Site icon Revoi.in

કમોસમી વરસાદથી ખેતીને ફટકો, કૃષિમંત્રીએ નુકસાનીના સર્વેના આદેશ આપ્યા

Social Share

અમદાવાદ, 21 માર્ચ 2026: રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસેલા કમોસમી વરસાદ અને ફૂંકાયેલા તોફાની પવનને કારણે તૈયાર પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન આપી ખેડૂતોને હૈયાધારણ આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે સરકાર નુકસાનીનો કલ્યાણકારી અંદાજ મેળવી રહી છે અને સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ નિયમ મુજબ સહાયની જાહેરાત કરવામાં આવશે.

કૃષિમંત્રી જીતુ વાઘાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “સમગ્ર વિશ્વમાં થઈ રહેલા ક્લાઈમેટ ચેન્જની સીધી અસર અત્યારે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું પડ્યું છે અને તેની સાથે ભારે પવન પણ ફૂંકાયો છે. આ કુદરતી આફતને કારણે જગતના તાતના તૈયાર પાકને નુકસાન થયું હોવાની વિગતો સરકાર સુધી પહોંચી છે, જે ખરેખર ચિંતાનો વિષય છે.”

ખેડૂતોની આર્થિક સ્થિતિને ધ્યાને રાખીને કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. મંત્રીએ ઉમેર્યું કે, “અમે તમામ અસરગ્રસ્ત જિલ્લાઓનો પ્રાથમિક રિપોર્ટ મંગાવ્યો છે. કયા વિસ્તારમાં કેટલા ટકા નુકસાન થયું છે અને કયા પાકને વધુ અસર થઈ છે, તેનો ચોક્કસ આંકડો મેળવવા માટે અધિકારીઓને ફિલ્ડમાં ઉતારી સર્વે કરવાની કડક સૂચના આપી દેવામાં આવી છે.”

તંત્ર દ્વારા નુકસાનીનો આખરી રિપોર્ટ તૈયાર થયા બાદ રાજ્ય સરકાર ખેડૂતો માટે વિશેષ પેકેજ કે સહાયની જાહેરાત કરી શકે છે. કૃષિમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની પડખે રહી છે અને આ વખતે પણ તેમને નિયમ મુજબ યોગ્ય વળતર આપવા માટે કટિબદ્ધ છે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ આગામી કેબિનેટ બેઠકમાં આ અંગે વિગતવાર ચર્ચા કરીને આખરી નિર્ણય લેવામાં આવશે.” આ જાહેરાતથી માવઠાના મારથી પીડાતા ખેડૂતોમાં વળતરની આશા જાગી છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર દ્વારા સર્વેની કામગીરી કેટલી ઝડપથી પૂર્ણ કરી સહાયની રકમ જાહેર કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ અમદાવાદના વાડજ બ્રિજ નીચે ટેન્કરે બે બાળકોને લીધા અડફેટે, એકનું મોત

Exit mobile version