મોડાસા નગરપાલિકામાં ૨૪ બેઠકો સાથે ભાજપનો વિજય અને સત્તામાં પુનરાગમન
હેમંત પરમાર, અરવલ્લી જીલ્લો.
મોડાસા નગરપાલિકામાં ફરીથી ભગવો લહેરાયો છે અને ૨૪ બેઠકો સાથે પક્ષનો ભવ્ય વિજય થવા સાથે અને સત્તામાં શાનદાર પુનરાગમન કર્યું છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા નગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોએ શહેરના રાજકીય દ્રશ્યને ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે. લોકશાહીના આ મહાપર્વમાં મોડાસાની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર ફરી વિશ્વાસ વ્યક્ત કરતાં ૨૪ બેઠકો સાથે ભવ્ય બહુમતી અપાવી છે. આ સાથે ભાજપે સતત પોતાની સત્તા જાળવી રાખતાં નગરપાલિકા પર મજબૂત પકડ સાબિત કરી છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, મોડાસા નગરપાલિકાની કુલ ૩૬ બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી મેળવતા સૌથી વધુ ૨૪ બેઠકો પર શાનદાર જીત નોંધાવી છે. બીજી તરફ, મુખ્ય વિપક્ષ કોંગ્રેસને જનતાએ જાકારો આપ્યો હોય તેમ માત્ર ૬ બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે.
અન્ય પક્ષો પણ જીત્યા
આ ચૂંટણીમાં એઆઈએમઆઈએમ પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા, જેમના ફાળે ૩ બેઠકો આવી છે. જ્યારે અન્ય ૩ બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ બાજી મારી છે. આમ, ૨૪ બેઠકોના વિશાળ જનાદેશ સાથે ભારતીય જનતા પાર્ટીએ વિરોધીઓને પછાડીને મોડાસા નગરપાલિકા પર પોતાનો દબદબો કાયમ રાખ્યો છે.
પરિણામ જાહેર થતાં જ શહેરમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો. ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. ચાર રસ્તાથી શરૂ થયેલું ભવ્ય વિજય સરઘસ કલ્યાણ ચોક સુધી પહોંચ્યું હતું. કેસરિયા માહોલ વચ્ચે ડીજેના તાલે કાર્યકર્તાઓ ઝૂમી ઉઠ્યા હતા, જ્યારે ઠેર-ઠેર ફટાકડાઓ ફોડીને આ ઐતિહાસિક જીતની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શહેરમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
આભાર અને આશ્વાસન
વિજેતા ઉમેદવાર રમણભાઈ પ્રજાપતિએ આ જીતને કાર્યકર્તાઓની અવિરત મહેનત અને મતદાતાઓના વિશ્વાસનું પરિણામ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, “આ વિજય માત્ર ઉમેદવારોનો નથી, પરંતુ આ વિજય ભારતીય જનતા પાર્ટીના રાત-દિવસ મહેનત કરતા અદના કાર્યકર્તાઓનો છે. આ સાથે જ, આ વિજય એવા તમામ જાગૃત મતદાતાઓનો છે જેમણે ભારતીય જનતા પાર્ટીની નીતિઓ અને તેના વિકાસના કાર્યોમાં પોતાનો અડગ વિશ્વાસ મૂક્યો છે.”
ભાજપના તમામ વિજેતા ઉમેદવારોએ મોડાસાની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને આશ્વાસન આપ્યું હતું કે આગામી સમયમાં શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવામાં આવશે. સ્વચ્છતા, આધુનિક સુવિધાઓ અને સુવ્યવસ્થિત નગર વિકાસ માટે તેઓ પ્રતિબદ્ધ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ સ્પષ્ટ જનાદેશ સાથે મોડાસામાં ભાજપની છાવણીમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે, જ્યારે વિરોધ પક્ષો માટે આ પરિણામ આત્મમંથન કરવાનો સંદેશ આપી રહ્યા છે. હવે નવી ટીમ સામે શહેરના સર્વાંગી વિકાસની મોટી જવાબદારી રહેશે.
આ પણ વાંચોઃ ગોધરાના સંપૂર્ણ મુસ્લિમ મતદારોના વોર્ડમાં હિન્દુ મહિલા ઉમેદવાર વિજેતા


