Site icon Revoi.in

દિલ્હીમાં 26મી જાન્યુઆરીએ યોજાનારી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો આકર્ષણ જમાવશે

Social Share

અમદાવાદઃ સમગ્ર દેશમાં હાલ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાનારી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત સહિત અનેક રાજ્યોના ટેબ્લો જોવા મળશે. ગુજરાતનો ટેબ્લો દિલ્હીમાં યોજાનારા રાષ્ટ્રીય પરેડમાં આકર્ષણ જમાવશે. માધ્યમથી આઝાદીના સંગ્રામમાં ગુજરાતના આદિવાસીઓના યોગદાનને ઉજાગર કરશે. ગુજરાતના આકર્ષક ટેબ્લોમાં મોતીલાલ તેજાવત સહિત 12 સ્ટેચ્યુ, 5 મ્યુરલ,પોશીનાના ઘોડા અને કલાકારોનો જીવંત અભિનય તથા પોશીનાના લોક કલાકારોનું ગેર નૃત્ય અને લોકબોલીનું ગાયન આકર્ષણમાં ઉમેરો કરશે.

ભારત રાષ્ટ્ર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગુજરાત આ વર્ષે 26 મી જાન્યુઆરીએ નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ટેબ્લોના માધ્યમથી આઝાદીના સંગ્રામમાં ગુજરાતના આદિવાસીઓના યોગદાનને ઉજાગર કરશે. ‘ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરો’ વિષયક ટેબ્લોમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પાલ અને દઢવાવ ગામમાં અંગ્રેજોએ જલિયાંવાલા બાગ કરતાં પણ વધુ ભીષણ હત્યાકાંડ સર્જ્યો હતો, જેમાં 1200 જેટલા આદિવાસીઓ શહીદ થયા હતા. અત્યાર સુધી અજાણી રહેલી આ ઐતિહાસિક ઘટનાને 100 વર્ષ થઇ રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર ટેબ્લોના માધ્યમથી ગુજરાતના આદિવાસીઓની શૌર્યગાથાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 26મી જાન્યુઆરીના રોજ યોજનારી રાષ્ટ્રીય પરેડમાં 12 રાજ્યોની ઝાંખીને મંજુરી આપવામાં આવી છે. જ્યારે પશ્ચિમ બંગાળની ઝાંખી મંજુર નહીં કરતા મમતા બેનર્જીએ નારાજગી વ્યક્ત કરીને કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો.