નવી દિલ્હી, 27 માર્ચ 2026: આધુનિક યુદ્ધમાં ડ્રોન હવે અત્યંત મહત્વપૂર્ણ હથિયાર બની ગયા છે, પરંતુ તે ભારતીય સેના માટે તાકાતની સાથે સાથે એક મોટો પડકાર પણ બની રહ્યા છે. આ બાબતને ગંભીરતાથી લેતા, સંરક્ષણ મંત્રાલયે ડ્રોનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક નવું ‘ટેસ્ટિંગ ફ્રેમવર્ક’ તૈયાર કર્યું છે. મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર 34 પાનાનો આ ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ ફ્રેમવર્કનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ડ્રોનનું ટેસ્ટિંગ કરવાનો નથી, પરંતુ એવા સુરક્ષિત ડ્રોન તૈયાર કરવાનો છે જે હેકિંગ, ડેટા ચોરી અને સાયબર હુમલાઓથી સંપૂર્ણપણે સુરક્ષિત હોય.
નવા નિયમો હેઠળ ડ્રોનના દરેક મહત્વના પાર્ટની ઓળખ કરીને તેનું અલગ-અલગ સ્તર પર પરીક્ષણ કરવામાં આવશે. આમાં હાર્ડવેર અને સોફ્ટવેર બંનેની સઘન તપાસનો સમાવેશ થાય છે. કોઈપણ ડ્રોનને સેનાની ખરીદ પ્રક્રિયામાં સામેલ કરતા પહેલા વલ્નરેબિલિટી અને પેનિટ્રેશન ટેસ્ટ, એન્ક્રિપ્શન અને સિક્યોર બૂટ ટેસ્ટ, કોડ સિગ્નેચર અને ફર્મવેર વેલિડેશન જેવા ટેસ્ટમાંથી પસાર થવું પડશે. આ તમામ ટેસ્ટમાં પાસ થયા પછી જ ડ્રોનને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવશે.
આ નવું ફ્રેમવર્ક ખરીદીના પ્રાથમિક તબક્કા એટલે કે આરએફઆઈના તબક્કાથી જ લાગુ કરવામાં આવશે. આનાથી ફાયદો એ થશે કે કંપનીઓ શરૂઆતથી જ સુરક્ષિત અને નિર્ધારિત માપદંડોને અનુરૂપ ડ્રોન વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ડ્રાફ્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે દુશ્મનો ડ્રોનના કમ્યુનિકેશનને ઇન્ટરસેપ્ટ કરી શકે છે, ખોટા (ફેક) કમાન્ડ મોકલી શકે છે અથવા તો ડ્રોનનો સંપૂર્ણ કંટ્રોલ પોતાના હાથમાં લઈ શકે છે. આ ઉપરાંત, જીપીએસ જામિંગ અને સ્પોફિંગ, ડેટા ચોરી અથવા ડેટા સાથે છેડછાડ તેમજ ‘સાયબર ટેકઓવર’ જેવા ગંભીર ખતરાઓ પણ સામે આવ્યા છે.
ડ્રોનના કેટલાક મહત્વના ભાગોને સૌથી વધુ જોખમી અથવા સંવેદનશીલ માનવામાં આવ્યા છે, જેમાં ફ્લાઈટ કંટ્રોલર, ફર્મવેર, GPS/INS સિસ્ટમ, સેન્સર અને કમ્યુનિકેશન યુનિટ અને ગ્રાઉન્ડ કંટ્રોલ સોફ્ટવેરનો સમાવેશ થાય છે.આમાંથી કોઈપણ એક ભાગની નબળાઈ આખી સિસ્ટમને જોખમમાં મૂકી શકે છે.
ભારતીય સેનાએ સુરક્ષાના કારણોસર અગાઉ જ ચીની પાર્ટ્સ ધરાવતા ઘણા ડ્રોન કોન્ટ્રાક્ટ રદ કરી દીધા છે. હવે ડ્રોન બનાવતી કંપનીઓએ પ્રમાણિત કરવું પડશે કે તેમના ડ્રોનમાં ન તો કોઈ ચીની કમ્પોનેન્ટ (પાર્ટ્સ) છે અને ન તો કોઈ મેલિશિયસ કોડ. જોકે, માઈક્રોચિપ અને કમ્યુનિકેશન ઉપકરણોનું 100% સ્વદેશી ઉત્પાદન હાલમાં શક્ય નથી, તેથી હાલ પૂરતું સર્ટિફિકેશન અને ટેસ્ટિંગ સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.
હાલમાં આ નવું ફ્રેમવર્ક માઈક્રો, મિની અને સ્મોલ ક્વાડકોપ્ટર તેમજ હેક્સાકોપ્ટર જેવા નાના ડ્રોન પર લાગુ થશે. આગામી સમયમાં તેને MALE અને HALE સિસ્ટમ જેવા મોટા અને એડવાન્સ ડ્રોન પર પણ લાગુ કરવામાં આવશે. ભારતીય સેનાનું આ કદમ ‘સિક્યોર બાય ડિઝાઇન’ રણનીતિની દિશામાં એક મોટો અને સકારાત્મક બદલાવ માનવામાં આવી રહ્યો છે. તેનો સ્પષ્ટ ઉદ્દેશ્ય સ્વદેશી, સુરક્ષિત અને ભરોસાપાત્ર ડ્રોન તૈયાર કરવાનો છે, જેથી ભવિષ્યના યુદ્ધોમાં ભારત ટેકનિકલ રીતે અગ્રેસર અને મજબૂત બની રહે.

