Site icon Revoi.in

દેશની પ્રથમ ડેન્ગ્યુ રસી મંજૂરી મળી, 4 થી 60 વર્ષની વયના લોકો માટે થશે ઉપયોગી

Social Share

નવી દિલ્હી, 21 જુલાઈ 2026: ભારતમાં ડેન્ગ્યુના નિવારણ અને નિયંત્રણ માટેના પ્રયાસોને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક ઐતિહાસિક સફળતા પ્રાપ્ત થઈ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) એ જર્મનીની ટાકેડા જીએમબીએચ દ્વારા ઉત્પાદિત અને મેસર્સ ટાકેડા બાયોફાર્માસ્યુટિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયાત કરવામાં આવનાર ડેન્ગ્યુ ટેટ્રાવાલેંત વેક્સિન (લાઈવ, એટેન્યુએટેડ) ક્યુડેન્ગાને ભારતમાં માર્કેટિંગ ઓથોરાઇઝેશન પૂરું પાડ્યું છે. દેશમાં ડેન્ગ્યુ જેવા ગંભીર રોગના નિવારણ અર્થે મંજૂરી મેળવનારી આ સર્વપ્રથમ રસી બની ગઈ છે.

આ મહત્વપૂર્ણ નિર્ણય ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940 અને ડ્રગ્સ રૂલ્સ 1945 ની વિવિધ જોગવાઈઓ અનુસાર રસીની ગુણવત્તા, સુરક્ષા અને અસરકારકતાના વ્યાપક વૈજ્ઞાનિક મૂલ્યાંકન બાદ લેવામાં આવ્યો છે. ક્યુડેન્ગા એ રિકોમ્બિનંત ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવેલી લાઈવ, એટેન્યુએટેડ ટેટ્રાવાલેંત રસી છે. આ રસી વેરો કોષોમાં ઉત્પન્ન થાય છે, જેમાં સેરોટાઇપ-વિશિષ્ટ સરફેસ પ્રોટીનને એન્કોડ કરતા જનીનોને ડેન્ગ્યુ વાયરસ ટાઇપ-2 બેકબોનમાં એન્જિનિયર્ડ કરવામાં આવ્યા છે. આ પ્રોડક્ટ જિનેટિકલી મોડિફાઇડ ઓર્ગેનિઝમ્સ (GMOs) ધરાવે છે અને તેને પુનઃરચના માટે ફ્રીઝ-ડ્રાઇડ પાઉડર તરીકે સપ્લાય કરવામાં આવશે, જેને ત્વચાની નીચે (સબક્યુટેનિયસ) આપવામાં આવે છે.

આ રસી 4 થી 60 વર્ષની વયના વ્યક્તિઓમાં ડેન્ગ્યુના નિવારણ માટે સૂચવવામાં આવી છે. નિયત શિડ્યુઅલ મુજબ ભલામણ કરાયેલા ઇમ્યુનાઇઝેશનમાં 0.5 મિલીના બે ડોઝનો સમાવેશ થાય છે, જે 3 મહિનાના અંતરાલે (0 અને 3 મહિને) આપવામાં આવે છે. સ્થાનિક અને બિન-સ્થાનિક બંને પ્રદેશોમાં રસીની સુરક્ષા, ઇમ્યુનોજેનિસિટી અને અસરકારકતાનું મૂલ્યાંકન કરતા વ્યાપક વૈશ્વિક ક્લિનિકલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા જનરેટ કરાયેલા પુરાવાઓને આધારે આ મંજૂરી આપવામાં આવી છે. બ્રાઝિલ, થાઇલેન્ડ અને શ્રીલંકા સહિત 8 થી વધુ દેશોના સહભાગીઓમાં આ ક્લિનિકલ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 4 થી 60 વર્ષની વયજૂથ ધરાવતી ભારતીય વસતીમાં હાથ ધરાયેલ તબક્કા III નો સુરક્ષા અભ્યાસ પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે આ રસીને યુરોપિયન યુનિયન, યુનાઇટેડ કિંગડમ, સ્વિટ્ઝર્લેન્ડ, ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડ સહિત 42 દેશોમાં પહેલાથી જ મંજૂરી મળી ચૂકી છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ની પ્રીક્વોલિફિકેશન પણ પ્રાપ્ત થઈ છે. વૈશ્વિક સ્તરે આ રસીના 2.4 કરોડથી વધુ ડોઝનું વિતરણ થઈ ચૂક્યું છે. ભારતમાં આ પ્રથમ ડેન્ગ્યુ રસીની મંજૂરી એ જાહેર આરોગ્ય ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ પગલું છે અને તે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ ચાલતા વેક્ટર કંટ્રોલ અને નિદાનના પગલાંઓને વધુ મજબૂતી આપશે.

Exit mobile version