નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2025: હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ બેફામ બન્યાં છે અને હિન્દુ સહિતના લઘુમતીઓ ઉપર સતત હુમલા થઈ રહ્યાં છે. બીજી તરફ બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધમાં પણ ખટાશ આવી છે. કૂટનીતિક તણાવ વચ્ચે ભારતે સુરક્ષાના કારણોસર બાંગ્લાદેશને નોન ફેમિલી શ્રેણીમાં સામેલ કર્યું છે, તેમજ વિવિધ મિશન ઉપર તૈનાત રાજદ્વારીઓના પરિવારના સભ્યોને પરત બોલાવી લીધા છે. બાંગ્લાદેશમાં આગામી મહિને ચૂંટણી યોજાવવાની છે જે દરમિયાન સંભવિત હિંસાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યાનું મનાઈ રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજદ્વારીઓના પરિવારના તમામ સભ્યો 15મી જાન્યુઆરી સુધીમાં પરત ભારત આવી ચુક્યાં છે. સામાન્ય ચૂંટણી બાદ ભારત બાંગ્લાદેશની પરિસ્થિતીની સમીક્ષા કરીને પોતાના નિર્ણય ઉપર ફરીથી વિચારણા કરશે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજદ્વારીઓના પરિવારજનોને સ્વદેશ પરત મોકલવાનો નિર્દેશ 1 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યો હતો. જે રાજદ્વારીઓના બાળકો ત્યાં સ્કૂલમાં અભ્યાસ નથી કરતા તેમને 15મી જાન્યુઆરી સુધી તથા અન્યને 8 જાન્યુઆરી સુધી પરત ફરવા સૂચના આપવામાં આવી હતી. બોંગ્લાદેશને નોન ફેમિલી શ્રેણીમાં અચાનક દાખલ કરવામાં નથી આવ્યું. શેખ હસીનાની સત્તાનું પતન થયા બાદ બંને દેશો વચ્ચે સંબંધ તંગ બન્યાં છે. ભારત પહેલાથી જ બાંગ્લાદેશ માટેના વિઝા બંધ કરી ચુક્યું છે. તેમજ હિન્દુઓની ત્યાં થઈ રહેલી હત્યાને પગલે તણાવ વધ્યો છે. એટલું જ નહીં હાદીની હત્યા મામલે પણ ભારત ઉપર આરોપ લગાવવામાં આવ્યાં હતા.

