Site icon Revoi.in

આકસ્મિક સંજોગોમાં ગંભીર બિમારીઓ સમયે સહાયરૂપ થવા શ્રેષ્ઠ મોડલ કાર્યરતઃ ઋષિકેશ પટેલ

Social Share

અમદાવાદઃ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ગરીબ અને મધ્યમ પરિવારોને આકસ્મિક સંજોગોમાં ગંભીર બિમારીઓ સમયે સહાયરૂપ થવા ગુજરાતે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર માટેનું શ્રેષ્ઠ મોડલ કાર્યરત કર્યું છે.

આજે વિધાનસભા ખાતે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય-માં યોજનાના પ્રશ્નના પ્રત્યુતરમાં જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં આ બંને જિલ્લામાં આ યોજના હેઠળ 66,460 દર્દીઓને રૂ.146 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં 91 અને અરવલ્લી જિલ્લામાં 59 હોસ્પિટલો આ યોજના હેઠળ સારવાર માટે જોડવામાં આવી છે. ગરીબ-મધ્યમ પરિવારોને આરોગ્ય ક્ષેત્રે સહાયરૂપ થવા ગુજરાતે દેશને રાહ ચીંધ્યો છે.

રાજ્યમાં માં અમૃતમ યોજના શરૂ કરી હતી જે સફળ થતાં સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PMJAY યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ રૂપિયા 10 લાખ સુધીની સહાય ગંભીર રોગોની સારવાર પૂરી પાડવામાં આવે છે.

રાજ્યના પ્રત્યેક જિલ્લામાં નાગરિકોને PMJAY યોજનાના લાભો સત્વરે મળતા થાય તે માટે ખાનગી હોસ્પિટલોમાં કાર્ડના જે દર નિયત કરાયા છે, તે મુજબ સારવાર આપવા માંગતા હોય તો તેની સંપૂર્ણ ચકાસણી કર્યા પછી ખાનગી હોસ્પિટલોને આ યોજના હેઠળ લાભ આપવા માટે લાયક ગણીને જોડવામાં આવે છે. રાજ્યમાં સરકારી તબીબી કોલેજો,ગ્રીનફિલ્ડ કોલેજો, બ્રાઉન ફિલ્ડ કોલેજોમાં પણ PMJAY યોજનાના લાભો આપવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

Exit mobile version