1. Home
  2. revoinews
  3. મોડાસા તાલુકામાં ગણિત ગૂંચવાયું, સત્તાની ચાવી હવે કઈ તરફ વળશે?
મોડાસા તાલુકામાં ગણિત ગૂંચવાયું, સત્તાની ચાવી હવે કઈ તરફ વળશે?

મોડાસા તાલુકામાં ગણિત ગૂંચવાયું, સત્તાની ચાવી હવે કઈ તરફ વળશે?

0
Social Share
  • ભાજપે જીત્યું અરવલ્લી પણ મોડાસા તાલુકામાં ગણિત ગૂંચવાયું

હેમંત પરમાર, અરવલ્લી જીલ્લો
અરવલ્લી જિલ્લાના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ રાજકીય દ્રશ્યને જીવંત બનાવી દીધું છે. જિલ્લા પંચાયત સ્તરે ભાજપે ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબિત કરતાં 30 માંથી 18 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે કોંગ્રેસ 12 બેઠકો સાથે પાછળ રહી છે. જિલ્લાની કમાન ભાજપના હાથમાં મજબૂતીથી રહેતી નજરે પડે છે, છતાં તાલુકા સ્તરે થયેલા પરિણામોએ ચૂંટણીને સાચો રોમાંચ આપ્યો છે.

આ સમગ્ર ચિત્રમાં સૌથી વધુ ધ્યાન ખેંચે છે મોડાસા તાલુકો. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એવો મુકાબલો થયો કે અંતે બંને પક્ષો 20 માંથી 10-10 બેઠકો સાથે સમાનતા પર આવીને ઉભા રહ્યા. આ ટાઈએ રાજકારણમાં નવી ઉત્સુકતા જગાવી છે. હવે સત્તા માટે કઈ તરફ વળશે, કઈ ચાલ ગેમ-ચેન્જર સાબિત થશે, તે પ્રશ્નો સૌના મનમાં ઉઠી રહ્યો છે.

ધનસુરા તાલુકામાં ભાજપે પ્રચંડ જીત નોંધાવી છે. 18 માંથી 16 બેઠકો પોતાના ખાતામાં નાખીને ભાજપે અહીં એકતરફી દબદબો ઉભો કર્યો છે, જ્યારે કોંગ્રેસ માત્ર 2 બેઠકો સુધી સીમિત રહી છે.

બાયડ તાલુકામાં પણ ભાજપે આગળ રહી 11 બેઠકો જીતી છે, કોંગ્રેસે 6 બેઠકો મેળવી છે અને 1 બેઠક અપક્ષ ઉમેદવારને મળી છે.

સાઠંબા તાલુકામાં ભાજપે 8 બેઠકો મેળવી કોંગ્રેસની 6 બેઠકો સામે લીડ મેળવી છે, સાથે 1 અપક્ષ ઉમેદવાર વિજેતા રહ્યો છે.

માલપુર તાલુકામાં નજીકની ટક્કર વચ્ચે ભાજપે 8 બેઠકો સાથે કોંગ્રેસની 7 બેઠકો સામે નાની પરંતુ મહત્વની લીડ જાળવી રાખી છે.

બીજી તરફ ભિલોડા તાલુકા કોંગ્રેસ માટે ગૌરવપૂર્ણ પરિણામ લઈને આવ્યો છે. અહીં કોંગ્રેસે 20 માંથી 13 બેઠકો જીતી ભાજપને 7 બેઠકો સુધી મર્યાદિત રાખી છે.

શામળાજી તાલુકામાં પણ કોંગ્રેસે આગળ રહી 8 બેઠકો જીતી છે, ભાજપને 5 બેઠકો મળી છે અને 1 બેઠક અપક્ષના ખાતામાં ગઈ છે.

મેઘરજ તાલુકામાં ફરી એકવાર કાંટેદાર મુકાબલો જોવા મળ્યો, જેમાં કોંગ્રેસે 11 બેઠકો જીતી ભાજપને 10 બેઠકો પર અટકાવી છે, જ્યારે 1 બેઠક અપક્ષ ઉમેદવારના નામે ગઈ છે.

આ પણ વાંચોઃ  મોડાસા નગરપાલિકામાં ૨૪ બેઠકો સાથે ભાજપનો વિજય અને સત્તામાં પુનરાગમન

આ રીતે, અરવલ્લી જિલ્લામાં જિલ્લા સ્તરે ભાજપનો દબદબો યથાવત્ રહેતા છતાં તાલુકા સ્તરે કોંગ્રેસે પણ મજબૂત ઉપસ્થિતિ દર્શાવી છે. ખાસ કરીને મોડાસા તાલુકાની સમાન સ્થિતિએ સમગ્ર ચૂંટણીને રોમાંચક બનાવવાની સાથે સત્તાની દિશા વિશે ઉત્સુકતા વધારી દીધી છે. હવે આવનારા દિવસોમાં કોણ બુદ્ધિશાળી પગલાં ભરી સત્તાની ચાવી પોતાના હાથમાં લે છે, તે જોવું ખરેખર રસપ્રદ બનશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code