Site icon Revoi.in

‘૨૫ જૂન – બંધારણ હત્યા દિવસ’ નિમિત્તે વડોદરા ખાતે વિશેષ સંમેલન યોજાયું

Constitution Assassination Day

Constitution Assassination Day

Social Share

વડોદરા, 26 જૂન, 2026 – ‘૨૫ જૂન – બંધારણ હત્યા દિવસ’ નિમિત્તે ગુરુવારે ભાજપા દ્વારા વડોદરા સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને વિશેષ સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે મીસા હેઠળ જેલવાસ ભોગવનાર લોકશાહીના પ્રહરીઓનું મીસાવાસી શ્રી ગિરધારીલાલ કિશોરાણી, શ્રી જીતેન્દ્રભાઈ વ્યાસ, શ્રી રાજેન્દ્રભાઈ વ્યાસ, શ્રી પરમાનંદભાઈ સોની, શ્રી સુરેન્દ્રભાઈ શાહ, શ્રી અતુલભાઈ શેઠ તથા શ્રી ઉત્સવભાઈ પરીખનું શ્રી વિશ્વકર્માએ સન્માન કર્યું હતું.

પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સંમેલનમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે સમગ્ર દેશ આજે ૨૫ જૂનને ‘બંધારણ હત્યા દિવસ’ તરીકે યાદ કરી રહ્યો છે. આજથી ૫૧ વર્ષ પહેલાં ૨૫ જૂન, ૧૯૭૫ની રાત્રે કોંગ્રેસ સરકાર દ્વારા દેશ પર લાદવામાં આવેલી કટોકટી ભારતના લોકશાહી ઇતિહાસનો સૌથી કાળો અધ્યાય છે. માત્ર પોતાની સત્તા બચાવવા માટે અહંકાર અને સત્તાના મોહમાં ડૂબેલા તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશના બંધારણ, લોકશાહી અને નાગરિક સ્વતંત્રતાઓ પર પ્રહાર કર્યો હતો. જે લોકો આજે બંધારણની વાતો કરે છે, તેમના જ પૂર્વજોએ બંધારણની સૌથી મોટી હત્યા કરી હતી.

Constitution Assassination Day

બંધારણના નિર્માણ માટે 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો

તેમણે જણાવ્યું હતું કે ભારતનું બંધારણ વિશ્વના સૌથી વધુ ચર્ચા-વિચારણા બાદ ઘડાયેલા બંધારણોમાંનું એક છે. બંધારણના નિર્માણ માટે ૨ વર્ષ, ૧૧ મહિના અને ૧૮ દિવસનો સમય લાગ્યો હતો. ૧૩ જેટલી વિવિધ સમિતિઓ રચાઈ હતી, ૧૧ સત્રોમાં ૧૬૫ દિવસ સુધી ચર્ચાઓ થઈ હતી અને આશરે ૧,૧૦૦ કલાકથી વધુ સમય સુધી વિવિધ જોગવાઈઓ પર વિસ્તૃત ચર્ચા-વિમર્શ થયા બાદ મુસદ્દા સમિતિએ તેને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. પરંતુ કોંગ્રેસે પોતાના રાજકીય હિતો માટે આ મહાન દસ્તાવેજનું વારંવાર અપમાન કર્યું છે.

આ પણ વાંચોઃ બ્રિટનમાં પાકિસ્તાની રેપગેંગનો પર્દાફાશ કર્યો એક બ્રિટિશ પાકિસ્તાનીએઃ જુઓ વીડિયો

પ્રદેશ અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે ૧૯૭૧ની લોકસભા ચૂંટણીમાં રાયબરેલી બેઠક પરથી ઇન્દિરા ગાંધીની જીત સામે સમાજવાદી નેતા રાજનારાયણે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. સરકારી મશીનરીના દુરુપયોગ સહિતના આરોપોમાં હાઈકોર્ટે ઇન્દિરા ગાંધીને દોષિત ઠેરવી તેમની ચૂંટણી ગેરકાયદેસર જાહેર કરી હતી તથા તેમનું સંસદ સભ્યપદ રદ કર્યું હતું. આગામી છ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ લોકશાહીની મર્યાદા સ્વીકારવાને બદલે સત્તા બચાવવા માટે કટોકટી લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આંશિક રાહત આપતા આદેશ બાદ ૨૫ જૂન, ૧૯૭૫ના રોજ દિલ્હીના રામલીલા મેદાન ખાતે લોકનાયક જયપ્રકાશ નારાયણે વિશાળ રેલી યોજી દેશવ્યાપી આંદોલનની હાકલ કરી હતી. તેના પ્રતિસાદરૂપે એ જ રાત્રે તત્કાલીન રાષ્ટ્રપતિની મંજૂરી મેળવી દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી. વહેલી સવારે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી અને ત્યારબાદ દેશભરમાં લોકશાહીના અવાજને દબાવવાની કાર્યવાહી શરૂ થઈ હતી.

