ગુરુગ્રામ (હરિયાણા), 10 ઓગસ્ટ, 2026 – ગુરુગ્રામમાં એક બિઝનેસમેને રૂપિયા 271 કરોડમાં એક પેન્ટ હાઉસ ખરીદ્યું હોવાનું જાણવા મળે છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે પ્રોપર્ટીના ભાવ સતત વધી રહ્યા છે. ભારતમાં લોકો હવે એસઆઈપી (SIP) કે કોઈ એફડી (FD) માં રોકાણ કરવા કરતાં પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આ દરમિયાન હવે ભારતની સૌથી મોટી રિયલ એસ્ટેટ ડીલ ચર્ચાનો વિષય બની છે. અહેવાલો છે કે ગુરુગ્રામમાં પેન્ટહાઉસની એટલી મોટી ડીલ થઈ છે, જેના વિશે સાંભળીને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગઈ છે.
બિઝનેસ સ્ટેન્ડર્ડના અહેવાલ મુજબ ગુરુગ્રામના DLF ફેઝ-5માં બની રહેલા સુપર-લક્ઝરી પ્રોજેક્ટ ‘ધ ડહલિયાઝ’ (The Dahlias)માં એક પેન્ટહાઉસ 271 કરોડ રૂપિયામાં વેચાયું છે. આ અત્યાર સુધીની સૌથી મોંઘી ડીલ છે. આ પહેલાં ભારતમાં ક્યારેય પણ આટલી મોટી ડીલ થઈ નથી. આ પેન્ટહાઉસ 17,200 ચોરસફૂટ એરિયામાં બનેલું છે અને તેનો કાર્પેટ એરિયા 10,500 ચોરસફૂટ છે.
કોણ છે ખરીદનાર?
આ પેન્ટહાઉસને ‘ઈમ્પીરિયલ ઓટો’ નામની કંપનીના માલિક અને ઉદ્યોગપતિ માનવ સરદાનાએ ખરીદ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર DLF એ તેને સુપર એરિયાના હિસાબે આશરે 1.58 લાખ રૂપિયા પ્રતિ ચોરસફૂટની કિંમતે વેચ્યું છે. જ્યારે કાર્પેટ એરિયાના હિસાબે તેની કિંમત લગભગ 2.6 લાખ રૂપિયા પ્રતિ ચોરસફૂટ થાય છે. જોકે આ ડીલ અંગે DLF તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા જાણવા મળી નથી.
DLFએ આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં 65%થી વધુ યુનિટ્સ વેચી ચૂકી છે. આ પ્રોજેક્ટમાં એક સામાન્ય એપાર્ટમેન્ટની કિંમત પણ 100 કરોડ રૂપિયાથી 170 કરોડ રૂપિયાની વચ્ચે છે, જ્યારે પેન્ટહાઉસની કિંમત આનાથી પણ વધુ છે.

