Site icon Revoi.in

IPL 2026માં બાંગ્લાદેશી ખેલાડી સામે પ્રતિબંધ લગાવવાનો BCCIનો ઈન્કાર!

Social Share

નવી દિલ્હી 2 જાન્યુઆરી 2026: ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચારના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી ભારતીયોમાં રોષ ફેલાયો છે. દરમિયાન આગામી આઈપીએલમાં બાંગ્લાદેશના ખેલાડી મુસ્તાફિજુર રહેમાન કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) તરફથી રમે તેવી શકયતા છે. જેને લઈને નારાજ દેશવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો છે એટલું જ નહીં આઈપીએલમાં પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશી ખેલાડીઓને પણ નહીં રમાડવાની માંગણી કરી રહ્યાં છે. જો કે, બીસીસીઆઈએ હાલની સ્થિતિએ આ બાંગ્લાદેશી ખેલાડી સામે પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કર્યો કર્યો છે અને વેટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યું છે. તેમજ સરકારના નિર્દેશની રાહ જોઈ રહ્યું છે.

બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તાફિજુર રહેમાન આઈપીએલ 2026ની મિની ઓક્શનમાં સોલ્ડ થનારો એક માત્ર બાંગ્લાદેશી ખેલાડી છે. તેને કેકેઆરએ રૂ. 9.20 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. હરાજી બાદ બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની ટીમ કેકેઆરને સોશિયલ મીડિયા ઉપર અનેક ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ક્રિકેટ પ્રેમીઓ, કેટલાક રાજકીય આગેવાનો અને મોટાભાગના દેશવાસીઓ બાંગ્લાદેશી ખેલાડીઓને આઈપીએલમાં રમાડવા મુદ્દે સવાલ ઉઠાવી રહ્યાં છે.

બીસીસીઆઈનું સ્પષ્ટ કહેવું છે કે, તેઓ સરકારના આદેશ વિના બાંગ્લાદેશના ખેલાડીને આઈપીએલમાં રમતા અટકાવી શકે નહીં. ગત વર્ષે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ પણ ભારત સરકારના નિર્દેશ ઉપર સ્થગિત કર્યો હતો. ઓગસ્ટ 2024માં શેખ હસીનાની સરકાર પડ્યા બાદ બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વધી છે, તેમજ હિંસક ઘટનાઓ પણ સામે આવી છે. એટલું જ નહીં તાજેતરમાં જ કટ્ટરપંથીઓ હિન્દુઓને નિશાન બનાવી રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયમાં ચારેક હિન્દુઓની જાહેરમાં હત્યા કરી છે, એટલું જ નહીં હિન્દુઓના ઘરને નિશાન બનાવીને આગ ચાંપવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે. જેથી ભારતીયોમાં રોષ ફેલાયો છે.

વધુ વાંચો: નવુ વર્ષ દ્રઢ સંકલ્પ-ઈચ્છાશક્તિઓ સાથે આપના સંકલ્પ સિદ્ધ થાયઃ મોદી

Exit mobile version