Site icon Revoi.in

ઉનાળાની કાળઝાળ ગરમીમાં વાળને ડેમેજ થતા બચાવવા અપનાવો આ સરળ ટિપ્સ

Social Share

ઉનાળો શરૂ થતાની સાથે જ લોકોના ખાનપાન અને પહેરવેશમાં મોટો ફેરફાર જોવા મળે છે. ત્વચાને સૂર્યના તાપથી બચાવવા માટે આપણે સનસ્ક્રીન કે અન્ય ઘરેલું ઉપાયો તો કરીએ છીએ, પરંતુ મોટાભાગે આપણે વાળની સંભાળ લેવાનું ભૂલી જઈએ છીએ. પરિણામે, તેજ ગરમી અને સૂર્યના યુવી કિરણોને કારણે વાળ શુષ્ક, બેજાન અને નબળા પડી જાય છે. ગરમીમાં વાળ ખરવા અને ‘સ્પ્લિટ એન્ડ્સ’ (બે મોંઢાવાળા વાળ) ની સમસ્યા સામાન્ય બને છે. જો તમે પણ ઉનાળામાં વાળની સુંદરતા જાળવી રાખવા માંગતા હોવ, તો આ સરળ હેર કેર રૂટિન ચોક્કસ અનુસરો.

વાળને સીધા તડકાથી બચાવો

વાળને ડેમેજ થતા બચાવવાનો સૌથી સરળ રસ્તો એ છે કે તેને સીધા તડકાના સંપર્કમાં આવવા ન દો. જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે માથા પર સ્કાર્ફ બાંધો અથવા હેટ કે કેપનો ઉપયોગ કરો. જો શક્ય હોય તો છત્રીનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે, જે તમારા વાળની સાથે ત્વચાને પણ ટેનિંગથી બચાવશે.

પ્રોટેક્ટિવ લેયર તૈયાર કરો

તડકાથી રક્ષણ મેળવવા માટે વાળ પર એક સુરક્ષા કવચ હોવું જરૂરી છે. આમ તો નારિયેળ તેલ કે બદામ તેલ ફાયદાકારક છે, પરંતુ તેનાથી વાળ ચીકણા દેખાય છે. તેના બદલે, એસપીએફ યુક્ત હેર સીરમ અથવા હેર સ્પ્રેનો ઉપયોગ કરી શકાય છે, જે વાળને હવામાં રહેલા ભેજ અને તાપથી સુરક્ષિત રાખશે.

ડીપ કન્ડીશનીંગ પર આપો ભાર

ગરમીમાં વાળમાં ડ્રાયનેસ ન આવે તે માટે દર 15 થી 20 દિવસે ઘરે જ ‘હેર સ્પા’ કરી શકાય છે. સ્પા ક્રીમ લગાવીને વાળને થોડીવાર સુકાવા દો. ત્યારબાદ ગરમ પાણીમાં ટુવાલ ડુબાડી, તેને નીચોવીને બે-ત્રણ વાર માથા પર લપેટો. આનાથી મળતી ‘સ્ટીમ’ (વરાળ) થી વાળના મૂળ મજબૂત થશે અને તે મુલાયમ બનશે.

હીટિંગ ટૂલ્સનો ઉપયોગ ટાળો

ઉનાળામાં વાતાવરણમાં પહેલેથી જ તાપમાન અને ભેજ વધુ હોય છે. આવી સ્થિતિમાં બ્લો ડ્રાયર, સ્ટ્રેટનર કે કર્લિંગ મશીન જેવા હીટિંગ ટૂલ્સનો ઉપયોગ વાળને વધુ નુકસાન પહોંચાડે છે. વાળને કુદરતી રીતે જ સુકાવા દેવા હિતાવહ છે.

અઠવાડિયે એકવાર તેલ નાખવુ છે જરૂરી

ગરમીના ડરથી ઘણા લોકો તેલ નાખવાનું બંધ કરી દે છે, પરંતુ વાળને પોષણ માટે તેલ ખૂબ જરૂરી છે. અઠવાડિયામાં એકવાર શેમ્પૂ કરતા એક-બે કલાક પહેલા વાળમાં તેલ લગાવી હળવા હાથે મસાજ કરો. આનાથી વાળમાં ભેજ જળવાઈ રહેશે અને તે સ્વસ્થ રહેશે.

માત્ર થોડી સાવધાની અને નિયમિત સંભાળ રાખવાથી તમે ઉનાળામાં પણ તમારા વાળની ચમક જાળવી રાખી શકો છો. યાદ રાખો, ત્વચાની જેમ વાળને પણ ગરમીમાં ‘સન પ્રોટેક્શન’ની જરૂર હોય છે.

આ પણ વાંચોઃ મુખ્યમંત્રી યુવા ઉદ્યોગ વિકાસ અભિયાન હેઠળ, યુવાનોને વ્યવસાય શરૂ કરવા માટે 5 લાખની લોન મળશે

Exit mobile version