Site icon Revoi.in

એઆઈને કારણે દેશમાં ડેટા સેન્ટરોની વીજ માંગમાં 800 ટકા વધારાનો અંદાજ

Social Share

નવી દિલ્હી, 14 માર્ચ 2026: ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અને ડિજિટલ સેવાઓના વધતા વ્યાપને કારણે ડેટા સેન્ટરોની વીજળીની માંગમાં તોતિંગ વધારો થવાની શક્યતા છે. ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી જિતિન પ્રસાદે રાજ્યસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે, આગામી સાત વર્ષોમાં એટલે કે 2031-32 સુધીમાં ડેટા સેન્ટરો માટે વીજળીની માંગ વધીને 13.56 ગીગાવૉટ સુધી પહોંચી શકે છે.

ઉચ્ચ સદનમાં માહિતી આપતા મંત્રીએ કહ્યું કે, એઆઈ અને ડિજિટલ સેવાઓના વિકાસ સાથે દેશની ‘ડેટા સેન્ટર ઇકોસિસ્ટમ’ પણ સતત વિસ્તરી રહી છે. વર્ષ 2020માં દેશની ડેટા સેન્ટર ક્ષમતા માત્ર 375 મેગાવૉટ હતી, જે વર્ષ 2025 સુધીમાં વધીને આશરે 1500 મેગાવૉટ થઈ ગઈ છે. અંદાજ મુજબ, આગામી સાત વર્ષોમાં આ વીજ માંગમાં 800 ટકાનો વધારો જોવા મળી શકે છે.

દેશમાં એઆઈ વિકાસને વેગ આપવા માટે સરકાર દ્વારા 14 સર્વિસ પ્રોવાઈડર્સ અને ડેટા સેન્ટર્સ મારફતે 38231 જીપીયુ (ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ) ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ સુવિધા સ્ટાર્ટઅપ્સ, સંશોધન સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને સરેરાશ 65 રૂપિયા પ્રતિ કલાકના સબસિડી દર પર આપવામાં આવી રહી છે, જેથી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો સસ્તો બને.

સરકારી આંકડાઓ મુજબ, હાલમાં દેશના મુખ્ય ડેટા સેન્ટરો મુંબઈ, નવી મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ, નોઈડા અને ગુજરાતના જામનગરમાં આવેલા છે. ડેટા સ્ટોરેજ અને પ્રોસેસિંગની વધતી જરૂરિયાતને જોતા આ શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વીજળીની વ્યવસ્થા મજબૂત કરવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ ભારતીય રેલવેની સ્પીડ વધી: 80 ટ્રેક 110 કિમીની ગતિ માટે અપગ્રેડ, બુલેટ ટ્રેનનું કામ અંતિમ તબક્કામાં

Exit mobile version