અમદાવાદ, 24 ફેબ્રુઆરી, 2026 – Commonwealth Connect Forum અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે “આયોજિત ‘કોમનવેલ્થ કનેક્ટ ફોરમ’માં રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, યુનાઇટેડ કિંગડમ તથા આંતરરાષ્ટ્રીય રમતગમત-ઉદ્યોગના પ્રતિનિધિઓએ એક મંચ પર મળી ભાવિ કોમનવેલ્થ ગેમ્સ, સ્પોર્ટ્સ ઇકોનોમી અને વૈશ્વિક રોકાણના અવસરો અંગે વ્યાપક ચર્ચા કરી હતી.
અમદાવાદ ખાતે યોજાયેલા કોમનવેલ્થ કનેક્ટ ફોરમ 2026 કાર્યક્રમને સંબોધતા મેયર પ્રતિભાબેન જૈને જણાવ્યું હતું કે, 2030ના કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર આંતરરાષ્ટ્રીય સહકારને વધુ મજબૂત બનાવી રહ્યું છે. યુનાઇટેડ કિંગડમના વેસ્ટ મિડલેન્ડ્સ ક્ષેત્રના મેયર રિચર્ડ પાર્કરના નેતૃત્વ હેઠળ આવેલા પ્રતિનિધિમંડળનું શહેરના નાગરિકોની તરફથી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ પર રાજ્ય સરકાર-AMC-યુકે પ્રતિનિધિમંડળની ચર્ચા
તેમણે જણાવ્યું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અમદાવાદ રમતગમત અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત પ્રગતિ કરી રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની દીર્ઘદૃષ્ટિપૂર્ણ પહેલોથી આ પ્રકારના કાર્યક્રમ અંગે પણ સતત માર્ગદર્શન મળી રહ્યું છે. નવેમ્બર 2025માં ગ્લાસ્ગોમાં યોજાયેલી જનરલ અસેમ્બલી બાદ અમદાવાદની કોમનવેલ્થ ગેમ્સ માટે પસંદગી શહેર માટે ગૌરવની બાબત છે.
સ્પોર્ટ્સ ઇકોનોમી, રોકાણ અને શિક્ષણ સહકારના નવા માર્ગ ખુલ્યા
મેયરે જણાવ્યું કે, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2023ના ICC Cricket World Cup ફાઈનલનું સફળ આયોજન કરીને શહેરે પોતાની વૈશ્વિક ક્ષમતા સાબિત કરી છે. મોટેરા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત આધુનિક રમત સુવિધાઓ વિકસાવવામાં આવી છે. વધુ ઇલેક્ટ્રિક બસો, મેટ્રો, મજબૂત રેલવે નેટવર્ક અને એરપોર્ટ સુવિધાઓ સાથે શહેર ઓલિમ્પિક સ્તરની દ્રષ્ટિએ તૈયાર થઈ રહ્યું છે તેમણે ઉમેર્યું કે, કોમનવેલ્થ ગેમ્સ માત્ર રમતોત્સવ નહીં પરંતુ “વસુધૈવ કુટુંબકમ”ની ભાવનાથી વિશ્વના દેશોને જોડતો મંચ છે. આ આંતરરાષ્ટ્રીય મુલાકાતથી શહેરના ખેલાડીઓ, કોચ અને યુવાનોને નવી પ્રેરણા મળશે અને વૈશ્વિક રમતજગત સાથે સહકારના નવા અવસર ઊભા થશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ઇન્ડિયા ગ્લોબલ ફોરમના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા “કોમનવેલ્થ કનેક્ટ ફોરમ”માં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ “અતિથિ દેવો ભવ” પરંપરાથી મહાનુભાવોને આવકારતા જણાવ્યું કે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જોડાયેલું અમદાવાદ ઐતિહાસિક તથા આધુનિક વિકાસનું અનોખું સંયોજન ધરાવે છે. વિશ્વ હેરિટેજ સિટી તરીકે ઓળખાતું અમદાવાદ સ્વચ્છ સર્વેક્ષણ-2025માં દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર થયું હોવાનું તથા મહિલાઓની સુરક્ષા કારણે સુરક્ષિત શહેરોમાં સ્થાન પામ્યું હોવાનું તેમણે કહ્યું.
