Site icon Revoi.in

અધિક માસ : ભારતીય સમયગણના, ખગોળવિજ્ઞાન અને આધ્યાત્મિક ચિંતનની અદભૂત પરંપરા

Adhik Mas: A wonderful tradition of Indian chronology, astronomy and spiritual contemplation

Adhik Mas: A wonderful tradition of Indian chronology, astronomy and spiritual contemplation

Social Share

ભારતીય સંસ્કૃતિમાં સમય માત્ર દિવસો, મહિના અને વર્ષોની ગણતરી માટેનું સાધન નથી, પરંતુ બ્રહ્માંડની ગતિ, પ્રકૃતિના ચક્રો અને માનવચેતનાની આંતરિક સ્થિતિને સમજવાનો એક ઊંડો વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પ્રયાસ છે. વિશ્વની અનેક પ્રાચીન સંસ્કૃતિઓમાં સમયગણનાની પદ્ધતિઓ વિકસેલી હતી, પરંતુ ભારતીય પંચાંગ પદ્ધતિએ સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, ઋતુઓ અને માનવજીવન વચ્ચેના સંબંધને જે રીતે એકત્રિત કર્યો છે તે અનોખો અને અદ્ભુત છે. ભારતમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની સમયગણના પદ્ધતિઓ પ્રચલિત રહી છે. ૧. સૂર્યમાન (Solar Calendar)‌ ૨. ચંદ્રમાન (Lunar Calendar) અને ૩. પંચાંગ આધારિત નક્ષત્ર સમયગણના. પ્રાચીન ભારતીયો ક્યારેય માત્ર એક જ કેલેન્ડરનો ઉપયોગ કરતા નહોતા. તેઓ સમજતા હતા કે માનવજીવન માત્ર ભૌતિક પ્રવૃત્તિઓ માટે નથી, પરંતુ તેમાં આધ્યાત્મિક, માનસિક અને સામાજિક પરિમાણો પણ સામેલ છે. તેથી જીવનના વિવિધ કાર્યો માટે અલગ અલગ સમયગણનાનો ઉપયોગ કરવામાં આવતો હતો.

Adhik Mas: A wonderful tradition of Indian chronology, astronomy and spiritual contemplation

સૂર્યમાન કેલેન્ડર સૂર્યની ગતિ પર આધારિત છે. પશ્ચિમના Gregorian Calendar ની જેમ માત્ર તારીખો અને ઋતુઓનું સાધારણ ગોઠવણ નહીં, પરંતુ ભારતીય સૂર્યમાનમાં આકાશમાં રહેલા નક્ષત્રો અને રાશિઓની સ્થિતિને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે નવા વર્ષની શરૂઆત માનવામાં આવે છે. આ પદ્ધતિ અત્યંત વૈજ્ઞાનિક અને સ્વસંશોધિત છે, કારણ કે મહિનાઓ 29 થી 32 દિવસ વચ્ચે બદલાતા રહે છે અને આકાશીય ગતિ પ્રમાણે પોતે જ સંતુલિત થઈ જાય છે. કૃષિ, ઋતુચક્ર અને પ્રકૃતિના પરિવર્તન સાથે સૂર્યમાનનો સીધો સંબંધ હોવાથી ખેડૂતો માટે આ પદ્ધતિ અત્યંત ઉપયોગી રહી છે. ભારતીય સમાજમાં વરસાદ, પાક, વાવણી અને ઋતુપ્રવર્તન જેવી બાબતો માટે સૂર્યમાનનો વિશેષ ઉપયોગ થતો હતો. તેથી તેને “ભૌતિક જીવન માટેનું કેલેન્ડર” કહી શકાય.

કેલેન્ડર ચંદ્રની ગતિ પર આધારિત

ચંદ્રમાન કેલેન્ડર ચંદ્રની ગતિ પર આધારિત છે. એક અમાસથી બીજી અમાસ સુધીનો સમય એક ચંદ્રમાસ ગણાય છે. બાર ચંદ્રમાસ મળીને આશરે 354 દિવસનું ચંદ્રવર્ષ બને છે, જ્યારે સૂર્યવર્ષ લગભગ 365 દિવસનું હોય છે. આમ બંને વચ્ચે દર વર્ષે લગભગ 11 દિવસનો તફાવત ઊભો થાય છે. જો આ તફાવત દૂર ન કરવામાં આવે તો થોડા વર્ષોમાં દિવાળી, હોળી, નવરાત્રિ અથવા રક્ષાબંધન જેવા તહેવારો ઋતુઓથી સંપૂર્ણપણે અલગ સમયમાં આવવા લાગે. આ સમસ્યાનું અદભૂત વૈજ્ઞાનિક સમાધાન ભારતીય ઋષિઓએ “અધિક માસ” દ્વારા કર્યું. લગભગ 32 થી 33 મહિનામાં આ 11 દિવસનો તફાવત એક મહિનાના સમાન થઈ જાય છે અને ત્યારે એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે જેને “અધિક માસ” કહેવાય છે. આ રીતે ચંદ્રવર્ષ અને સૂર્યવર્ષ વચ્ચેનું સંતુલન જાળવવામાં આવે છે. ભારતીય પંચાંગ સંપૂર્ણપણે “લુનીસોલર” એટલે કે સૂર્ય અને ચંદ્ર બંનેની ગતિના સંકલન પર આધારિત છે, જે તેની વૈજ્ઞાનિકતા દર્શાવે છે.

