Site icon Revoi.in

ચેનલો ગાયબ, સવાલો હાજર. તમિલનાડુમાં ટેક્નિકલ ખામી કે ટીકા કરનારા અવાજ પર “મ્યૂટ” બટન?

Channels disappear, questions arise. Technical glitch or "mute" button on critical voices in Tamil Nadu

Channels disappear, questions arise. Technical glitch or "mute" button on critical voices in Tamil Nadu

Social Share

હેમંત પરમાર દ્વારા

તમિલનાડુમાં સરકારી કેબલ નેટવર્ક અરાસુ કેબલ ટીવી પરથી પોલિમર ટીવી, ન્યૂઝ તમિલ 24×7 અને જનમ ટીવી જેવી સમાચાર ચેનલોનું પ્રસારણ અચાનક બંધ થતાં રાજ્યની રાજનીતિમાં ભારે ગરમાવો આવી ગયો છે. એક તરફ સરકાર આ ઘટનાને માત્ર ટેક્નિકલ ખામી ગણાવી રહી છે, તો બીજી તરફ એઆઈએડીએમકે અને ભાજપ સહિતના વિપક્ષી પક્ષો તેને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને મીડિયા પરના દબાણ સાથે જોડીને ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે.

વિપક્ષનો આરોપ છે કે આ ત્રણેય ચેનલો છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વીજળી કાપ, વહીવટી ગેરવ્યવસ્થા અને સરકારની કામગીરીને લઈને સતત અહેવાલો પ્રસારિત કરી રહી હતી. આવા સમયે માત્ર આ જ ચેનલોનું પ્રસારણ બંધ થઈ જવું અનેક શંકાઓને જન્મ આપી રહ્યું છે. એઆઈએડીએમકે અને ભાજપનું કહેવું છે કે સરકારની ટીકા કરનારા માધ્યમોને દબાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું હોઈ શકે છે.

આ પણ વાંચોઃ સરકારે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી સંપૂર્ણ નાબૂદ કરી

બીજી તરફ રાજ્ય સરકારના ફેક્ટ-ચેક વિભાગે આ તમામ આરોપોને ફગાવી દીધા છે. સરકારનું કહેવું છે કે સેવા પ્રદાતાની ટેક્નિકલ સમસ્યાઓ અને કેટલાક સેટ-ટોપ બોક્સમાં આવેલી ખામીઓના કારણે ચેનલો અસ્થાયી રીતે ઉપલબ્ધ નથી. સરકારના મતે આ ઘટનાને રાજકીય રંગ આપવાની જરૂર નથી.

પરંતુ અહીં કેટલાક સવાલો સ્વાભાવિક રીતે ઊભા થાય છે. જો ખરેખર ટેક્નિકલ ખામી જ કારણ હોય, તો તે માત્ર પોલિમર ટીવી, ન્યૂઝ તમિલ 24×7 અને જનમ ટીવીને જ કેમ અસર કરે છે? અન્ય ચેનલો સામાન્ય રીતે ચાલુ હોય અને માત્ર ટીકા કરનારી ચેનલો જ અચાનક અદૃશ્ય થઈ જાય, તો લોકોના મનમાં શંકા ઊભી થવી સ્વાભાવિક નથી શું?

ચેન્નઈ પ્રેસ ક્લબ સહિત અનેક મીડિયા સંગઠનોએ પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે કોઈપણ લોકશાહી વ્યવસ્થામાં મીડિયાના અવાજને અવરોધિત કરવો ચિંતાજનક છે. તેથી પ્રસારણ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવામાં આવે અને સમગ્ર ઘટનાની પારદર્શક તપાસ કરવામાં આવે.

લોકશાહીની સુંદરતા એમાં છે કે સરકારની પ્રશંસા પણ થાય અને તેની ટીકા પણ થાય. જો સવાલ પૂછનાર દરેક અવાજને ટેક્નિકલ ખામીના નામે મૌન થવું પડે, તો પછી જનતાને સાચી માહિતી ક્યાંથી મળશે? અને જો આ માત્ર ટેક્નિકલ સમસ્યા છે, તો તેને દૂર કરવામાં આટલો વિલંબ કેમ?

હાલમાં સત્ય શું છે તે સમય અને તથ્યો જ નક્કી કરશે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે જ્યારે સરકારની ટીકા કરનારી ચેનલો અચાનક સ્ક્રીન પરથી ગાયબ થઈ જાય, ત્યારે ચર્ચા ચેનલોની નહીં, પરંતુ લોકશાહીની સ્થિતિની શરૂ થાય છે.

અને અંતે એક સવાલ, જો આ બધું ખરેખર માત્ર ટેક્નિકલ ખામી જ છે, તો પછી આ ઘટનાને લઈને લોકોમાં એટલી શંકા કેમ જન્મી રહી છે? શું કારણ એ છે કે આજકાલ ટેક્નિકલ ખામીઓ કરતાં રાજકીય સંયોગો પર લોકોનો વિશ્વાસ વધુ થઈ ગયો છે? કે પછી ખરેખર ક્યાંક કોઈએ રિમોટનું “મ્યૂટ” બટન થોડું વધારે જ દબાવી દીધું છે?

Exit mobile version