આ પણ વાંચોઃ NSUIને પણ રાષ્ટ્રવાદ સામે વાંધો, સંશોધન પ્રદર્શનમાં તોડફોડ અને ગાળાગાળી કરી
અમદાવાદના સતત વિકાસ અંગે તેમણે જણાવ્યું કે શહેર પાસે ક્લાઈમેટ રિઝિલિયન્ટ સિટી એક્શન પ્લાન છે અને દક્ષિણ એશિયાના ક્લાઈમેટ સિટીઝ ફ્રેમવર્કના નવમાંથી આઠ માપદંડ હાંસલ કરનાર અમદાવાદ એકમાત્ર શહેર છે. હાલના એએમસી બજેટનો 84 ટકા હિસ્સો હવામાન પ્રતિરોધક પહેલો માટે ફાળવાયો છે. શહેરી આયોજન અંગે તેમણે ઉમેર્યું કે 1925થી શરૂ થયેલી ટાઉન પ્લાનિંગ પદ્ધતિના કારણે આજે શહેરનો 100 ટકા વિસ્તાર આયોજનબદ્ધ વિકાસ હેઠળ આવરી લેવાયો છે અને નાગરિકોની ભાગીદારી આ સફળતાનું મુખ્ય કારણ છે.
આગામી કોમનવેલ્થ ગેમ્સનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આ માત્ર રમતોત્સવ નહીં પરંતુ યુવાનો માટે પ્રેરણા અને આર્થિક તકો સર્જનાર મંચ છે. 2030 માટેની તૈયારીઓ સ્માર્ટ મોબિલિટી, ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટેડિયમ ટેક્નોલોજી, ડિજિટલ ગવર્નન્સ અને લેગસી પ્લાનિંગ જેવા ક્ષેત્રોમાં UK-India સહકાર મજબૂત કરશે. રમતગમતને કૂટનીતિક સેતુ ગણાવતા તેમણે સિટી-ટુ-સિટી ભાગીદારી દ્વારા શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.
વેસ્ટ મિડલેન્ડ્સ પ્રતિનિધિમંડળ સાથે બેઠક
વેસ્ટ મિડલેન્ડ્સ પ્રતિનિધિમંડળ અને વાઇસ ચાન્સેલરોની હાજરીને મહત્વપૂર્ણ ગણાવતા તેમણે જણાવ્યું કે ગુજરાતની લગભગ 80 ટકા શૈક્ષણિક સંસ્થાઓ અમદાવાદમાં આવેલ હોવાથી શૈક્ષણિક સહયોગ માટે વિશાળ સંભાવનાઓ છે. રોકાણ તકો અંગે તેમણે GIFT સિટી તથા સેમિકન્ડક્ટર સહિત ઉદ્યોગ વિકાસનો ઉલ્લેખ કરી વેપાર-ઉદ્યોગ-શિક્ષણ ક્ષેત્રે લાંબા ગાળાના સહકાર માટે આ ફોરમ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી હતી.
કોમનવેલ્થ કનેક્ટ ફોરમને સંબોધતા વેસ્ટ મિડલેન્ડ્સના મેયર રિચર્ડ પાર્કરે કોમનવેલ્થ ગેમ્સ 2022ને પ્રદેશ માટે એક પરિવર્તનકારી ક્ષણ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, બર્મિઘમમાં યોજાયેલી આ રમતો રમતોથી ઘણી વિશાળ હતી.તેમણે જણાવ્યું કે આ રમતો દ્વારા બર્મિંગહામ અને વેસ્ટ મિડલેન્ડ્સની ઔદ્યોગિક વારસા, સાંસ્કૃતિક વૈવિધ્યતા, નાગરિક ગૌરવ અને ઊર્જા વિશ્વસ્તરે ઉજાગર થઈ.આ આયોજનથી યુકેની અર્થવ્યવસ્થામાં 1.2 અબજ પાઉન્ડથી વધુનું યોગદાન મળ્યું, 22,000થી વધુ રોજગાર તકો ઊભી થઈ અને 1.5 મિલિયનથી વધુ ટિકિટોનું વેચાણ થયું. ખાસ વાત એ રહી કે આ ગેમ્સ સમયસર અને અંદાજિત બજેટથી ઓછા ખર્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયા.તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ ગેમ્સનો સાચો વારસો માત્ર આંકડાઓમાં સીમિત નથી. સમુદાયના સ્વયંસેવકો, યુવા ખેલાડીઓ અને સમગ્ર પ્રદેશમાં વધેલા આત્મવિશ્વાસ પર તેનું દીર્ઘકાલીન પ્રભાવ રહ્યું છે.
