- રાજ્યમાં ઓછું ટેલિકોમ નેટવર્ક અને કનેક્ટિવિટીની સમસ્યા ધરાવતા અંતરિયાળ અને આદિજાતી વિસ્તારોને ઈ-ગવર્નન્સ સુવિધા અર્થાત કોમન -સર્વિસ સેન્ટરથી સાંકળી લઈને સરકારની સેવાઓ ઝડપી અને સરળતાએ પહોંચાડવાનું આયોજન
- એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ સહિતના ટ્રાયબલ વિસ્તારોમાં વિશ્વાસપાત્ર ડિજિટલ સેવા સુનિશ્ચિત કરાશે
- પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો – શાળાઓ અને રાજ્યવ્યાપી ટેલિ-મેડિસિન સેન્ટર્સને સ્માર્ટ કનેક્ટિવિટીથી જોડીને સુદ્રઢ – ઝડપી આરોગ્ય અને શિક્ષણની સેવાઓ ઉપલબ્દ્ધ કરવાનું આયોજન
- ગવર્મેન્ટ એજન્સીઝ, ગવર્મેન્ટ સ્કૂલ્સ-ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમનું કેપેસિટી બિલ્ડીંગ કરાશે
- સરકારી શાળાઓ – પોર્ટ ફેસિલિટીઝ-વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી અને તમામ જિલ્લાઓના આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષને સાંકળી લેવાશે
ગાંધીનગર, 9 ફેબ્રુઆરી, 2026 – Agreement between Gujarat Government and Star Link ગુજરાત સરકારે રાજ્યમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ સેવા પૂરી પાડવાના હેતુસર એલન મસ્કની સ્પેસેક્સની સબસિડિયરી સ્ટારલિંક સેટેલાઈટ કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે પરસ્પર સહયોગના લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) કર્યા છે. આ સમજૂતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં થઈ હતી.
આ LoIને પરિણામે રાજ્યમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશન તથા સ્ટ્રેટેજિક ઈનિશિએટિવ્ઝથી અંતરિયાળ, છેવાડાના અને ઓછી ટેલિકોમ સુવિધા અને નેટવર્કની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં હાઇ-સ્પીડ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ સમજૂતીથી કોને કોને લાભ?
સમજૂતી અન્વયે પાયલોટ પ્રોજેક્ટમાં કોમન સર્વિસ સેન્ટર્સ (CSC), ઇ-ગવર્નન્સ સુવિધાઓ, સરકારી શાળાઓ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન નિયંત્રણ કક્ષ, પોર્ટ્સ, વન્યજીવ અભયારણ્યોના વિસ્તારોને જોડવાનું આયોજન છે.
નર્મદા અને દાહોદ જેવા એસ્પિરેશનલ જિલ્લાઓ સહિત રાજ્યના ટ્રાયબલ ડિસ્ટ્રીક્ટમાં ડિજિટલ ઇન્ક્લુઝન માટે મહત્વપૂર્ણ કદમ બનશે. અને આ જિલ્લાઓમાં પોલીસ ચૉકીઓ, આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રો, વન્યજીવ મોનિટરિંગ અને કૃષિ સંશોધન કેન્દ્રો માટે મજબૂત કનેક્ટિવિટી દ્વારા સલામતી અને સ્થિરતા વધવા સાથે રિલાયેબલ ડિજિટલ સર્વિસ ડિલિવરી પણ આ LoIનું અમલીકરણ થવાથી સુનિશ્ચિત થશે.
આ પહેલ અંતર્ગત રાજ્યની શાળાઓમાં શિક્ષણ માટે સ્માર્ટ કનેક્ટિવિટી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં (PHC)આરોગ્ય સુખાકારીની સેવાઓ અને ટેલિ-મેડિસિન સુવિધાઓ સરળતાએ અને ઝડપથી ઉપલબ્દ્ધ થશે. સાથોસાથ વિવિધ સરકારી એજન્સીઓ, વિભાગો, શાળાઓ અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમના કેપેસિટી બિલ્ડીંગ માટેના સંયુક્ત તાલીમ કાર્યક્રમોનું ભવિષ્યમાં આયોજન કરાશે.
રાજયમાં સીમલેસ અને ઇઝી કનેક્ટિવિટીની જરૂરિયાતોના સંદર્ભમાં આ LOIના અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકાર અને સ્ટારલિંકના પ્રતિનિધિઓની જોઈન્ટ વર્કિંગ ગ્રુપની રચના કરવામાં આવશે.
આ પણ વાંચોઃ જુઓ VIDEO: 1200 કિલો વેસ્ટ પતંગની દોરીમાંથી ‘કોમનવેલ્થ ગેમ્સ-2030’નો લોગો તૈયાર થયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આ LoI નું આદાન-પ્રદાન થયું હતું. રાજ્ય સરકાર વતી ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ અને સ્ટારલિંક વતી સ્ટારલિંક ઇન્ડિયાના હેડ પ્રભાકર જયકુમારે આ LoIની પરસ્પર આપ-લે કરી હતી.
આ સંયુક્ત પ્રોજેક્ટનો અમલ આવનારા ભવિષ્યમાં રાજ્યની ડિજિટલ સેવાઓને વધુ વ્યાપક બનાવવામાં માઈલસ્ટોન સાબિત થશે અને ઇ-ગવર્નન્સની પ્રગતિને વધુ ગતિ આપશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
રાજ્યની જી.આઈ.ડી.સી.ના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ, હાઈવે સેફટી સિસ્ટમ્સ, મેરિટાઈમ-પોર્ટ કનેક્ટિવિટી તેમજ કોસ્ટલ પોલિસ ઓપરેશનમાં પણ કનેક્ટિવિટી વધુ મજબૂત કરવાના વિષયો આ LOIમાં આવરી લેવાયા છે.

