Site icon Revoi.in

ગુજરાત ઉપર દુષ્કાળનું સંકટઃ વરસાદ ખેંચાતા મોટાભાગના જળાશયોના તળિયા દેખાયાં

Social Share

અમદાવાદઃ રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યાં છે. તેમજ ખેતરમાં ઉભા પાકને નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે. બીજી તરફ જળાશયોમાં પણ નવા પાણીની આવક ખુબ ઓછી થઈ હોવાથી આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. મોટાભાગના જળાશયોના તળિયા દેખાઈ રહ્યાં છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 24.38 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 43.74 ટકા, દક્ષિણ ગુજરાતના 113 જલાશયોમાં 57.82 ટકા, કચ્છના 20 જળાશયોમાં 22.69 ટકા અને સૌરાષ્ટ્રના 14 જળાશયોમાં 40.52 ટકા જેટલું જ પાણી બચ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં અત્યાર સુધી 36.30 ટકા વરસાદ થયો છે. જે ગત વર્ષની સરખામણીમાં 22 ટકા જેટલો ઓછો છે. રાજ્યના 15 જિલ્લામાં 50 ટકાથી પણ વધારે વરસાદની ઘટ છે. રાજ્યના બે તાલુકા લાખણી અને થરાદમાં બે ઇંચથી પણ ઓછો વરસાદ વરસ્યો છે. રાજ્યના 25 તાલુકામાં 5 ઇંચથી ઓછો વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. માત્ર 4 તાલુકામાં 40 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે, જેમાં નવસારીમાં ખેરગામ, વલસાડમાં ધરમપુર, કપરાડા અને વાપીનો સમાવેશ થાય છે.

વરસાદ ખેંચાતા જળાશયોમાં પણ નવા પાણીની આવક ઓછી થઈ છે. રાજ્યના 207 પૈકી 5 જળાશયો જ 100 ટકા ભરાયેલા છે. જ્યારે તમામ જળાશયોમાં સરેરાશ 47.54 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમાં 46.60 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેથી આગામી દિવસોમાં રાજ્યમાં પાણીની સમસ્યા સર્જાવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.