Site icon Revoi.in

તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશઃ 13 વ્યક્તિના મૃત્યુની આશંકા

Social Share

દિલ્હીઃ તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવી છે. આ હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની પણ સવાર હોવાનું જાણવા મળે છે. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી. 3 વ્યક્તિઓને બચાવીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રક્ષા મંત્રીએ સમગ્ર ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાણકારી આપી હતી. રક્ષામંત્રી રાજનાથસિંહ ઘટના સ્થળની મુલાકાત લેશે. બચાવ કામગીરી દરમિયાન 13 વ્યક્તિઓના મૃત્યુ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મૃતકોની ઓળખ મેળવવા માટે ડીએનએની કવાયત શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કુન્નુરમાં આજે સવારે સેનાનું એક વિમાન ક્રેશ થતા દોડધામ મચી ગઈ હતી. આ હેલિકોપ્ટરમાં બિપીન રાવત અને તેમની પત્ની સહિત 14 વ્યક્તિઓ સવાર હતા. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી. આ બનાવની જાણ થતા સ્થાનિક તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને ફાયગબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ બચાવ કામગીરી આરંભી હતી. 3 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરીને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. બે વ્યક્તિ આ દૂર્ઘટનામાં 80 ટકા જેટલી ગંભીર રીતે દાઝી ગઈ હતી. વાયુસેનાએ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસના આદેશ કર્યાં છે. આ હેલિકોપ્ટરમાં સેનાના ઉચ્ચ અધિકારીઓ પણ મુસાફરી કરતા હોવાનું જાણવા મળે છે.

હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લિડર, લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, એનકે ગુરસેવક સિંહ, એનકે જીતેન્દ્ર કુમાર, એલ/એનકે વિવેક કુમાર, એલ/એનકે બી સાઈ તેજા, હવાલદાર સતપાલ સવાર હતા. કહેવામાં આવી રહ્યું છે કે CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની એક કાર્યક્રમમાં ભાગ લઈને દિલ્હી પરત ફરી રહ્યા હતા. ત્યારબાદ વાયુસેનાનું Mi17-V5 હેલિકોપ્ટર નીલગિરિસના જંગલ વિસ્તારમાં ક્રેશ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે કાટમાળમાંથી ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

Exit mobile version