આ પણ વાંચોઃ વંદે માતરમ ગાનના 150 વર્ષની ઊજવણીનો સંકલ્પ ગુજરાત વિધાનસભામાં લેવાયો
અમદાવાદમાં 2030 માટે ચાલી રહેલી તૈયારીઓ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે શહેરની દ્રઢ મહત્ત્વાકાંક્ષા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ગ્રાસરૂટ સ્તરે રમતગમતના કાર્યક્રમો એક મજબૂત અને ઉદ્ભવતી સ્પોર્ટિંગ ઓળખ દર્શાવે છે. કોમનવેલ્થ ગેમ્સ 2030 કોમનવેલ્થના 100 વર્ષની ઉજવણીરૂપ ઐતિહાસિક સંસ્કરણ બનશે અને અમદાવાદ તેને સફળતાપૂર્વક આયોજિત કરવાની ક્ષમતા ધરાવે છે. વેસ્ટ મિડલેન્ડ્સનું પ્રતિનિધિમંડળ અમદાવાદ સાથે મિત્ર અને સહયોગી તરીકે કામ કરવા પ્રતિબદ્ધ છે. 2022ના અનુભવ અને શીખેલ પાઠોને વહેંચતાં તેઓ વ્યવસાય, યુનિવર્સિટીઓ, સાંસ્કૃતિક સંસ્થાઓ અને યુવા નેટવર્ક્સ વચ્ચે વધુ સશક્ત જોડાણો ઉભા કરવા ઇચ્છે છે.
યુકે–ભારત વચ્ચે વિકસતી ભાગીદારી અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે હાલનો સમય રમત, કુશળતા વિકાસ, સંસ્કૃતિ અને ઉદ્યોગ ક્ષેત્રે વધુ ગાઢ સહકાર માટે સકારાત્મક અને ઐતિહાસિક તક છે. તેમણે અંતમાં ઉમેર્યું કે 2030 સુધીના વર્ષોમાં સતત સંવાદ, ભાગીદારી અને સંયુક્ત મહત્ત્વાકાંક્ષાઓ દ્વારા જ અર્થપૂર્ણ વારસો રચાશે.
ઈન્ડિયન ગ્લોબલ ફોરમ
કોમનવેલ્થ કનેક્ટ ફોરમમાં સંબોધન કરતાં ઈન્ડિયન ગ્લોબલ ફોરમના ચેરમેન અને સીઇઓ મનોજ લાડવાએ જણાવ્યું કે ગુજરાત માત્ર ભવિષ્ય માટે તૈયારી નથી કરી રહ્યું, પરંતુ “ભવિષ્યનું પુનઃનિર્માણ” કરી રહ્યું છે, જેમાં રમતગમતને ભારતના રાષ્ટ્રીય ઉદયના કેન્દ્રસ્થાને સ્થાન આપવામાં આવ્યું છે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ અને ગુજરાતમાં ઉભી કરવામાં આવેલી વિશ્વસ્તરીય રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રમતગમત હવે માત્ર મનોરંજન પ્રવૃત્તિ નથી રહી, પરંતુ ગ્રાસરૂટ ભાગીદારીથી લઈને ઓલિમ્પિક લક્ષ્યાંકો અને વૈશ્વિક ધોરણની સુવિધાઓ સુધી વિસ્તરેલી રાષ્ટ્રીય વ્યૂહરચના બની ગઈ છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, કોમનવેલ્થ ગેમ્સ 2030 માત્ર એક ઇવેન્ટનું આયોજન નથી, પરંતુ ગુજરાત અને ભારતને આત્મવિશ્વાસસભર વૈશ્વિક આર્થિક શક્તિ તરીકે સ્થાપિત કરવાની તક છે. ગુજરાતની આર્થિક શક્તિ પર પ્રકાશ પાડતાં તેમણે જણાવ્યું કે રાજ્ય ભારતના GDPમાં આશરે 8 ટકા યોગદાન આપે છે, દેશના 20 ટકા નિકાસમાં ફાળો આપે છે અને માત્ર 5 ટકા વસ્તી હોવા છતાં લગભગ 40 ટકા કાર્ગો ટ્રાફિક સંભાળે છે. તેમણે કહ્યું કે ગેમ્સ દ્વારા મળનારી વૈશ્વિક દૃષ્ટિને ગોઠવાયેલા અને દીર્ઘકાલીન આર્થિક લાભમાં પરિવર્તિત કરવી જરૂરી છે.
ગુજરાત તથા વેસ્ટ મિડલેન્ડ્સ વચ્ચે લાંબા ગાળાની વ્યાવસાયિક ભાગીદારી
કોમનવેલ્થને ભારત માટે સૌથી ઓછું ઉપયોગમાં લેવાયેલું આર્થિક પ્લેટફોર્મ ગણાવી તેમણે “ડાયલોગથી ડિલિવરી” તરફ આગળ વધવાની જરૂરિયાત વ્યક્ત કરી. તેમણે સંરચિત રોકાણ પ્રવાહ, GIFT City મારફતે મૂડી સંચાલન અને ટકાઉ ખેલાડી તથા કુશળતા ઇકોસિસ્ટમના વિકાસ પર ભાર મૂક્યો.તેમણે જણાવ્યું કે વારસો માત્ર સ્ટેડિયમ સુધી સીમિત ન રહે, પરંતુ માનવીય મૂડી વિકાસ, સંયુક્ત સંશોધન પ્લેટફોર્મ, ખેલાડીઓ માટે તાલીમ પ્રણાલીઓ અને ગુજરાત તથા વેસ્ટ મિડલેન્ડ્સ વચ્ચે લાંબા ગાળાની વ્યાવસાયિક ભાગીદારી સુધી વિસ્તરવી જોઈએ.
