Site icon Revoi.in

કોરોના મહામારીને પગલે અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂ વધારવાનો નિર્ણય

Social Share

અમદાવાદઃ દિવાળી બાદ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોના કેસમાં વધારો થયો હતો. જેથી અમદાવાદ સહિત ચારેક શહેરોમાં રાત્રી કર્ફ્યુ નાખવામાં આવ્યો હતો. અમદાવાદમાં નાખવામાં આવેલા કર્ફ્યુનો સમયગાળો તા. 7મી ડિસેમ્બરથી પૂર્ણ થતો હોવાથી પોલીસ કમિશનરે નવુ જાહેરનામું બહાર પાડીને રાત્રી કર્ફ્યુ વધાર્યો હોવાનું જાણવા મળે છે. એટલે રાતના નવ કલાક પછી તમામ દુકાનો બંધ રહેશે.

અમદાવાદ શહેરમાં કોરોના મહામારીને પગલે આપવામાં આવેલા રાત્રી કર્ફ્યુની સમય મર્યાદા પૂર્ણ થતી હતી. દરમિયાન પોલીસ કમિશન દ્વારા રાત્રી કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નોટિફિકેશન પ્રમાણે જ્યાં સુધી નવો આદેશ ન થાય ત્યાં સુધી અમદાવાદ શહેરમાં રાત્રે 9 કલાકથી સવારે છ કલાક સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે. આ સમય દરમિયાન ઘરની બહાર નિકળતા લોકો પર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. અમદાવાદ શહેરમાં રાત્રે 9 વાગ્યા બાદ કોઈ દુકાનો પણ ખુલી રાખી શકાશે નહીં. જરૂરી સેવાઓને કર્ફ્યૂમાં છૂટછાટ આપવામાં આવી છે. જેમાં મેડિકલ સહિત ઈમરજન્સી સેવાઓનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના શહેરી વિસ્તાર ઉપર ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. જેથી કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ અટકાય તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન સાબરકાંઠાના એક ગામમાં આગેવાનોએ 10 દિવસ સુધી સ્વૈચ્છીક બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ સરકાર દ્વારા પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે.