Site icon Revoi.in

કેન્દ્ર સરકાર ગુજરાતને કોરોનાના દર્દીઓ માટે 1,63,500 રેમડેસિવિરના ઈન્જેક્શનનો જથ્થો આપશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ પ્રતિદિન 12000થી વધુ નોંધાય રહ્યા છે. હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરતો જથ્થો ન હોવાની બુમરાણ વધી રહી છે. જ્યારે રેમડેસિવિર ઈન્જેક્શન પણ મળતા નહીં હોવી બુમો ઊઠી છે.  જેનાથી દર્દીઓ તેમજ પરિવારજનોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ત્યારે  કેન્દ્ર સરકારે દેશનાં 19 રાજ્યમાં આગામી 10 દિવસમાં  રેમડેસિવિરની વહેંચણી કરવાની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતને 30 એપ્રિલ સુધી માટે 1,63,500 રેમડેસિવિર આપવામાં આવશે. જેમાંથી 1,20,000 ઈન્જેક્શન ઝાયડસ કેડિલા કંપનીનાં રહેશે.

રાજ્યમાં આજે પણ અનેક શહેરોમાં રેમડેસિવિર ઈન્જેકશન મેળવવા દર્દીનાં પરિવારજનો દિવસ-રાત અલગ-અલગ હોસ્પિટલોના ધક્કા ખાઈ રહ્યા છે. બે દિવસ પહેલાંની હાઈકોર્ટની સુનાવણીમાં પણ આ બાબતને ધ્યાનમાં લેવામાં આવી હતી. ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા રેમડેસિવિરનો મોટો જથ્થો ગુજરાતને મળવા જઈ રહ્યો છે. કેન્દ્ર આગામી 10 દિવસમાં 19 રાજ્યમાં રેમડેસિવિર મોકલશે, જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રને 2,69,200 ઈન્જેક્શન ફાળવવામાં આવશે. મહારાષ્ટ્ર બાદ બીજા નંબરે ગુજરાત છે, જેને સૌથી વધુ 1,63,500 રેમડેસિવિર મળશે.

ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓને ઈન્જેક્શનના ત્રણ ડોઝ પછી આગળના ડોઝ મળી શક્યા ન હતા. રેમડેસિવિરની અછતને કારણે ડોક્ટરો પણ દર્દીઓને 6 ઈન્જેક્શનનો કોર્સ પૂર્ણ કરાવી શક્યા નથી. એટલા જ માટે છેલ્લા બે-ત્રણ દિવસમાં દેશમાં જે રાજ્યમાં કેસો સૌથી વધુ આવી રહ્યા છે ત્યાં રેમડેસિવિરની ફાળવણીના અધિકાર કેન્દ્ર સરકાર પાસે રહેશે. નોંધનીય છે કે 21 એપ્રિલ સુધીમાં રાજ્યમાં સરકારે 3.12 લાખ જેટલાં રેમડેસિવિર દર્દીઓ સુધી પહોંચાડ્યાં છે.