નવી દિલ્હીઃ ગુજરાત સહિત 12 રાજ્યોમાં હાલ એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. દરમિયાન બીએલઓના મોતની ઘટનાઓને લઈને સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. જો કે, સુપ્રીમ કોર્ટે બુથ સ્તર ઉપર કેટલાક અધિકારીઓના તણાવ અને કામને લઈને મોત અને કથિત આત્મહત્યા મામલે ચૂંટણીપંચને જવાબદાર ઠરાવવાનો ઈન્કાર કર્યો હતો. એટલું જ નહીં રાજ્ય સરકારોને સ્ટાફ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ જાહેર કર્યો છે.
ચીફ જસ્ટીસ સૂર્યકાંતની આગેવાની હેઠળની ખંડપીછએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, ચૂંટણી સંબંધિત કાર્યો માટે પુરતો સ્ટાફ સુનિશ્ચિત કરવાની પુરી જવાબદારી રાજ્ય સરકારોની છે. ચૂંટણી રોલ અને સંબંધિત કાર્યો માટે તૈનાતી એક કાનૂની પ્રક્રિયા છે અને રાજ્યોમાં ઉપસ્થિત કર્મચારીઓ ઉપર ભારણ ઓછુ કરવા માટે પ્રર્યાપ્ત જનશક્તિ પુરી પાડવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારનો નિર્દેશ કર્યો છે કે, રાજ્ય સરકારો ચૂંટણી પંચને વધારાનો સ્ટાફ પાડવો જોઈએ, જેથી હાલના કર્મચારીઓ ઉપર કામનું ભારણ ઘટે. રાજ્ય સરકાર પર્યાપ્ત કાર્યબળ પુરુ પાડવા માટે બંધાયેલુ છે. જો તમે દસ હજાર વ્યક્તિ આપતા હોય તો, ચૂંટણી પંચને 20000 કે 30000 વ્યક્તિ કરો. કોર્ટે તાકીદ કરી હતી કે, કોઈ અધિકારી પાસે રજા માંગવાનું યોગ્ય કારણ હોય તો, તેને લઈને સંબંધિત અધિકારીએ વિચાર કરવો જોઈએ. તેમજ જો કોઈ બીમાર છે તથા કોઈ ગંભીર સમસ્યા છે તો તેને રજા આપવી જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, 12 રાજ્યોમાં થઈ રહેલી એકઆઈઆરની કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં લગભગ 30 જેટલા બીએલઓના મોત થયા છે. પહેલાથી જ એસઆઈઆરની કામગીરીનો વિરોધ કરતા વિપક્ષ દ્વારા બીએલઓના મૃત્યુને લઈને ચૂંટણીપંચ અને કેન્દ્ર સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા. તેમજ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.

