ગાંધીનગર, 10 ફેબ્રુઆરી, 2026 – GUJCOST announces results ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા આજે નેશનલ STEM ક્વિઝ 4.0ના ઝોનલ રાઉન્ડના પરિણામોની જાહેરાત કરવામાં આવી છે. કુલ 1078 વિદ્યાર્થીઓ નેશનલ STEM ક્વિઝ 4.0ના ગ્રાન્ડ ફિનાલે માટે પસંદ થયા છે, જે 18–19 માર્ચ 2026 દરમિયાન ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે યોજાવાની છે.
યુવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા માટે નેશનલ STEM ક્વિઝ 4.0 એ ક્વિઝ આધારિત રસપ્રદ શૈક્ષણિક અભિગમ અપનાવે છે, જે વૈજ્ઞાનિક જિજ્ઞાસાને પ્રોત્સાહન આપે છે, વિશ્લેષણાત્મક વિચારશક્તિને પ્રોત્સાહન આપે છે અને સમસ્યા નિવારણ ક્ષમતાને મજબૂત બનાવે છે, જેથી વિદ્યાર્થીઓ ભવિષ્યના વિજ્ઞાન, ટેકનોલોજી, ઇજનેરી અને ગણિત (STEM) ક્ષેત્રના નવોત્તર સર્જકો બની શકે.
આ પણ વાંચોઃ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો દ્વિ દશાબ્દી મહોત્સવ 11થી 13 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે
GUJCOST તમામ પસંદ થયેલા વિદ્યાર્થીઓને ગ્રાન્ડ ફિનાલે માટે અભિનંદન પાઠવે છે અને તેમને સક્રિય રીતે ભાગ લેવા માટે પ્રેરણા આપી રૂ. 1.5 લાખ સુધીની STEM મેરીટ સ્કોલરશિપ તથા આકર્ષક ઇનામો જીતવાની તકનો લાભ લેવા આમંત્રણ આપે છે. નેશનલ STEM ક્વિઝનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વૃત્તિ, વિશ્લેષણાત્મક વિચારશક્તિ અને નવીનતાનો વિકાસ કરી રાજ્યમાં STEM ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે.
ઝોનલ રાઉન્ડમાં જુનિયર અને સિનિયર બંને કેટેગરીમાં દરેક તાલુકાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને નેશનલ ગ્રાન્ડ ફિનાલે માટે પસંદ કરવામાં આવ્યા છે. સિનિયર કેટેગરી માટે ગ્રાન્ડ ફિનાલે 18 માર્ચ 2026ના રોજ અને જુનિયર કેટેગરી માટે 19 માર્ચ 2026ના રોજ યોજાશે.
આ વર્ષે દેશભરના વિવિધ બોર્ડ અને રાજ્યોમાંથી કુલ 15,01,249 વિદ્યાર્થીઓની નોંધણી સાથે નેશનલ STEM ક્વિઝ 4.0 ભારતની સૌથી મોટી STEM ક્વિઝ તરીકે નવી સિદ્ધિ સ્થાપિત કરે છે. તમામ નોંધાયેલા વિદ્યાર્થીઓ માટે 29–31 ડિસેમ્બર 2025 દરમિયાન મૉક ટેસ્ટ યોજાઈ હતી. નેશનલ STEM ક્વિઝની ગ્રાન્ડ પ્રિલિમ્સ 16–26 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાઈ હતી. ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે 29–31 જાન્યુઆરી 2026 દરમિયાન રાજ્યના છ જુદા-જુદા ઝોનમાં ઝોનલ રાઉન્ડ યોજાયા હતા, જેમાં રાજ્યનાં તમામ તાલુકાઓમાંથી વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પણ વાંચોઃ સોશિયલ મીડિયા પર AI ફોટો-વીડિયો પર વોટરમાર્ક ફરજિયાત, જાણો નવા નિયમો
નેશનલ ગ્રાન્ડ ફિનાલે માટે પસંદ થયેલા વિદ્યાર્થીઓની યાદી GUJCOST દ્વારા આજે જાહેર કરવામાં આવી છે અને તે GUJCOSTની વેબસાઇટ તથા નેશનલ STEM ક્વિઝ 4.0ના વેબ પોર્ટલ પર ઉપલબ્ધ છે. દેશભરમાંથી કુલ 1,078 વિદ્યાર્થીઓ ગ્રાન્ડ ફિનાલે માટે પસંદ થયા છે, જેમાં 445 છોકરીઓ અને 633 છોકરાઓનો સમાવેશ થાય છે.
વિજેતા વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રીમીયર STEM ઈન્સ્ટિટ્યુશનની મુલાકાતો યોજવા GUJCOSTએ સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC-ISRO); ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC), મુંબઈ; ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO); નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર; ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઑફ એક્સેલન્સ (iACE), ગાંધીનગર અને ગુજરાત સાયન્સ સિટી જેવા અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓ સાથે જોડાણ કરવામાં આવ્યુ છે. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કાર્યક્રમ માટે DD ગિરનાર મીડિયા પાર્ટનર તરીકે અને ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL) ટેકનોલોજી પાર્ટનર તરીકે જોડાયેલા છે.
નેશનલ STEM ક્વિઝ 4.0 ગુજરાતની STI (સાયન્સ, ટૅક્નોલોજી, ઍન્ડ ઈનોવેશન)ની નીતિ અનુસાર રચાયેલી છે, જે નવી પેઢીના વિદ્યાર્થીઓને જાગૃત, વૈજ્ઞાનિક રીતે સજાગ અને ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે જરૂરી સમસ્યા નિવારણ ક્ષમતાઓથી સજ્જ બનાવવાનો પરિવર્તનાત્મક અનુભવ પ્રદાન કરે છે. આ ક્વિઝ દેશભરના શૈક્ષણિક સંસ્થાઓનું વિશાળ ધ્યાન આકર્ષે તેવી ક્વિઝ છે, અને તેનો વ્યાપ તથા પ્રભાવ ખૂબ જ વિસ્તૃત છે.

