Site icon Revoi.in

બાંગ્લાદેશમાં દરગાહ પર કટ્ટરપંથીઓના હુમલા: આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠને વ્યક્ત કરીચિંતા

Social Share

ઢાકા, 19 મે 2026: બાંગ્લાદેશમાં શ્રદ્ધાળુઓ પર થયેલા હુમલા અને એક પવિત્ર દરગાહમાં કરાયેલી તોડફોડની આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠને આકરા શબ્દોમાં નિંદા કરી છે. સંગઠને આશંકા વ્યક્ત કરી છે કે, જો આવી હિંસક ઘટનાઓને રોકવામાં નહીં આવે અને દોષિતોને કડક સજા કરવામાં નહીં આવે, તો ઉગ્રવાદી જૂથોની હિંમત વધુ વધશે. ફ્રાન્સ સ્થિત માનવાધિકાર સંગઠન ‘જસ્ટિસ મેકર્સ બાંગ્લાદેશ’ એ જણાવ્યું છે કે, ઢાકા સ્થિત હઝરત શાહ અલી બગદાદીની દરગાહ પર શ્રદ્ધાળુઓ પર થયેલો હુમલો અને 14 મેની રાત્રે એક શાંતિપૂર્ણ સાપ્તાહિક ધાર્મિક સભા પર કરાયેલો હિંસક હુમલો એ ધાર્મિક સ્વતંત્રતા, સાંસ્કૃતિક વિરાસત અને દેશની સદીઓ જૂની સૂફી પરંપરાઓ પર ગંભીર પ્રહાર છે.

માનવાધિકાર સંગઠનના અહેવાલ મુજબ, બાંગ્લાદેશની કટ્ટરપંથી ઇસ્લામી પાર્ટી ‘જમાત-એ-ઇસ્લામી’ અને તેની વિદ્યાર્થી પાંખ ‘શિબિર’ સાથે જોડાયેલા સશસ્ત્ર હુમલાખોરો લાકડીઓ અને ડંડા સાથે દરગાહ પરિસરમાં ઘૂસી ગયા હતા. તેમણે નિર્દોષ શ્રદ્ધાળુઓ પર સુનિયોજિત રીતે હુમલો કર્યો હતો, જેના કારણે ત્યાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સંગઠને એ બાબત પર પણ આશ્ચર્ય અને ચિંતા વ્યક્ત કરી છે કે દરગાહની બહાર પોલીસ કાફલો તૈનાત હોવા છતાં તેઓ નાગરિકોની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

જેએમબીએફ દ્વારા એક પ્રત્યક્ષદર્શી અને ઘાયલ વ્યક્તિના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, “કેટલાક અસામાજિક તત્વો ડંડા સાથે આવ્યા અને તેમણે દરગાહમાં ભારે અરાજકતા ફેલાવી દીધી. જીવ બચાવવા માટે લોકો આમ-તેમ દોડવા લાગ્યા હતા. હું જ્યારે મુખ્ય દરવાજાથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે જ તેમણે મારા માથા પર જોરદાર પ્રહાર કર્યો હતો.” સંગઠને દરગાહના અનુયાયીઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ હુમલો કોઈ અચાનક બનેલી ઘટના નથી, પરંતુ 5 ઓગસ્ટ 2024થી બાંગ્લાદેશમાં દરગાહો અને સૂફી સ્થળો પર થઈ રહેલા હુમલા અને તોડફોડની એક લાંબી શૃંખલાનો જ એક ભાગ છે.

જેએમબીએફના સ્થાપક પ્રમુખ શાહનૂર ઇસ્લામે જણાવ્યું હતું કે, આ ઘટના એકલદોકલ નથી, પરંતુ ધાર્મિક લઘુમતીઓ અને સૂફી સ્થળોને નિશાન બનાવતી એક વ્યવસ્થિત અને ચિંતાજનક હિંસાનો હિસ્સો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ સમયગાળા દરમિયાન દેશભરમાં 100થી વધુ દરગાહો પર હુમલાના અહેવાલો સામે આવ્યા છે. સંગઠને આક્રોશ વ્યક્ત કર્યો છે કે, આટલી બધી ઘટનાઓ છતાં હજુ સુધી એક પણ દોષિત સામે ગુનો સાબિત થઈ શક્યો નથી, જેના કારણે ગુનેગારો બેફામ બન્યા છે.

જસ્ટિસ મેકર્સ બાંગ્લાદેશે ત્યાંની વચગાળાની સરકારને અપીલ કરી છે કે, શાહ અલી બગદાદી દરગાહ પર થયેલા ભીષણ હુમલાની તાત્કાલિક, નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવામાં આવે અને તમામ દોષિતોની ઓળખ કરી તેમની ધરપકડ કરીને કડક સજા આપવામાં આવે. આ સાથે જ સંગઠને દેશભરની તમામ દરગાહો, ધાર્મિક સંસ્થાઓ અને શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ દેશમાં વધી રહેલા ધાર્મિક ઉગ્રવાદ અને રાજકીય હિંસા સામે કડક કાનૂની પગલાં ભરવા માટે જોરદાર માંગ કરી છે.

Exit mobile version