365 – 354 = 11

અધિક માસ માત્ર ખગોળીય ગોઠવણ માટેનો વધારાનો મહિનો નથી, પરંતુ તેને અત્યંત ઊંડો આધ્યાત્મિક અર્થ આપવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં તેને “પુરુષોત્તમ માસ” તરીકે ઓળખવામાં આવે છે. પુરાણોમાં એક રસપ્રદ કથા મળે છે કે જ્યારે આ વધારાના માસને અન્ય માસોની જેમ કોઈ દેવતાએ સ્વીકાર્યો નહીં, ત્યારે ભગવાન વિષ્ણુએ તેને પોતાનું સ્થાન આપ્યું અને કહ્યું કે આ મહિનો હવે “પુરુષોત્તમ” એટલે કે સર્વોત્તમ પુરુષનો મહિનો ગણાશે. ત્યારથી આ માસ ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. આ માસમાં જપ, તપ, દાન, ઉપવાસ, ગીતા પાઠ, ભાગવત શ્રવણ, ગૌસેવા અને ધ્યાનને વિશેષ મહત્વ આપવામાં આવે છે. માનવામાં આવે છે કે આ સમય દરમિયાન કરવામાં આવેલા સાત્વિક કાર્યોનું ફળ અનેકગણું વધે છે અને માનસિક તથા આધ્યાત્મિક શુદ્ધિ પ્રાપ્ત થાય છે.

અધિક માસ દરમિયાન સૂર્ય કોઈ નવી રાશિમાં પ્રવેશ કરતો નથી, એટલે કે “સંક્રાંતિ” થતી નથી. પ્રાચીન ઋષિઓએ માન્યું કે આ સમય દરમિયાન પ્રકૃતિમાં સૂક્ષ્મ ઊર્જાત્મક પરિવર્તન થાય છે. તેથી આ માસમાં બાહ્ય ભૌતિક સિદ્ધિઓ કરતાં આંતરિક ચેતનાના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો. લગ્ન, ગૃહપ્રવેશ, નવા વ્યવસાયની શરૂઆત, યજ્ઞોપવિત, દેવપ્રતિષ્ઠા જેવા શુભકાર્યો સામાન્ય રીતે ટાળવામાં આવે છે. કારણ કે આ સમય “બાહ્ય વિસ્તરણ” માટે નહીં પરંતુ “આંતરિક ચિંતન” માટે માનવામાં આવ્યો છે. આજના આધુનિક મનોચિકિત્સકો જે “Mindfulness”, “Mental Reset”, “Digital Detox” અથવા “Inner Reflection” જેવી કલ્પનાઓની વાત કરે છે, તે જ વિચારધારા અધિક માસમાં હજારો વર્ષોથી જોવા મળે છે.

અધિક માસ દરમિયાન વિવિધ પ્રકારના વ્રતો અને અનુષ્ઠાનોનું વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. કેટલાક લોકો આખો માસ ઉપવાસ અથવા એકભુક્ત વ્રત રાખે છે. “નક્ત ભોજન” એટલે દિવસ દરમિયાન ઉપવાસ કરીને સાંજે એકવાર જમવાનું પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભોજન સમયે મૌન પાળવાનું પણ કહેવામાં આવ્યું છે, કારણ કે મૌન મનની ઊર્જાને કેન્દ્રિત કરે છે અને આંતરિક શાંતિ આપે છે. તીર્થસ્થાનોમાં સ્નાન, ખાસ કરીને ગંગાસ્નાનનું વિશેષ મહાત્મ્ય જણાવાયું છે. દાનને અધિક માસમાં અત્યંત મહત્વ આપવામાં આવ્યું છે. અન્નદાન, વસ્ત્રદાન, તાંબૂલદાન, ગૌસેવા અને દીપદાન જેવા કાર્યોને પુણ્યદાયક માનવામાં આવે છે. ભગવાન પુરુષોત્તમના નામનો જપ, વિષ્ણુ સહસ્ત્રનામ, ભગવદ્ગીતા અને ભાગવત પુરાણના પાઠને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ગાયને ખવડાવવું અને તેની સેવા કરવી પણ આ માસના મહત્વપૂર્ણ અનુષ્ઠાનોમાં સમાવાયેલ છે.

