હેમંત પરમાર, અરવલ્લી. 26 મે 2026 – અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવ્યા બાદ હવે તાલુકા પંચાયતોમાં પણ સત્તા પર મજબૂત પકડ બનાવી છે. ગઈકાલે સોમવારે જિલ્લામાં બાયડ, સાઠંબા અને ધનસુરા તાલુકા પંચાયતમાં ભાજપે ભગવો લહેરાવી દીધો હતો. ત્રણેય તાલુકામાં પક્ષ સમર્થિત ઉમેદવારોની જીત સાથે નવા હોદ્દેદારોની વરણી થતાં કાર્યકરોમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.
જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ રાજકીય સમીકરણો ભાજપના પક્ષમાં સ્પષ્ટ બનતા હવે તાલુકા પંચાયતોમાં પણ તેની અસર દેખાઈ રહી છે. બાયડ, સાઠંબા અને ધનસુરા તાલુકા પંચાયતની સત્તા પર ભાજપનો કબજો થતાં જિલ્લા રાજકારણમાં પક્ષ વધુ મજબૂત બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્રણેય તાલુકામાં નવા હોદ્દેદારોની જાહેરાત બાદ કાર્યકરો અને આગેવાનો દ્વારા શુભેચ્છાઓનો વરસાદ શરૂ થયો હતો.
બાયડ, સાઠંબા અને ધનસુરા તાલુકા પંચાયત
બાયડ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે કૈલાસબેન પરમારની વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે વિમલકુમાર ખાંટને જવાબદારી સોંપાઈ છે. કારોબારી ચેરમેન તરીકે પાર્થ ચૌધરી, પક્ષના નેતા તરીકે જગતસિંહ ચૌહાણ અને દંડક તરીકે મંજુલાબેન પટેલની પસંદગી કરવામાં આવી છે. બાયડમાં ભાજપના તમામ હોદ્દેદારોની વરણી બાદ સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
આ પણ વાંચોઃ મોડાસા-મેઘરજ તાલુકા પંચાયતમાં રસાકસીભરી ચૂંટણી, રાજકીય સમીકરણો પલટાયાં
સાઠંબા તાલુકા પંચાયતમાં પણ ભાજપે મજબૂત હાજરી નોંધાવી છે. અહીં પ્રમુખ તરીકે મનહરસિંહ સોલંકીની પસંદગી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે પીનલબેન પટેલ, કારોબારી ચેરમેન તરીકે નટવરસિંહ સોલંકી, પક્ષના નેતા તરીકે રેણુકાબેન ચૌહાણ અને દંડક તરીકે વિષ્ણુસિંહ પરમારની વરણી કરવામાં આવી છે. નવી ટીમને તાલુકાના વિકાસ માટે મહત્વપૂર્ણ જવાબદારી મળી છે.
ધનસુરા તાલુકા પંચાયતમાં પણ ભાજપનો વિજય નોંધાયો છે. પ્રમુખ તરીકે લક્ષ્મીબેન પરમાર, ઉપપ્રમુખ તરીકે અજમેલજી ચૌહાણ, કારોબારી ચેરમેન તરીકે કિંજલબેન પટેલ, પક્ષના નેતા તરીકે લાલસિંહ પરમાર અને દંડક તરીકે સંજયસિંહ વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે. નવા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવતા કાર્યકરોએ પક્ષની જીતને વિકાસની દિશામાં મહત્વપૂર્ણ ગણાવી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સભ્યો માટે 21 ફોર્મ ભરાયા
અરવલ્લી જિલ્લામાં સતત એક પછી એક તાલુકા પંચાયતોમાં ભાજપનો કબજો મજબૂત બનતા સ્થાનિક રાજકારણમાં પક્ષની સ્થિતિ વધુ સશક્ત બની છે. બાયડ, સાઠંબા અને ધનસુરામાં મળેલી આ સફળતા ભાજપ માટે મહત્વપૂર્ણ રાજકીય સિદ્ધિ માનવામાં આવી રહી છે, જ્યારે કાર્યકરોમાં પણ નવી ઊર્જા અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

