Site icon Revoi.in

કેજરીવાલની ધરપકડ પર વિદેશી હસ્તક્ષેપની કોશિશો!: જર્મની પછી અમેરિકાએ કહ્યુ, તટસ્થ-પારદર્શક હોય ન્યાય

Social Share

નવી દિલ્હી: શરાબ ગોટાળામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર જર્મની બાદ હવે અમેરિકાએ પણ આકરો વાંધો વ્યક્ત કર્યો છે. અમેરિકાએ કહ્યું છે કે તે ભારતના મુખ્ય વિપક્ષી નેતા અરવિંદ કેજરીવાલની ધરપકડ પર નજર રાખી રહ્યું છે.

અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યુ છે કે અમે ભારતના મુખ્ય વિપક્ષી નેતા કેજરીવાલની ધરપકડના રિપોર્ટ્સ પર નજર રાખી રહ્યા છીએ અને દેશમાં નિષ્પક્ષ કાયદાકીય પ્રક્રિયાની આશા કરીએ છીએ.

અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યુ છે કે અમે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિષ્પક્ષ, પારદર્શક અને સમયબદ્ધ કાયદાકીય પ્રક્રિયાની આશા કરીએ છીએ. કેજરીવાલની ધરપકડ પર જર્મનીનું નિવેદન આવ્યા બાદ ભારતે જર્મનીના રાજદૂતને તલબ કરીને આકરો વાંધો વ્યક્ત કર્યો હતો. આ ઘટનાક્રમ બાદ જ અમેરિકાની આ મામલામાં પ્રતિક્રિયા આવી છે.

કેજરીવાલની ધરપકડ પર જર્મનીના વિરોધ પર ભારતના વાંધા બાબતે પુછવામાં આવતા અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યુ કે તેના માટે તમારે જર્મનીના વિદેશ મંત્રાલયની સાથે વાત કરવી પડશે કે તેમની ભારત સરકાર સાથે શું વાતચીત થઈ રહી છે.

દારૂ ગોટાળાના મામલામાં કેજરીવાલની ધરપકડ પર જર્મનીએ કહ્યુ હતુ કે આ મામલામાં પુરી કાર્યવાહી નિષ્પક્ષ હોવી જોઈએ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોઈપણ પ્રતિબંધ વગર કાયદાકીય માર્ગ અપનાવવાનો અધિકાર મળવો જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કાયાનું શાસન અને મૂળભૂત સિદ્ધાંતો પર ભાર મૂક્યો હતો.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા સેબેસ્ટિયન ફિશરને જ્યારે કેજરીવાલના મામલામાં સવાલ કરવામાં આવ્યો, તો તેમણે કહ્યુ હતુ કે અમે આને ધ્યાને લીદું છે. ભારત એક લોકશાહી દેશ છે. અમે માનીએ છીએ અને આશા કરીએ છીએ કે અદાલતની સ્વતંત્રતા અને મૂળભૂત લોકશાહી સિદ્ધાંતોથી સંબંધિત માપદંડ આ મામલામાં પણ લાગુ કરવામાં આવશે.

કેજરીવાલની ધરપકડને લઈને કરવામાં આવેલી જર્મનીની ટીપ્પણી પર ભારતે આકરો વાંધો વ્યક્ત કર્યો હતો. ભારતે જર્મનીના રાજદૂતને તલબ કર્યા અને આકરી નારાજગી પણ વ્યક્ત કરી હતી. જર્મન મિશનના ડેપ્યુટી ચીફ જોર્જ એનજવીલરને બોલાવાની આકરો વિરોધ વ્યક્ત કરતા ભારતે કહ્યું હતું કે જર્મનીની ટીપ્પણી ભારતના આંતરીક મામલામાં અયોગ્ય હસ્તક્ષેપ છે.