1. Home
  2. ગુજરાતી
  3. PM મોદીએ સિક્કિમને પૂર્વ ભારતનું સ્વર્ગ ગણાવ્યું, રૂ. 4000 કરોડથી વધુની પરિયોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ
PM મોદીએ સિક્કિમને પૂર્વ ભારતનું સ્વર્ગ ગણાવ્યું, રૂ. 4000 કરોડથી વધુની પરિયોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ

PM મોદીએ સિક્કિમને પૂર્વ ભારતનું સ્વર્ગ ગણાવ્યું, રૂ. 4000 કરોડથી વધુની પરિયોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ

0
Social Share

નવી દિલ્હી, 28 એપ્રિલ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, મંગળવારે ગંગટોકમાં સિક્કિમના 50મા સ્થાપના વર્ષના સમાપન સમારોહમાં પ્રવાસનને વિકાસ સાથે જોડ્યું. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર આ માટે કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાથમિકતા આપી રહી છે. તેમણે ઉત્તર-પૂર્વને ‘અષ્ટ લક્ષ્મી’ ગણાવતા ‘એક્ટ ઈસ્ટ, એક્ટ ફાસ્ટ’ નીતિનો ઉલ્લેખ કર્યો. સાથે જ દેશવાસીઓને સિક્કિમ આવવાની અપીલ કરી. કાર્યક્રમમાં તેમણે 4000 કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો.

પ્રધાનમંત્રી મોદીએ, સિક્કિમના બે દિવસીય પ્રવાસના અંતિમ દિવસે આજે ગંગટોકના પાલજોર સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર ઉત્તર-પૂર્વના વિકાસ માટે કનેક્ટિવિટી અને માળખાગત સુવિધાઓ પર ઝડપથી કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, અગાઉની સરકારો દરમિયાન સિક્કિમ અને ઉત્તર-પૂર્વના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું ન હતું. આરોગ્ય સેવાઓના અભાવે પ્રવાસીઓ સિક્કિમ આવવાનું ટાળતા હતા.

હવે રાજ્યમાં 4 જિલ્લા હોસ્પિટલ અને 22 આયુષ્માન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. તેમણે સિક્કિમના સાંસ્કૃતિક આયોજનોની પ્રશંસા કરતા કહ્યું કે, રાજકીય સ્વાર્થના કારણે આજે જ્યાં દેશમાં ભેદભાવ પેદા કરવાની કોશિશ થઈ રહી છે, એવામાં સિક્કિમે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.

મોદીએ સિક્કિમને ‘પૂર્વનું સ્વર્ગ’ અને ‘ઉત્તર-પૂર્વનું ગાર્ડન’ ગણાવ્યું. તેમણે કહ્યું કે, રાજ્યમાં દેશની 25 ટકાથી વધુ વનસ્પતિ વિવિધતા જોવા મળે છે. અહીં 500 થી વધુ પક્ષીઓ અને 700 પ્રકારના પતંગિયાઓની પ્રજાતિઓ છે. કંચનજંગાની ટેકરીઓ રાજ્યની ઓળખને વધુ સમૃદ્ધ બનાવે છે. તેમણે પ્રવાસીઓને સિક્કિમ આવવા અને અહીંના સ્થાનિક ઉત્પાદનો ખરીદવાની અપીલ કરી.

  • પ્રવાસીઓને સ્થાનિક ઉત્પાદનો ખરીદવા પીએમની અપીલ

તેમણે સૂચન આપ્યું કે, પ્રવાસીઓએ તેમની યાત્રાના બજેટના ઓછામાં ઓછા 5 ટકા સ્થાનિક વસ્તુઓની ખરીદી પર ખર્ચ કરવા જોઈએ. તેમણે કહ્યું કે, પ્રવાસીઓ જ્યાં જાય, ત્યાંનું જ ભોજન લે અને સ્થાનિક ઉત્પાદનો ખરીદે. તેનાથી સ્થાનિક અર્થતંત્રને મજબૂતી મળશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, કેવી રીતે કેન્દ્ર સરકાર રાજ્ય સાથે મળીને રમતગમત અને વેલનેસ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા પર પણ કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં સ્પોર્ટ્સ એકેડમીને પુનર્જીવિત કરવામાં આવી છે અને ખેલો ઈન્ડિયા તથા ફિટ ઈન્ડિયા જેવા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. સિક્કિમ પ્રીમિયર લીગ જેવા આયોજનોને પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. સાથે જ 1,000 હોમસ્ટે વિકસાવવામાં આવી રહ્યા છે.

નોંધનીય છે કે, પ્રધાનમંત્રી મોદીએ ગંગટોકમાં 4,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. આ પરિયોજનાઓ માળખાગત સુવિધાઓ, સંપર્ક, આરોગ્ય સેવા, શિક્ષણ, વીજળી, શહેરી વિકાસ, પર્યાવરણ, પ્રવાસન અને કૃષિ જેવા ક્ષેત્રો સાથે જોડાયેલી છે. આનો ઉદ્દેશ્ય સિક્કિમમાં સમગ્રલક્ષી અને સર્વસમાવેશક વિકાસને ગતિ આપવાનો છે.

આરોગ્ય ક્ષેત્રે નામચીના યાંગાંગમાં 100 બેડની આયુર્વેદ હોસ્પિટલ અને એનઆઈટી દેવરાલીમાં 30 બેડની સોવા રિગ્પા હોસ્પિટલનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે સિક્કિમ યુનિવર્સિટી કેમ્પસ, મેડિકલ કોલેજ, વ્યવસાયિક કોલેજ અને મોડેલ શાળાઓ સહિત અનેક સંસ્થાઓનું ઉદ્ઘાટન થયું તથા 160 શાળાઓમાં આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર શરૂ કરવામાં આવ્યું.

કનેક્ટિવિટી હેઠળ તીસ્તા નદી પર બે પુલોનો શિલાન્યાસ કરવામાં આવ્યો અને રસ્તાઓના અપગ્રેડેશનનું કામ શરૂ થયું. વીજળી, શહેરી વિકાસ અને આવાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન થયું. પર્યાવરણ સંરક્ષણ માટે સીવરેજ અને પ્રદૂષણ નિયંત્રણ પરિયોજનાઓ શરૂ કરવામાં આવી. પ્રવાસન, તીર્થધામ અને કૃષિ ક્ષેત્રમાં પણ નવી પરિયોજનાઓનો શુભારંભ કરવામાં આવ્યો.

આ પણ વાંચોઃ મોડાસા નગરપાલિકામાં ૨૪ બેઠકો સાથે ભાજપનો વિજય અને સત્તામાં પુનરાગમન

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code