Site icon Revoi.in

અમરનાથ યાત્રા પર આતંકી હુમલાની આશંકા: 50 હજાર જવાનો સાથેનો ફુલપ્રૂફ પ્લાન તૈયાર

Social Share

નવી દિલ્હી, 6 જૂન 2026: જમ્મુ-કાશ્મીરમાં આગામી ૩ જુલાઈથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વર્ષે યાત્રાને સંપૂર્ણપણે સુરક્ષિત અને નિર્વિઘ્ન બનાવવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક અભેદ્ય અને ‘ફુલપ્રૂફ’ સુરક્ષા પ્લાન તૈયાર કર્યો છે. ખુફિયા એજન્સીઓના ઇનપુટ્સ અનુસાર, કાશ્મીર ઘાટીમાં આશરે 50 જેટલા વિદેશી (પાકિસ્તાની) આતંકવાદીઓ અને ડઝનબંધ ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ સક્રિય છે, જેઓ યાત્રામાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરી શકે છે. આ સંભવિત ખતરાને પહોંચી વળવા માટે યાત્રા માર્ગ પર સેના અને CAPFના 50 હજારથી વધુ જવાનો તૈનાત કરવામાં આવશે.

અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થા અને અન્ય તૈયારીઓની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 8 જૂને એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. આ મહત્વપૂર્ણ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા, મુખ્ય સચિવ, ડીજીપી સહિત સેના, CRPF, BSF અને ખુફિયા એજન્સીઓના ટોચના અધિકારીઓ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પહેલગામમાં થયેલા હુમલા બાદ પણ ગૃહમંત્રી તાત્કાલિક જમ્મુ પહોંચ્યા હતા અને સુરક્ષા દળો સાથે બેઠક કરી હતી.

અહેવાલો મુજબ, પાકિસ્તાની આતંકી સંગઠનો જેવા કે ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ અને PAFF સ્થાનિક મદદગારોની સહાયથી હુમલો કરે તેવી શકયતા છે. આતંકવાદીઓના તમામ મનસૂબાઓને નાકામ કરવા માટે સુરક્ષા એજન્સીઓએ મજબૂત વ્યૂહરચના બનાવી છે. યાત્રીકોના કેમ્પની આસપાસ ત્રિસ્તરીય સુરક્ષા ઘેરાવ તૈયાર કરાશે. સરહદ પારથી આવતા શંકાસ્પદ ડ્રોનને તોડી પાડવા માટે કેન્દ્રીય દળોના ખાસ શૂટર્સ તૈનાત રહેશે. કાચી સામગ્રી અને રશદના સ્થળો પર સ્કેનરથી નજર રખાશે. હાઈ-અલર્ટ જાહેર કરાયેલા રસ્તાઓ પર સામાન્ય ટ્રાફિક રોકીને હેલિકોપ્ટર દ્વારા આકાશમાંથી દેખરેખ રાખવામાં આવશે. રોડ ઓપનિંગ પાર્ટી (ROP) ઉપરાંત દર 1000 મીટરના અંતરે સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે. ઘૂસણખોરી રોકવા માટે ‘કોમ્પ્રિહેન્સિવ ઈન્ટીગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ’ (CIBMS) ના ભાગરૂપે OFC કેબલ્સ, DMR કમ્યુનિકેશન અને ડે-નાઈટ હાઈ-રિઝોલ્યુશન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે.

અમરનાથ યાત્રાના મુખ્ય બે રૂટ – પહેલગામ અને બાલટાલથી જવાહર ટનલ સુધીના આશરે 200 કિલોમીટર લાંબા માર્ગને સુરક્ષિત કરવાની વિશેષ જવાબદારી કેન્દ્રીય દળોના સ્નિફર ડોગ્સને સોંપવામાં આવી છે. આ ખાસ તાલીમ પામેલા શ્વાન પ્લાસ્ટિક બેગ કે ટિફિન બોક્સમાં છુપાવેલા વિસ્ફોટકો તેમજ જમીનમાં 4 ફૂટ નીચે દટાયેલી આઈઈડી સામગ્રીને પણ સુંઘીને શોધી કાઢવામાં સક્ષમ છે. આ શ્વાનની સુંઘવાની ક્ષમતા 4 કિલોમીટર સુધીની હોય છે. એક શ્વાન 4-5 કિલોમીટરનો રૂટ ક્લિયર કરે તે પછી તેને વાહનમાં આરામ આપી, બીજા ટ્રેન્ડ શ્વાનને ડ્યુટી પર ઉતારવામાં આવે છે. જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય, તો આ શ્વાન તુરંત જ સુરક્ષા દળોને એલર્ટ કરી દે છે.

Exit mobile version