Site icon Revoi.in

લાંબા અંતરની મુસાફરીમાં વાહન ચાલકો રોડ હિપ્નોસિસનો શિકાર બનતા અકસ્માતની ઘટના બને છે

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. માર્ગ અકસ્માતના બનાવો ઘટે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ઓડિશા સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (STA) એ અકસ્માતોની શક્યતાઓને ઘટાડવા માટે ડ્રાઇવરોને લાંબા અંતરની મુસાફરી કરતી વખતે રોડ હિપ્નોસિસ ટાળવાની સલાહ આપી છે. રોડ હિપ્નોસિસ એ એક શારીરિક સ્થિતિ છે જેના વિશે મોટાભાગના ડ્રાઇવરો જાણતા નથી અને તે ઘણીવાર રાત્રે થાય છે. ડ્રાઈવરની આંખો ખુલ્લી હોવા છતાં તેનું મન બેભાન અવસ્થામાં જાય છે. એક જ રૂટ પર સતત અઢી કલાક વાહન ચલાવ્યા બાદ રોડ સંમોહનની સ્થિતિ શરૂ થાય છે. આ અવસ્થામાં આંખો ખુલ્લી હોવા છતાં મગજ કંઈપણ યાદ કે સમજી શકતું નથી.

STA એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રોડ હિપ્નોસિસ સાથે સંકળાયેલા અકસ્માતો હવે એક મોટી સમસ્યા તરીકે ઉભરી આવ્યા છે. ડ્રાઈવરને અકસ્માતની 15 મિનિટ પહેલા કંઈપણ ઓળખવામાં અથવા યાદ રાખવામાં મુશ્કેલી પડી શકે છે. વ્યક્તિને એ પણ ખબર નથી હોતી કે તે કેટલી ઝડપે વાહન ચલાવી રહ્યો છે અથવા સામેનું વાહન કઈ ઝડપે જઈ રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોના અકસ્માતના આંકડાઓ દર્શાવે છે કે રોડ હિપ્નોસિસ અકસ્માતોના ઘણા કારણોમાંનું એક છે. ઉપલબ્ધ માહિતી અનુસાર, 2023 માં ઓડિશામાં પાછળના ભાગની અથડામણને કારણે 2,496 અકસ્માતોમાં 1,198 લોકો મૃત્યુ પામ્યા હતા અને 1,272 ઘાયલ થયા હતા. તેવી જ રીતે, વાહનો વચ્ચેની અથડામણને કારણે 639 માર્ગ અકસ્માતોમાં 274 લોકોના મોત થયા હતા અને 354 ગંભીર રીતે ઘાયલ થયા હતા.

STA મુજબ, સ્થિર વસ્તુઓ સાથે અથડામણને કારણે પણ કુલ 763 અકસ્માતો થયા હતા, જેમાં 373 લોકોના મોત થયા હતા અને 422 લોકો ઘાયલ થયા હતા. તે જોતા ટ્રાન્સપોર્ટ ઓથોરિટી દ્વારા જાગૃતિના કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. શિયાળા દરમિયાન, STA લાંબા અંતરની મુસાફરી કરતા ડ્રાઇવરોને ચા પીરસે છે. રાજ્યના વાહનવ્યવહાર કમિશનર અમિતાભ ઠાકુરે જણાવ્યું હતું કે લાંબી મુસાફરી કરતી વખતે અને સતત અઢી કલાક સુધી ડ્રાઇવિંગ કર્યા પછી, ડ્રાઇવરોએ થોડી મિનિટો આરામ કરવો, ચહેરો ધોવો, થોડું ચાલવું અને પાંચથી છ મિનિટ આરામ કરવો જરૂરી છે. તેણે તાજગી અનુભવવા માટે ચા કે કોફી પીવાનું કહ્યું. તેમણે કહ્યું, “જ્યારે તમે સંપૂર્ણ રીતે તાજગી અનુભવો છો ત્યારે જ મુસાફરી શરૂ કરો. રાત્રે વાહન ચલાવતી વખતે વધુ કાળજી રાખો. માત્ર ડ્રાઈવરોએ જ નહીં પણ મુસાફરોએ પણ આ બાબતે સાવચેત રહેવું જોઈએ. અને ડ્રાઈવરની ડ્રાઈવિંગ શૈલી પર નજર રાખવી જોઈએ. “અને તેમને ચેતવણી આપવી જોઈએ કે મુસાફરો ઊંઘી જવાથી રસ્તા પર થાકનું જોખમ વધે છે.”