Site icon Revoi.in

સંસદમાં ડેટા રોલઓવરની માંગ ઉઠી, રાઘવ ચઢ્ઢાએ મોબાઈલ વપરાશકારોનો પક્ષ રજૂ કર્યો

Social Share

નવી દિલ્હી, 23 માર્ચ 2026: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ આજે સંસદમાં શૂન્યકાળ દરમિયાન દેશના કરોડો મોબાઈલ યૂઝર્સના હિતમાં એક મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે માંગ કરી છે કે મોબાઈલ યૂઝર્સનો જે ડેટા વપરાયા વગરનો બાકી રહે છે, તેને આગલા દિવસે વાપરવાની મંજૂરી મળવી જોઈએ. આ સાથે જ તેમણે યૂઝર્સ વચ્ચે ડેટા ટ્રાન્સફર કરવાની સુવિધા આપવાની પણ હિમાયત કરી છે.

રાઘવ ચઢ્ઢાએ ગૃહમાં જણાવ્યું હતું કે, મોટાભાગના યૂઝર્સ દરરોજ 1.5 GB કે 2 GB ડેટાનો પ્લાન લેતા હોય છે. પરંતુ જો કોઈ કારણસર યૂઝર તે દિવસે પૂરો ડેટા વાપરી ન શકે, તો રાત્રે 12 વાગતાની સાથે જ બાકીનો ડેટા એક્સપાયર થઈ જાય છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, “જ્યારે કંપનીઓ યૂઝર પાસેથી પૂરા ડેટાના પૈસા વસૂલે છે, તો પછી વધેલો ડેટા કંપનીઓ કેમ પોતાની પાસે રાખી લે છે? તેને આગલા દિવસે કેરી ફોરવર્ડ કેમ કરવામાં આવતો નથી?”

પોતાની વાતને મજબૂત રીતે રજૂ કરવા માટે રાઘવ ચઢ્ઢાએ પેટ્રોલનું ઉદાહરણ આપતા કહ્યું કે, “જેમ કે તમે તમારી ગાડીમાં 15 લીટર પેટ્રોલ પુરાવો અને તેમાંથી 5 લીટર પેટ્રોલ બચી જાય, તો પેટ્રોલ પંપનો માલિક એવું નથી કહેતો કે બચેલું પેટ્રોલ મને પાછું આપી દો. તમે તે પેટ્રોલ ગમે ત્યારે વાપરી શકો છો. તો પછી ડેટા બાબતે આવું કેમ? યૂઝરને તેનો પૂરો ડેટા વાપરવાનો અધિકાર મળવો જોઈએ.”

સાંસદે વધુમાં જણાવ્યું કે દુનિયાના ઘણા વિકસિત દેશો જેવા કે અમેરિકા, યુરોપ, નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ડેટા રોલઓવરની સુવિધા ઉપલબ્ધ છે. ભારતમાં પણ આ પદ્ધતિ લાગુ થવી જોઈએ. તેમણે વધુ એક મહત્વની માંગણી કરતા કહ્યું કે, “જેમ આપણે એકબીજાને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરીએ છીએ, તેવી જ રીતે એક યૂઝર બીજા યૂઝરને પોતાનો વધેલો ડેટા ટ્રાન્સફર કરી શકે તેવી ટેકનિકલ મંજૂરી પણ મળવી જોઈએ.”

જો સરકાર આ માંગણી સ્વીકારી લે અને ટ્રાઈ દ્વારા નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે, તો કરોડો ભારતીયોના નાણાંની બચત થશે અને મોબાઈલ કંપનીઓની મનમાની પર લગામ આવશે. આ મુદ્દો સોશિયલ મીડિયા પર પણ અત્યારે ભારે ચર્ચામાં છે અને લોકો રાઘવ ચઢ્ઢાની આ પહેલને આવકારી રહ્યા છે.

આ પણ વાંચોઃ ભારતનો AI પ્રત્યેનો અભિગમ માનવ-કેન્દ્રિત અને સમાવેશી: નરેન્દ્ર મોદી

Exit mobile version