વિકસતી યુકે–ભારત ભાગીદારી અને તાજેતરના વેપાર કરારનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે હાલનો સમય સ્પષ્ટ અને વ્યાવહારિક તકોથી ભરેલો છે. રમતગમત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહયોગ, સ્વચ્છ ઊર્જા સંકલન, અદ્યતન ઉત્પાદન, ડિજિટલ નવોચાર અને નાણાકીય એન્જિનિયરિંગ માટે પ્રવેશદ્વાર બની શકે છે. અંતમાં તેમણે જણાવ્યું કે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ઉત્પાદનક્ષમતા, સંસ્થાગત મજબૂતી અને વૈશ્વિક આત્મવિશ્વાસ માટે પ્રેરક શક્તિ સાબિત થવું જોઈએ. વિદેશી ભારતીય સમુદાયના સંબંધોને મજબૂત આર્થિક માર્ગોમાં પરિવર્તિત કરી, મહત્ત્વાકાંક્ષાને શિસ્તબદ્ધ અને માપનીય કાર્યોમાં રૂપાંતરિત કરવું જરૂરી છે.
વેસ્ટ મિડલેન્ડ્સના મેયર રિચર્ડ પાર્કરે શું કહ્યું?
આ ઉપરાંત “From Birmingham 2022 to Ahmedabad 2030” સેશનમાં વેસ્ટ મિડલેન્ડ્સના મેયર રિચર્ડ પાર્કર, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના ગગન નારંગ, વેસ્ટ મિડલેન્ડ્સ ગ્રોથ કંપનીના નીલ રામી અને KPMGના નિલાચલ મિશ્રાએ ગેમ્સના આર્થિક-સામાજિક પ્રભાવ અને શહેરના લાંબા ગાળાના વિકાસ વિશે વિચારો વ્યક્ત કર્યા હતા. ત્યારબાદ “International Sports Diplomacy & Soft Power” સેશનમાં શિવાંગી અંબાણી (UK Government), અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ક્રેગ ફ્લિન્ડલ (એજબાસ્ટન સ્ટેડિયમ) અને બર્મિંગહમ સિટી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડેવિડ એમ્બાએ રમતગમતને વૈશ્વિક સહકાર અને શહેરોની આંતરરાષ્ટ્રીય ઓળખ માટે શક્તિશાળી સાધન ગણાવ્યું હતું.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી પુનર્વિકાસ વિષયક સેશનમાં સમિર સિન્હા (Savvy Group), શેખરભાઈ પટેલ (CREDAI), વિજય ટાંક, સીઓઓ (E.ON UK) અને પ્રિન્સિપલ સેક્રેટરી એનર્જી એન્ડ પેટ્રોલકેમિકલ્સ ડિપાર્ટમેન્ટના અશ્વિનીકુમાર દ્વારા જરૂરી સ્ટેડિયમ, એનર્જી, શહેરી વિકાસ અને ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત સમજાવી હતી. “Sports Economy of the Future” સેશનમાં ગુજરાત ટાઇટન્સના અરવિંદર સિંહ, પ્રેમ સિંહ અને એડ શેડે નવા રમતગમત ફોર્મેટ્સ અને લીગ આધારિત મોડેલના વિકાસ પર ચર્ચા કરી હતી. ત્યારબાદ “Financing India’s Sporting Ambition”માં પ્રશાંથ શાંથકુમારન અને ચાર્લી કાઉડ્રીએ રમતગમતમાં રોકાણ અને ખાનગી ભાગીદારીના અવસર સમજાવ્યા હતા.
દિગ્ગજોની ઉપસ્થિતિ
જ્યારે “Commonwealth Reflections: Backing Champions, Building Legacy” સેશનમાં બોલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના રવિ બેનગાની અને પેરા-બેડમિન્ટન ચેમ્પિયન માનસી જોશીએ ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. સમાપન સંબોધનમાં બંછાનિધિ પાની, રિચર્ડ પાર્કર અને વિલિયમ કાર્નેએ ભારત-યુકે ભાગીદારી વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં વેસ્ટ મિડલેન્ડ્સનું પ્રતિનિધિમંડળ, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જી તેમજ વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા બિઝનેસ લીડર્સ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, એએમસીના અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