કટોકટી દરમિયાન મીસા (MISA) કાયદાનો વ્યાપક દુરુપયોગ

શ્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે કટોકટી દરમિયાન મીસા (MISA) કાયદાનો વ્યાપક દુરુપયોગ થયો હતો. એક લાખથી વધુ લોકોને કોઈ વોરંટ વિના જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા લોકોને જામીન મેળવવાનો કે કોર્ટમાં પડકારવાનો અધિકાર પણ નહોતો. રાજકીય કાર્યકરો, સામાજિક આગેવાનો અને સામાન્ય નાગરિકોને માત્ર વિરોધ વ્યક્ત કરવા બદલ જેલમાં પુરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કટોકટી દરમિયાન પ્રેસ અને મીડિયાની સ્વતંત્રતા સંપૂર્ણપણે કચડી નાખવામાં આવી હતી. અનેક અખબારો અને સામયિકો પર સેન્સરશિપ લાદવામાં આવી હતી તથા વિદેશી પત્રકારોના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જે લોકો આજે અભિવ્યક્તિ ની આઝાદીની વાત કરે છે, તેમણે પોતાના ઇતિહાસ તરફ પણ નજર કરવી જોઈએ. નવી પેઢીને આ ઇતિહાસથી અવગત કરાવવો સમયની માંગ છે.

Constitution Assassination Day

શ્રી વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું હતું કે સંજય ગાંધીના નેતૃત્વ હેઠળ જનસંખ્યા નિયંત્રણના નામે બળજબરીપૂર્વકના કાર્યક્રમો ચલાવવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર દેશમાં વ્યાપક અસંતોષ ફેલાયો હતો. કોંગ્રેસે બંધારણ સાથે અનેક વખત ચેડાં કર્યા છે. કટોકટી દરમિયાન પ્રસ્તાવનામાં ફેરફાર કરવામાં આવ્યો. અનેક બંધારણીય જોગવાઈઓ અને ૪૦થી વધુ કાયદાઓમાં ફેરફાર કોંગ્રેસના શાસનમાં કરાયા, નવી કલમો ઉમેરવામાં આવી અને ન્યાયતંત્રની સ્વતંત્રતાને પણ પડકારવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કોંગ્રેસ પક્ષે બંધારણને નબળું પાડવામાં કોઈ કસર બાકી રાખી નથી.

“જહાં હુએ બલિદાન મુખર્જી, વો કાશ્મીર હમારા હૈ”

શ્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ૧૯૫૪માં જવાહરલાલ નહેરૂના સમયમાં કલમ ૩૭૦ સાથે કલમ ૩૫-એ જોડવામાં આવી હતી, જેના કારણે જમ્મુ-કાશ્મીર અને ભારતના અન્ય નાગરિકો વચ્ચે ભેદભાવની સ્થિતિ ઊભી થઈ હતી. પરંતુ ૫ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપાની એનડીએ સરકારે કલમ ૩૭૦ દૂર કરીને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને વધુ મજબૂત બનાવી હતી. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનું બલિદાન ત્યારે સાચા અર્થમાં સાકાર થયું હતું. આજે ગર્વથી કહી શકાય છે કે, “જહાં હુએ બલિદાન મુખર્જી, વો કાશ્મીર હમારા હૈ.” લાલ ચોકથી લઈને લદાખ સુધી આજે ગૌરવશાળી તિરંગો શાનથી લહેરાઈ રહ્યો છે.

પ્રદેશ અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે જે લોકો આજે સંસદમાં બંધારણની મોટી ચોપડી બતાવીને પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે, તેમણે પોતાના પક્ષના ઇતિહાસનું આત્મચિંતન કરવું જોઈએ. લોકશાહીના રક્ષક જ્યારે ભક્ષક બની જાય ત્યારે આવી સ્થિતિ સર્જાય છે. કોંગ્રેસના શાસનકાળે દેશે બંધારણ અને લોકશાહીની સૌથી મોટી યાતનાઓ જોઈ છે. આ કારણોસર ‘બંધારણ હત્યા દિવસ’ માત્ર ઇતિહાસને યાદ કરવાનો દિવસ નથી, પરંતુ લોકશાહીની રક્ષા માટે સતત જાગૃત રહેવાનો સંકલ્પ દિવસ છે. પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ કહ્યું હતું કે, લોકશાહીની રક્ષા માટે મીસાવાસીઓએ ભોગવેલી યાતનાઓ અને આપેલા ત્યાગને રાષ્ટ્ર હંમેશા યાદ રાખશે. શ્રી વિશ્વકર્માએ કટોકટી દરમિયાન દેશવાસીઓ પર થયેલા દમન, અત્યાચાર, અને લોકશાહી મૂલ્યોના હનનને દર્શાવતી પ્રદર્શની નિહાળી હતી.

આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીશ્રી ડો.મનીષાબેન વકીલ, પ્રદેશ મહામંત્રીશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી રસિકભાઇ પ્રજાપતિ, મેયરશ્રી ગીતાબેન મકવાણા, વડોદરા મહાનગર ભાજપા પ્રમુખશ્રી ડો.જયપ્રકાશ સોની, વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખશ્રી બી.જે.બ્રહ્મભટ્ટ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ, ચુંટાયેલા સભ્યો, આગેવાનો, કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Exit mobile version