અધિક માસ દરમિયાન કયા કાર્યો કરવા અને કયા ટાળવા તે અંગે ધર્મશાસ્ત્રોમાં વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. દૈનિક અને અનિવાર્ય કર્મો તો કરવા જ પડે, પરંતુ નવા શુભકાર્યો ટાળવા કહેવામાં આવે છે. જો કોઈ બાળકનો જન્મ અધિક માસમાં થયો હોય તો તેની જન્મતિથિની ઉજવણી “નિજ માસ”માં કરવાની પરંપરા છે. શ્રાદ્ધ સંબંધિત વિધિઓ માટે પણ અલગ નિયમો આપવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિનું અવસાન અધિક માસમાં થયું હોય તો તેના વાર્ષિક શ્રાદ્ધ માટે અધિક માસનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. આ દર્શાવે છે કે ભારતીય પંચાંગ માત્ર ધાર્મિક ભાવના પર આધારિત નથી, પરંતુ અત્યંત વ્યવસ્થિત અને ગણિતીય ચોકસાઈ ધરાવતી પદ્ધતિ છે.

અધિક માસ સાથે “ક્ષય માસ”ની પણ એક દુર્લભ ખગોળીય ઘટના જોડાયેલી છે. જેમ ક્યારેક એક વધારાનો માસ ઉમેરવામાં આવે છે, તેમ ખૂબ જ દુર્લભ પરિસ્થિતિમાં કોઈ માસ “ગાયબ” પણ થઈ શકે છે. જ્યારે એક ચંદ્રમાસ દરમિયાન સૂર્ય બે રાશિ પરિવર્તન કરી દે ત્યારે “ક્ષય માસ” બને છે. આ ઘટના લગભગ 140 થી 190 વર્ષમાં એક વખત બને છે. પૃથ્વી જ્યારે સૂર્યની આસપાસની અંડાકાર કક્ષામાં પરિહેલિયન નજીક પહોંચે છે ત્યારે તેની ગતિ વધે છે, અને તેનાથી આ દુર્લભ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ પ્રકારની જટિલ ખગોળીય સમજ હજારો વર્ષ પહેલાં ભારતીય ઋષિઓ પાસે હતી તે આશ્ચર્યજનક બાબત છે.

અધિક માસના ગણિત માટે પણ અનેક પદ્ધતિઓ શાસ્ત્રોમાં આપવામાં આવી છે. શાલિવાહન શક અથવા વિક્રમ સંવતના આધાર પર ગણતરી કરીને કયા વર્ષે અધિક માસ આવશે તે નક્કી કરવાની પરંપરા હતી. આ દર્શાવે છે કે ભારતીય પંચાંગ માત્ર ધાર્મિક વિશ્વાસ પર નહીં પરંતુ ઊંડા ખગોળશાસ્ત્ર અને ગણિત પર આધારિત હતું. આજે આધુનિક વિજ્ઞાન “Astronomical Synchronization”, “Biological Rhythms” અને “Circadian Cycles” જેવી સંકલ્પનાઓ પર સંશોધન કરી રહ્યું છે, પરંતુ ભારતીય ઋષિઓએ હજારો વર્ષ પહેલાં જ સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, ઋતુઓ અને માનવચેતનાના સંબંધને સમજવાનો પ્રયત્ન કર્યો હતો.

અધિક માસ આપણને એક ઊંડો સંદેશ આપે છે કે જીવન માત્ર દોડધામ, સંપત્તિ અને બાહ્ય સફળતા માટે નથી. ક્યારેક સમયને પણ વિરામ જોઈએ અને મનને પણ. પ્રાચીન ભારતીય સંસ્કૃતિએ સમયગણનાને માત્ર ખગોળીય ગણિત તરીકે નહીં પરંતુ આત્મચિંતન અને ચેતનાના વિકાસનું સાધન બનાવ્યું હતું. તેથી અધિક માસ માત્ર એક વધારાનો મહિનો નથી; તે બ્રહ્માંડ અને માનવમનની વચ્ચેનું સંતુલન છે, એક આધ્યાત્મિક વિરામ છે, અને માનવજાતને પોતાની અંદર ઝાંખી કરવાની એક અનોખી તક છે.

ધનંજય રાવલ, અંકુર હોબી સેન્ટર
Exit mobile version