Site icon Revoi.in

અટલ બિહારી વાજપેયીની બાયોપિકની જાહેરાત, પંકજ ત્રિપાઠી કરશે પૂર્વ PMનો રોલ

Social Share

મુંબઈઃ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિકમાં બોલીવુડના ખ્યાતનામ કલાકાર પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમણે જણાવ્યું કે આ રોલ તેમને મળ્યો એ તેમની માટે બહુ મોટી ખુશીની વાત છે.  કારણ કે, જ્યારથી પૂર્વ વડાપ્રધાનની બાયોપિકની જાહેરાત થઈ ત્યારથી જ અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવનાર અભિનેતા કોણ હશે તેની ચર્ચા ચાલી રહી હતી. પંકજે એક નિવેદનમાં કહ્યું, “આવા મહાન રાજકારણીને સ્ક્રીન પર દર્શાવવા એ મારા માટે સન્માનની વાત છે. તેઓ માત્ર એક રાજકારણી જ નહોતા, પરંતુ તેનાથી પણ વધુ તેઓ એક ઉત્તમ લેખક અને જાણીતા કવિ હતા. રૂપેરી પરદે તેમનું સ્થાન લેવું,  એ મારા જેવા અભિનેતા માટે એક અનુભવ, વિશેષાધિકાર સિવાય કંઈ નથી.”

નિર્માતાઓ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, આ ફિલ્મનું નિર્દેશન ત્રણ વખતના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા રવિ જાદવ દ્વારા કરવામાં આવશે, જે મરાઠી ફિલ્મ ઉદ્યોગના જાણીતા નિર્દેશકોમાંના એક છે. ફિલ્મના પ્લોટ વિષે જણાવાયું છે કે, ભારતીય જનતા પાર્ટી (BJP) ના વરિષ્ઠ નેતાઓ અને સહ-સ્થાપકોમાંના એક અટલ બિહારી વાજપેયીની એક પંક્તિ  “મૈં રહૂં યા ના રહૂં યે દેશ રહેના ચાહિયે”-અનુસાર આ ફિલ્મની કથા અટલજીના જીવનની આસપાસ ફરે છે.

નિર્માતા વિનોદ ભાનુશાળીએ જણાવે છે કે, “જ્યારથી અમે ફિલ્મ વિશે ચર્ચા કરવાનું શરૂ કર્યું, અમે સૌએ સર્વાનુમતે પંકજ ત્રિપાઠીને અટલજીની ભૂમિકા નિભાવતાં હોવાની કલ્પના કરી. દિગ્દર્શક રવિ જાદવે કહ્યું, “મારા માટે એક દિગ્દર્શક તરીકે, હું અટલજીની તુલનામાં એમનાથી વધુ સારી બીજી કોઈ વાર્તા માંગી શકું નહીં.  વળી વધુમાં પંકજ ત્રિપાઠી જેવા અનુકરણીય અભિનેતાને સ્ક્રીન પર લાવવ માટે મને નિર્માતાઓનો પણ પૂરો સહકાર મળ્યો છે, ત્યારે, હું આનાથી વધુ શું માંગી શકું? મને આશા છે કે હું અટલજીના જીવન વિષે લોકોની અપેક્ષાઓ પર ખરો ઊતરી શકીશ.”

નિર્માતા સંદીપ સિંહે કહ્યું, “ભારત ટૂંક સમયમાં અટલજીના જીવન અને તેમની રાજકીય વિચારધારાઓની ઉજવણી કરવા જઈ રહ્યું છે. ત્યારે અટલજીના જીવનની આ વાર્તાને જીવંત કરવા માટે અમારી પાસે પંકજ ત્રિપાઠી  અને રવિ જાદવની મજબૂત જોડી છે.અમારું લક્ષ્ય આ ફિલ્મને ક્રિસમસ 2023 પર રિલીઝ કરવાનું છે, જે ભારતરત્નશ્રી અટલ બિહારી વાજપેયીજીની 99મી જન્મજયંતિ પણ છે.

ભાનુશાલી સ્ટુડિયો લિમિટેડ અને લિજેન્ડ સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત, ‘અટલ’નું નિર્માણ વિનોદ ભાનુશાલી, સંદીપ સિંહ, સૈમ ખાન અને કમલેશ ભાનુશાલી દ્વારા 70MM ટોકીઝના સહયોગથી કરવામાં આવ્યું છે અને ઝીશાન અહેમદ અને શિવ શર્મા દ્વારા સહ-નિર્માણ કરવામાં આવ્યું છે.

 

(ફોટો: ફાઈલ)