Site icon Revoi.in

ડિજિટલ ઈન્ડિયાની વિજયકૂચ: લાંબી કતારો ભૂતકાળ બની, UPI એ ભારતની આર્થિક તસવીર બદલી નાખી

Social Share

નવી દિલ્હી, 11 એપ્રિલ 2026: એક સમય હતો જ્યારે ભારતમાં સામાન્ય બેંકિંગ વ્યવહાર કે બિલ ભરવા માટે કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવું પડતું હતું. પરંતુ આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. ભારતની આ નાણાકીય સફર હવે ‘કતારથી ક્યુઆર કોડ’ સુધી પહોંચી ગઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતના આ પરિવર્તનકારી ડિજિટલ પ્રવાસને બિરદાવતા જણાવ્યું છે કે, ભારતે માત્ર પોતાની બેંકિંગ સિસ્ટમ નથી સુધારી, પરંતુ વિશ્વ સમક્ષ નાણાકીય સમાવેશીકરણનું નવું મોડેલ રજૂ કર્યું છે.

ભારતના ડિજિટલ પરિવર્તનના પાયામાં ત્રણ મુખ્ય પરિબળો રહેલા છે, જેને સામૂહિક રીતે જેએએમ (જનધન, આધાર અને મોબાઈલ) ટ્રિનિટી તરીકે ઓળખવામાં આવે છે. જન-ધન યોજના હેઠળ લાખો શૂન્ય-બેલેન્સ ખાતા ખોલીને વંચિતોને બેંકિંગ સાથે જોડ્યા. આધાર મારફતે વિશ્વસનીય ડિજિટલ ઓળખ પૂરી પાડી, જેનાથી સરકારી લાભો સીધા ખાતામાં પહોંચાડવાનું સરળ બન્યું. ઇન્ટરનેટના વ્યાપને કારણે ગમે ત્યારે, ગમે ત્યાં વ્યવહાર કરવાનું શક્ય બન્યું.

2016માં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા શરૂ કરાયેલ યુપીઆઈ (યુનિફાઈલ પેમેન્ટ ઈન્ટરફેસ) એ નાણાંની હેરફેરને મૂળભૂત રીતે સરળ બનાવી દીધી છે. જાન્યુઆરી 2026 સુધીમાં આ નેટવર્ક સાથે 691 બેંકો જોડાઈ ચુકી છે. હવે વપરાશકર્તાએ એકાઉન્ટ નંબર કે આઈએફએસસી કોડ યાદ રાખવાની જરૂર નથી, માત્ર મોબાઈલ નંબર કે યુપીઆઈ આઈડી દ્વારા સેકન્ડોમાં વ્યવહાર થઈ શકે છે. નાણા મંત્રીના જણાવ્યા અનુસાર, વાસ્તવિક વાર્તા વ્યવહારોના જથ્થામાં નથી, પરંતુ કોણ વ્યવહાર કરી રહ્યું છે તેમાં છે. ઓટોરિક્ષા ચાલકથી લઈને શાકભાજી વિક્રેતા સુધી દરેક આજે ક્યુઆર કોડનો ઉપયોગ કરી રહ્યા છે.

ભારતની આ ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ હવે માત્ર દેશ પૂરતી મર્યાદિત નથી. ફ્રાન્સ, સિંગાપોર, યુએઈ, નેપાળ, શ્રીલંકા અને મોરેશિયસ સહિતના અનેક દેશોમાં યુપીઆઈ હવે કાર્યરત છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સહિતના વૈશ્વિક નેતાઓએ પણ દર મહિને 20 અબજથી વધુ વ્યવહારો પ્રક્રિયા કરવાની ભારતની ક્ષમતાની નોંધ લીધી છે.

ડિજિટલ વ્યવહારોમાં વિશ્વાસ મજબૂત કરવા માટે ભારતીય રિઝર્વ બેંકે 1 એપ્રિલ, 2026 થી ઉન્નત પ્રમાણીકરણ પદ્ધતિઓ લાગુ કરી છે. હવે દરેક વ્યવહાર પીન, બાયોમેટ્રિક્સ અથવા ઓટીપી જેવા બહુસ્તરીય સુરક્ષા કવચથી સજ્જ છે, જેનાથી છેતરપિંડીના જોખમો નહિવત બનશે. આમ યુપીઆઈએ માત્ર પેમેન્ટ સિસ્ટમ નથી, પરંતુ તે દેશની પ્રગતિનું સાધન બની ગયું છે. તેણે શહેરી અને ગ્રામીણ ભારત વચ્ચેના અંતરને દૂર કર્યું છે. ‘સ્વદેશી’ હોવા છતાં આજે આ સિસ્ટમ વિશ્વનું નેતૃત્વ કરી રહી છે, જે ભારતની સમાવેશી નવીનતાની શક્તિનું પ્રતિક છે.

આ પણ વાંચોઃ ચૂંટણી લડવી કે મતદાન કરવું એ મૂળભૂત અધિકાર નથી: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Exit mobile version