Site icon Revoi.in

નવા સંસદ ભવનના ઉદઘાટન પૂર્વે સત્તા હસ્તાંતરણનું પ્રતિક સેંગોલ દિલ્હી લવાયું

Social Share

નવી દિલ્હીઃ ઓગસ્ટ 1947માં સત્તાના હસ્તાંતરણનું પ્રતિક તરીકે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને આપવામાં આવેલ ઔપચારિક રાજદંડ (સેંગોલ) અલ્હાબાદ મ્યુઝિયમની નેહરુ ગેલેરીમાં રાખવામાં આવ્યો છે અને નવી સંસદ ભવનમાં સ્થાપિત કરવા માટે સેંગોલને દિલ્હી લાવવામાં આવ્યો છે.

ચાંદીના બનેલા અને સોનાથી મઢેલા આ ઐતિહાસિક રાજદંડને 28 મેના રોજ લોકસભા અધ્યક્ષની ખુરશીની નજીક સ્થાપિત કરવામાં આવશે. તે જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે રાજદંડ અંગ્રેજો પાસેથી ભારતમાં સત્તાના હસ્તાંતરણનું પ્રતીક છે, જેમ કે મૂળ તમિલનાડુમાં ચોલા વંશ દરમિયાન એક રાજા પાસેથી બીજા રાજાને સત્તા સ્થાનાંતરિત કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સેંગોલને નવા સંસદ ભવનના સ્થાપિત કરવા માટે તેને દિલ્હી લાવવામાં આવ્યો છે. વર્ષોથી સેંગોલને અલ્હાબાદના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, તા. 28મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ મનાતા નવા સંસદભવનનું ઉદઘાટન કરશે. આ અંગે વિવિધ રાજકીય પક્ષોને આણંત્રણ આપી દેવામાં આવ્યું છે. જો કે, પીએમ હસ્તે નવા સંસદભવનના ઉદઘાટનને લઈને કોંગ્રેસ સહિત 21 જેટલા રાજકીય પક્ષો વિરોધ કરી રહ્યાં છે, તેમજ નવા સંસદભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિજીના હસ્તે કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. બીજી તરફ પીએમ મોદીના હસ્તે ઉદઘાટનને લઈને ભાજપને લગભગ 15 જેટલા રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે.