Site icon Revoi.in

કચ્છના કાળા અડદિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા, જાણો ફાયદા

ADIYAPAK

ADIYAPAK

Social Share

શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતા જ ખાણી-પીણીના શોખીનો માટે કચ્છી વસાણાંની મોસમ ખીલી છે. કચ્છ તેની વિવિધતાસભર વાનગીઓ માટે જાણીતું છે, પરંતુ હાલમાં શિયાળાની સીઝનમાં કચ્છના કાળા અડદિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સ્વાસ્થ્યવર્ધક અને શક્તિવર્ધક એવા આ અડદિયા માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારે ડિમાન્ડ ધરાવે છે.

કચ્છના આ અડદિયા માત્ર મીઠાઈ નથી, પણ આયુર્વેદિક જડીબુટ્ટીઓનું મિશ્રણ છે. આ ખાસ વાનગીમાં અનેક પ્રકારના વસાણાંઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે કાળી મુસળી, ધોળી મુસળી, સાલમ પંજા, વાવડીંગ, કૌચા બીજ, તજ, જાવંત્રી, કાજુ, બદામ, પિસ્તા અને કિસમિસનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે.

બનાવવાની પદ્ધતિ: સૌ પ્રથમ શુદ્ધ ઘીમાં અડદનો લોટ શેકવામાં આવે છે. ત્યારબાદ તેમાં માવો ઉમેરીને જ્યાં સુધી તે ડાર્ક બ્રાઉન (ઘેરો બદામી) રંગનો ન થાય ત્યાં સુધી સતત કડાઈમાં મસળવામાં આવે છે. છેલ્લે ખાંડની ચાસણી અને ગુંદનું મિશ્રણ કરીને આ પૌષ્ટિક અડદિયા તૈયાર કરવામાં આવે છે.

કચ્છના અડદિયાના સ્વાદને સાચવી રાખવામાં ખાવડાના જેઠાભાઇ ઠક્કર પરિવારનો મોટો ફાળો છે. છેલ્લા 90 વર્ષથી મીઠાઈના વ્યવસાય સાથે જોડાયેલો આ પરિવાર હાલમાં ભુજ ખાતે ‘ખાવડા મેસુબ ઘર’ નામથી જાણીતી પેઢી ચલાવે છે. આજે તેમની ચોથી પેઢી આ પરંપરાગત વ્યવસાયને આગળ ધપાવી રહી છે. ઠક્કર પરિવારે કહ્યું “અમે છેલ્લા 55 વર્ષથી ભુજમાં પરંપરાગત રીતે શુદ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને અડદિયા બનાવીએ છીએ, જેની માંગ આજે વિદેશોમાં પણ છે.”

શુદ્ધ ઘી અને કિંમતી વસાણાંમાંથી તૈયાર થતા આ અડદિયા હાલ 800 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. શિયાળામાં આ અડદિયા ખાવાથી શારીરિક તંદુરસ્તી જળવાય છે. રોગપ્રતિકારક શક્તિ (Immunity) માં વધારો થાય છે. શરીરને લાંબા સમય સુધી ઉર્જા મળે છે. કચ્છની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે પણ આ કાળા અડદિયા ફેવરિટ સંભારણું બની રહ્યા છે.

Exit mobile version