Site icon Revoi.in

ડેડીયાપાડાથી દિલ્હી સુધી મારપીટનું મોડેલ, શિષ્યે કમાલ કરી અને ગુરુએ શિષ્ય પાસેથી પ્રેરણા લીધી?

Chaitar Vasava, Kejriwal, Swati Maliwal, Aam Aadmi Party

Chaitar Vasava, Kejriwal, Swati Maliwal, Aam Aadmi Party

Social Share

હેમંત પરમાર દ્વારા
રાજકારણમાં ગુરુ-શિષ્યની પરંપરા બહુ જૂની છે. ગુરુ જ્ઞાન આપે, શિષ્ય શીખે અને જીવનમાં આગળ વધે. પરંતુ ક્યારેક એવી પરિસ્થિતિ પણ સર્જાય છે કે શિષ્ય ગુરુને જ પાછળ છોડી દે. પછી લોકો કહેવા લાગે કે હવે ગુરુએ પણ શિષ્ય પાસેથી કંઈક શીખવાની જરૂર છે.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 23 જૂનને મંગળવારે કોર્ટ દ્વારા ૭ વર્ષની સજા ફટકારવામાં આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં આવી જ ચર્ચા જોર પકડી રહી છે.

“ગુરુએ પાઠ ભણાવ્યો, શિષ્યે તેમાં પીએચ.ડી. કરી અને પછી ગુરુએ શિષ્ય પાસેથી કોચિંગ લીધું.”

આ બે એવી ઘટનાઓ છે, જેણે રાજકારણમાં ઘણા સવાલો ઊભા કર્યા છે.

પ્રકરણ પહેલું: ડેડીયાપાડા, વર્ષ ૨૦૨૩

સરકારી કર્મચારીઓને ઘરે બોલાવ્યા પછી શું થયું?

વર્ષ ૨૦૨૩માં નર્મદા જિલ્લામાં વન વિભાગે સરકારી જમીન પરથી ગેરકાયદે વાવેતર દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. સરકારી પક્ષના જણાવ્યા મુજબ આ કાર્યવાહીથી નારાજગી સર્જાઈ હતી.

આરોપ છે કે ત્યારબાદ વન વિભાગના કેટલાક કર્મચારીઓને ચૈતર વસાવાના નિવાસસ્થાને બોલાવવામાં આવ્યા હતા. ત્યાં તેમની સાથે ધમકીભર્યું વર્તન કરવામાં આવ્યું, મારપીટ થઈ અને હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું.

ફરિયાદ નોંધાઈ. રાજ્યભરમાં ચર્ચા શરૂ થઈ. સમર્થકો અને વિરોધીઓ આમને-સામને આવી ગયા. એક તરફ આરોપો ખોટા હોવાના દાવા થયા, તો બીજી તરફ સરકારી કર્મચારીઓ સાથે થયેલા વર્તન અંગે ગંભીર પ્રશ્નો ઉઠ્યા.

કેસ કોર્ટ સુધી પહોંચ્યો. ૧૭ જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ હવે નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટે ચૈતર વસાવાને દોષિત જાહેર કર્યા છે. તેમની પત્ની શકુંતલા વસાવા સહિત કુલ નવ આરોપીઓને પણ ૭ વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે.

પ્રકરણ બીજું: દિલ્હી, વર્ષ ૨૦૨૪

મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં મહિલા સાંસદ સાથે શું બન્યું?

ડેડીયાપાડાની ઘટના હજુ ચર્ચામાં હતી ત્યાં ૨૦૨૪માં દિલ્હીમાંથી એક એવો વિવાદ સામે આવ્યો, જેણે દેશભરમાં રાજકીય તોફાન મચાવી દીધું.

૧૩ મે, ૨૦૨૪ના રોજ રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી.

ફરિયાદ મુજબ તેઓ અરવિંદ કેજરીવાલને મળવા તેમના નિવાસસ્થાને ગયા હતા. ત્યાં કેજરીવાલના પર્સનલ આસિસ્ટન્ટ વિભવ કુમારે તેમની સાથે ગેરવર્તણૂક કરી, તમાચા માર્યા અને પેટ તથા છાતીના ભાગે લાતો મારી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

ફરિયાદ સામે આવ્યા બાદ દેશભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ અને અહીંથી જ લોકો વચ્ચે એક સરખામણી શરૂ થઈ.

શિષ્યે રસ્તો બતાવ્યો કે ગુરુએ?

ડેડીયાપાડામાં આરોપ શું હતો?

“ઘરે બોલાવીને મારપીટ.”

દિલ્હીમાં ફરિયાદ શું કહે છે?

“મુખ્યમંત્રીના નિવાસસ્થાને બોલાવીને મારપીટ.”

અહીંથી જ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે આખરે કોણે કોની પ્રેરણા લીધી છે?

શિષ્ય ગુરુ પાસેથી શીખ્યો કે પછી ગુરુએ જ શિષ્યનો પાઠ અપનાવ્યો?

રાજકારણમાં સૌથી મોટો પ્રશ્ન છે કે,

નેતાઓ માત્ર ભાષણ આપતા નથી. તેઓ રાજકીય સંસ્કૃતિ પણ ઘડે છે.

જો નેતા શાંતિની ભાષા બોલે તો કાર્યકર પણ શાંતિનો માર્ગ અપનાવે.

જો નેતા સંવાદની વાત કરે તો કાર્યકર પણ ચર્ચાનો રસ્તો પસંદ કરે.

પણ જો વારંવાર એક જ પ્રકારના વિવાદો સામે આવે તો લોકોના મનમાં પ્રશ્નો ઊભા થવા સ્વાભાવિક છે.

શું અસહમતિનો જવાબ દલીલોથી આપવાનો છે કે પછી ધાકધમકીથી?

શું લોકશાહીમાં મતભેદનો ઉકેલ ચર્ચા છે કે પછી શક્તિ પ્રદર્શન?

શું જનતાએ પરિવર્તનની આશાએ જે “આપ” ને પસંદ કરી હતી, તે હવે જૂના રસ્તે ચાલી રહી છે?

કોર્ટનો ચુકાદો અને જનતાનો ચુકાદો.

ચૈતર વસાવાના કેસમાં કોર્ટ પોતાનો ચુકાદો આપી ચૂકી છે.

દિલ્હીની ઘટનાને લઈને કાનૂની અને રાજકીય ચર્ચાઓ અલગથી ચાલી છે.

પરંતુ સામાન્ય લોકો આજે એક જ બાબત પર ચર્ચા કરી રહ્યા છે કે,
સંગતની અસર ખરેખર થાય છે.

કારણ કે જ્યારે ગુરુ અને શિષ્ય બંનેના નામ સાથે એકસરખા પ્રકારના વિવાદો જોડાવા લાગે, ત્યારે જનતા પોતે જ એક નવી કહેવત બનાવી દે છે,
“જેવા શિષ્ય તેવા ગુરુ અને ક્યારેક તો શિષ્ય ગુરુ કરતાં પણ ચડિયાતો નીકળે અને ગુરુ શિષ્ય પાસેથી પ્રેરણા લે.”

Exit mobile version