હેમંત પરમાર, અરવલ્લી. 23 મે, 2026 – અરવલ્લી જિલ્લા પંચાયતમાં નવી બોડીની રચનાને લઈ આજે યોજાયેલી પ્રથમ બેઠકમાં નવા પદાધિકારીઓની સત્તાવાર વરણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં ભાજપ દ્વારા વિવિધ હોદ્દાઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને બહુમતીના આધારે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.
જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે મયુરકુમાર પટેલની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદે રજનીકાંત પટેલની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત કારોબારી ચેરમેન સહિત અન્ય મહત્વપૂર્ણ હોદ્દાઓ માટે પણ ભાજપના ઉમેદવારો ચૂંટાયા હતા.
આ પણ વાંચોઃ ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’નો ગૌરવશાળી ઇતિહાસ અને અભૂતપૂર્વ સિદ્ધિઓ
ચૂંટણી પ્રક્રિયા ચૂંટણી અધિકારી જાગૃતિબેન ચૌધરીની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી. બેઠક દરમિયાન તમામ સભ્યોની હાજરી વચ્ચે નવી બોડીની રચનાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ભાજપના મેન્ડેટના આધારે પક્ષ દ્વારા અગાઉથી નક્કી કરાયેલા ઉમેદવારોને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી.
અન્ય મહત્વના હોદ્દાઓમાં ભીખુસિંહ પરમારને જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. પક્ષના નેતા તરીકે બળવંતસિંહ ભોઈની પસંદગી કરવામાં આવી હતી, જ્યારે દંડક તરીકે નિતુબહેન સોલંકીને નિમણૂક આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ 30 બેઠકોમાંથી ભાજપે 18 બેઠકો જીતી બહુમતી મેળવી હતી. બીજી તરફ કોંગ્રેસને 12 બેઠકો પ્રાપ્ત થઈ હતી. પરિણામ જાહેર થયા બાદથી જ નવી બોડીની રચનાને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની હતી.
નવી ટીમની વરણી બાદ ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા વિકાસના વિવિધ મુદ્દાઓને પ્રાથમિકતા આપી આગામી સમયમાં ઝડપી અને સુચારૂ કામગીરી કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

