નવી દિલ્હી, 27 મે 2026: સીબીઆઈએ નીટ-યુજી 2026 પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે, જેની સાથે આ કેસમાં ધરપકડ કરાયેલ વ્યક્તિઓની કુલ સંખ્યા 13 થઈ ગઈ છે. નીટ યુજી 2026 પ્રશ્નપત્ર લીક કેસમાં ડૉ. મનોજ શિરુરે નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે લાતુરના ડૉક્ટર છે. તેમણે આરોપી પી. વી. કુલકર્ણી પાસેથી રસાયણશાસ્ત્ર (કેમિસ્ટ્રી) ના પ્રશ્નો મેળવવામાં એક આરોપી કોચિંગ સેન્ટરના માલિકના પુત્ર સહિત ત્રણ વિદ્યાર્થીઓને મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ધરપકડ કરાયેલા અન્ય એક આરોપી તેજસ હર્ષદકુમાર શાહ છે, જે પુણે સ્થિત કોચિંગ સેન્ટર ‘ડૉ. અભંગ પ્રભુ મેડિકલ એકેડેમી’ માં ભૌતિકશાસ્ત્ર (ફિઝિક્સ) ના ફેકલ્ટી છે. તેમણે નીટ યુજી 2026 પરીક્ષાના લીક થયેલા ભૌતિકશાસ્ત્રના પ્રશ્નો ધરપકડ કરાયેલ આરોપી મનીષા હવાલદાર પાસેથી મેળવ્યા હતા.
આ કેસમાં કાવતરાની સાથે-સાથે સમગ્ર શૃંખલાનો પર્દાફાશ કરવા માટે તપાસ ચાલુ છે. સીબીઆઈએ અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએ 49 લોકેશન પર દરોડા પાડ્યા છે અને કેટલાક વાંધાજનક દસ્તાવેજો, લેપટોપ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલી ચીજવસ્તુઓનું વિગતવાર વિશ્લેષણ ચાલી રહ્યું છે. અત્રે યાદ અપાવી શકાય કે, સીબીઆઈએ નીટ-યુજી 2026 પરીક્ષાના કથિત પેપર લીક અંગે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી લેખિત ફરિયાદના આધારે 12.05.2026 ના રોજ આ કેસ નોંધ્યો હતો. કેસની નોંધણી થયાના તુરંત જ બાદ, વિશેષ ટીમોની રચના કરવામાં આવી હતી અને દેશભરમાં વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, તેમજ કેટલાક શંકાસ્પદોની અટકાયત કરીને તેમની પૂછપરછ કરવામાં આવી હતી.
આ કેસમાં અત્યાર સુધીમાં દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે, લાતુર અને અહિલ્યાનગરથી 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એકબીજા સાથે મળીને કામ કરતી વિવિધ વિશેષ ટીમો સાથે તપાસ ચાલુ છે અને તપાસમાં રસાયણશાસ્ત્ર (કેમિસ્ટ્રી), જીવવિજ્ઞાન (બાયોલોજી) અને ભૌતિકશાસ્ત્ર (ફિઝિક્સ) ના પ્રશ્નોના લીકેજનો વાસ્તવિક સ્ત્રોત સામે આવ્યો છે, જે પરીક્ષા પહેલા ફરતા કરવામાં આવ્યા હતા.

