આનાથી ગાડીને કોઈ નુકસાન થતું નથી. ખાસ કરીને જૂની ગાડીઓ (જે E10 ના માપદંડ મુજબ બનેલી છે) ના માલિકોની મુશ્કેલી વધી છે અને 56.3 ટકા લોકોનું કહેવું છે કે જૂના વાહનો માટે E20 પેટ્રોલ ફરજિયાત બનાવવાનો નિર્ણય જરાય યોગ્ય નથી.

દેશભરના ગ્રાહકોની માંગ છે કે પેટ્રોલ પંપ પર સામાન્ય પેટ્રોલ અને E20 પેટ્રોલ બંને વિકલ્પો ઉપલબ્ધ હોવા જોઈએ, જેથી લોકો પોતાની જરૂરિયાત અને એન્જિનની ક્ષમતા મુજબ નિર્ણય લઈ શકે અને આ માંગની તરફેણમાં 75.9 ટકા લોકોએ સમર્થન આપ્યું છે. આ ઉપરાંત 74.5 ટકા લોકોનું કહેવું છે કે જો સરકાર આ પેટ્રોલ વેચવા માંગતી હોય તો તેની કિંમત સામાન્ય પેટ્રોલ કરતા ઓછી રાખવી જોઈએ, જોકે કિંમત સસ્તી હોવા છતાં માત્ર 40.8 ટકા લોકો જ તેને અપનાવવા રાજી છે. ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવાના સરકારના દાવા પર 37.2 ટકા લોકો સંપૂર્ણ સંમત છે જ્યારે મોટી વસ્તી હજુ પણ આશંકા સેવી રહી છે. આ સર્વે 8 અને 9 જુલાઈ દરમિયાન દેશભરના 1,641 લોકો સાથે ફોન પર વાતચીત કરીને કરવામાં આવ્યો છે.

Exit mobile version