Site icon Revoi.in

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP)નો 78મો સ્થાપના દિવસઃ આ સંગઠન વિશે તમે કેટલું જાણો છો?

78th Foundation Day of Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP)

78th Foundation Day of Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP)

Social Share

[અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 9 જુલાઈ, 2026 અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)નું નામ કોઈનાથી અજાણ્યું હોય એવું સંભાવના નહિવત્ છે. દેશમાં શિક્ષણને લગતા વિવિધ મુદ્દા પર વિદ્યાર્થીઓ વતી અવાજ ઉઠાવનાર આ રાષ્ટ્રવાદી સંગઠનનો આજે 9 જુલાઈને ગુરુવારે 78મો સ્થાપના દિવસ છે. સ્વામી વિવેકાનંદના આદર્શથી પ્રેરિત એબીવીપી સીધી રીતે રાજકીય પ્રવૃત્તિઓમાં સંકળાયેલું ન હોવા છતાં દેશહિતની રાજનીતિના ઘડતરમાં તેની ભૂમિકા જરાય ઓછી પણ નથી. મહત્ત્વનું એ છે કે આજના દિવસને રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.

આજે આ દિવસે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત વિવિધ રાજકીય અગ્રણીઓ તેમજ સામાજિક આગેવાનો દ્વારા ABVPને શુભેચ્છા પાઠવતા સંદેશા જોવા મળી રહ્યા છે.

ઇતિહાસ, વિકાસ અને પ્રભાવ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) વિદ્યાર્થી સંગઠન છે, જેની સ્થાપના 1949માં આજની તારીખે અર્થાત 9 જુલાઈએ  થઈ હતી. આ રાષ્ટ્રવાદી વિદ્યાર્થી સંગઠનમાં 55 લાખ 12 હજાર કરતાં વધુ સભ્યો છે, જે તેને વિશ્વના સૌથી મોટા વિદ્યાર્થી સંગઠનોમાંનું એક બનાવે છે. સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની વિદ્યાર્થી પાંખ છે.

સ્થાપના અને પ્રારંભિક હેતુ

આરએસએસના કાર્યકર બલરાજ મધોકની પહેલથી 1948માં સ્થપાયેલી એબીવીપીની 9 જુલાઈ 1949ના રોજ વિધિવત નોંધણી કરવામાં આવી હતી. તેની સ્થાપના થઈ ત્યારે તેનો મુખ્ય હેતુ યુનિવર્સિટી કેમ્પસમાં સામ્યવાદી પ્રભાવનો સામનો કરવાનો હતો. મુંબઈના પ્રાધ્યાપક યશવંતરાવ કેલકર 1958માં આ સંગઠનના મુખ્ય આયોજક બન્યા. એબીવીપીની વેબસાઇટ અનુસાર શ્રી કેલકરે સંગઠનને આજનું સ્વરૂપ આપ્યું હતું અને તેમને ‘એબીવીપીના સાચા શિલ્પકાર’ માનવામાં આવે છે.

આંદોલનો અને સંગઠનનો વ્યાપ

1970ના દાયકામાં એબીવીપીએ નીચલા મધ્યમ વર્ગને અસર કરનાર ભ્રષ્ટાચાર અને સરકારની નિષ્ક્રિયતા જેવા મુદ્દાઓ પર પણ સક્રિયપણે ધ્યાન આપ્યું હતું. બિહારમાં 1970ના દાયકાના આંદોલનાત્મક રાજકારણમાં એબીવીપીએ અગ્રણી ભૂમિકા ભજવી હતી. યશવંતરાવ કેલકર, દત્તોપંત ઠેંગડી, મનમોહન જી. વૈદ્ય અને સુનીલ આંબેકર જેવા ઘણા નેતાઓએ સમગ્ર ભારતના કેમ્પસમાં એબીવીપીની હાજરી વિસ્તારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

આના કારણે ગુજરાત અને બિહારના વિદ્યાર્થી કાર્યકરો વચ્ચે સહયોગ વધ્યો. કટોકટી પછી આવા પ્રયાસોથી એબીવીપીને નોંધપાત્ર ફાયદો થયો અને તેના સભ્યપદમાં વૃદ્ધિ જોવા મળી.

