અમદાવાદ, 4 મે 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો-12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડ દ્વારા ધો-12 સાયન્સનું 84.33 અને ધો-12 સામાન્ય પ્રવાહનું 92.71 ટકા જેટલુ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે.
બોર્ડ દ્વારા આજે ધો-12 વિજ્ઞાનપ્રવાહનું 84.33 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધો-12 સાયન્સમાં નોંધાયેલા 1,18,973 પરીક્ષાર્થીઓ પૈકી 1,18,256 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યમાં સૌથી વધારે મોરબી જિલ્લાનું 94.85 ટકા અને સૌથી ઓછુ દાહોદ જિલ્લાનું 57.44 ટકા પરિણામ જાહેર થયું છે. રાજ્યની 209 જેટલી શાળાઓનું 100 ટકા પરિણામ જાહેર થયું છે. અંગ્રેજી માધ્યમનું 85.11 ટકા અને ગુજરાતી માધ્યમનું 84.32 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિજ્ઞાનપ્રવાહમાં એ ગ્રુપનું 90.79 ટકા, બી ગ્રુપનું 79.87 અને એબી ગ્રુપનું 69.44 ટકા પરિણામ જાહેર થયું છે. જ્યારે ગેરરીતીના 15 કેસ સામે આવ્યાં હતા. ધો-12 વિજ્ઞાનપ્રવાહમાં એક-1 ગ્રેટ સાથે 1578 અને એ-2 ગ્રેડ સાથે 11756 વિદ્યાર્થીઓ પાસ થયાં છે.
ધો-12 સામાન્ય પ્રવાહમાં 4,36,572 નોંધાયેલા ઉમેદવારો પૈકી 4,03,362 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયાં છે. આમ નિયમિત ઉમેદવારોનુ પરિણામ 92.71 ટકા જેટલુ આવ્યું છે. જ્યારે ધો-12 સામાન્ય પ્રવાહની ફરીથી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પૈકી 63.02 ટકા વિદ્યાર્થીઓ પાસ થયાં છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સામાન્ય પ્રવાહનું પરિણામ ઓછુ આવ્યું છે. ડાંગ જિલ્લાનું સૌથી વધારે 97.88 ટકા જ્યારે અમદાવાદ જિલ્લાનું સૌથી ઓછુ 87.10 ટકા પરિણામ જાહેર થયું છે. આ વખતે પણ સામાન્ય પ્રવાહમાં કુમાર કરતા કન્યાઓનું પરિણામ આવ્યું છે. ધો-12 સામાન્ય પ્રવાહમાં 90.10 ટકા વિદ્યાર્થીઓ જ્યારે 95.41 ટકા વિદ્યાર્થિનીઓ ઉત્તીર્ણ થઈ છે.