સભ્યપદમાં નોંધપાત્ર વધારો

1974 સુધીમાં એબીવીપી 790 કેમ્પસમાં 160,000 સભ્યો ધરાવતું હતું અને વિદ્યાર્થી ચૂંટણીઓ દ્વારા દિલ્હી યુનિવર્સિટી સહિત ઘણી અગ્રણી યુનિવર્સિટીઓ પર તેણે નિયંત્રણ મેળવ્યું હતું. 1983 સુધીમાં સંગઠન 250,000 સભ્યો અને 1,100 શાખાઓ ધરાવતું થઈ ગયું હતું. બાબરી મસ્જિદ ધ્વંસ અને પી. વી. નરસિમ્હા રાવ સરકાર દ્વારા અપનાવવામાં આવેલી આર્થિક ઉદારીકરણની નીતિના પરિણામે વધુ સમર્થન મળતાં 1990ના દાયકા દરમિયાન એબીવીપીનો વધુ વિકાસ થયો. 2003માં યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ સત્તામાં આવ્યા પછી પણ તેનો વિકાસ ચાલુ રહ્યો.

રાજકીય જોડાણ અને વિચારધારા

એબીવીપી પોતાને આરએસએસની “વિદ્યાર્થી પાંખ” તરીકે વર્ણવે છે. જોકે, ભાજપ અને એબીવીપી બંને સંઘ પરિવારના સભ્યો છે. એવું માનવામાં આવે છે કે ભાજપને એબીવીપીના સમર્થનથી ઘણો ફાયદો થાય છે. એ વાત જાણીતી છે કે, વર્તમાન ગૃહ પ્રધાન અમિત શાહ તથા ભૂતપૂર્વ નાણાં પ્રધાન સ્વર્ગસ્થ અરુણ જેટલી સહિત ભાજપના ઘણા નેતાઓનો વૈચારિક પાયો એબીવીપીમાં જ નંખાયો હતો. કેટલાક વિદ્વાનો આરએસએસ અને ભાજપ વચ્ચે કોઈ ભેદ રાખતા નથી, અને એબીવીપીને તે બંનેની અથવા તેમાંથી કોઈ એકની વિદ્યાર્થી પાંખ માને છે.

ચૂંટણી પ્રદર્શનમાં ઉતાર-ચઢાવ

કૉલેજ અને યુનિવર્સિટી સ્તરે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રવાદી ભાવના વિકસે એ હેતુથી એબીવીપી શૈક્ષણિક સ્તરની વિવિધ ચૂંટણીમાં ઉમેદવાર ઊભા રાખે છે. છેલ્લા થોડાં વર્ષમાં અનેક યુનિવર્સિટી તેમજ કૉલેજની ચૂંટણીમાં એબીવીપીના ઉમેદવારો વિજયી થયા છે. આ ચૂંટણીઓમાં એબીવીપીએ મુખ્યત્વે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ અને ડાબેરીઓની વિવિધ વિદ્યાર્થી પાંખ સામે વૈચારિક ટક્કર ઝીલવી પડે છે.

મુખ્ય કાર્યક્રમો અને સામાજિક યોગદાન

એબીવીપીની મૂળભૂત વિચારધારા રાષ્ટ્રહિતની હોવાથી કુદરતી આફત અથવા અકસ્માતો અથવા કોમી તોફાનો દરમિયાન લોકોની સેવા કરવાની વિવિધ કામગીરીમાં પણ આ સંગઠનના નેતાઓનું, સભ્યોનું પ્રદાન જોવા મળે છે.

Exit mobile version