- જ્ઞાન મંદિર અને પાઠદાન પ્રવૃત્તિ માત્ર શિક્ષણ નહીં પરંતુ કેળવણીનો યજ્ઞ છે
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છત્રછાયા હેઠળ ચાલતી આ બધી પ્રવૃત્તિ દ્વારા બાળકો અને કિશોરીઓ-યુવતીઓને તાલીમ આપીને સ્વનિર્ભર થવામાં મદદ કરવામાં આવે છે
[અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 18 જૂન, 2026 – દરેક બાળકને શિક્ષણ મળવું જોઈએ એવું આપણે દરેક વિદ્વાનને, નેતાઓને કહેતા સાંભળ્યા છે. પ્રેરણાદાયી (ઈન્સ્પિરેશનલ) પ્રવચનો આપનારા પણ વારંવાર આવું જ કહેતા સાંભળવા મળે છે. હવે તો પાછા એમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પણ ઉમેરાયા છે અને તેઓ પણ ક્યારેક ક્યારેક વંચિતોમાં શિક્ષણનો અભાવ હોવાની વાતો કરીને “ઈમોશનલ લાઈક્સ” મેળવી લે છે. પરંતુ આવી વાતો કરનારા ભાગ્યે જ પોતે આ દિશામાં કામ કરતા હોય છે.
ખેર, આજે એક એવા મુદ્દા વિશે વાત કરવાની છે જેમાં કોઈ નકારાત્મકતાને સ્થાન નથી. વાત એવા મહાનુભાવોની કરવાની છે જેમણે રાષ્ટ્રનિર્માણને તેમના જીવનનું ધ્યેય બનાવી દીધું છે. પોતે પડદા પાછળ રહીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિશાળ છત્રછાયામાં પોતાના ભાગે આવેલા દાયિત્વનું વહન કરનાર મહાનુભાવ જ કહેવાય.
શું છે જ્ઞાન મંદિર અને પાઠદાન?
અમદાવાદ શહેરમાં પૂર્વમાં અને પશ્ચિમમાં છેલ્લા થોડાં વર્ષથી શરૂ થયેલી જ્ઞાન મંદિર અને પાઠદાન પ્રવૃત્તિ માત્ર શિક્ષણ નહીં પરંતુ કેળવણીનો યજ્ઞ છે. એવી કેળવણી જે રાષ્ટ્ર નિર્માણ માટેનો મજબૂત પાયો નાખી શકે.
શહેરની પૂર્વમાં પાઠદાન તરીકે અને પશ્ચિમમાં જ્ઞાન મંદિર તરીકે ઓળખાતી આ પ્રવૃત્તિ મુખ્યત્વે અભાવમાં રહેતા પરિવારોનાં વંચિત બાળકોને જો તેમને તેમના શાળાકીય શિક્ષણમાં મદદની જરૂર હોય તો એ પૂરી પાડવામાં આવે છે. અને જે બાળકો શાળામાં જતાં જ નથી, અથવા ડ્રોપઆઉટ થઈ ગયાં છે તેમને ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિના વિવિધ પાઠ દ્વારા કેળવવામાં આવે છે જેથી આગળ જતાં તેઓ પગભર થઈ શકે.
ક્યાં અને કેવી પ્રવૃત્તિઓ થાય છે?
આ વર્ગ માટે મોટેભાગે જાહેર જગ્યાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે મંદિરનું ચોગાન અથવા કોઈ મકાનના પ્રાંગણમાં અથવા એપાર્ટમેન્ટના ભોંયતળિયામાં સાંજના સમયે બાળકોને એકત્રિત કરવામાં આવે છે. આવા વર્ગોનો સમય બે કલાકનો હોય છે. જે દરમિયાન પહેલી 40 મિનિટ સંઘનાં ગીતો, રાષ્ટ્રભક્તિનાં ગીતો ગવડાવવામાં આવે છે.
બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટેની આ પ્રવૃત્તિમાં રોકાયેલા કર્મઠ સ્વયંસેવકોએ જે સર્વગ્રાહી અભ્યાસક્રમ તૈયાર કર્યો છે તેમાં – ગીતો, બોધવાર્તાઓ, ઉપયોગી માહિતી, સમાજ વિજ્ઞાન, ગણિતના કોયડા, ભારત વિશે સામાન્ય જ્ઞાન, ખોરાક વિશે સામાન્ય સમજ, અધ્યાત્મ વિજ્ઞાન, સંતો-મહંતો તેમજ ક્રાંતિકારીઓ વિશે માહિતી વગેરેનો સમાવેશ થાય છે.
રાષ્ટ્ર નિર્માણના યજ્ઞમાં કાર્યરત ટીમ શું કહે છે?
રાષ્ટ્ર નિર્માણની આ કામગીરી સાથે સંકળાયેલા જગદીશભાઈ (પ્રાંત સેવા પ્રમુખ), ચંદ્રકાન્તભાઈ પટેલ, જયશ્રીબેન પંચાલ (કર્ણાવતી પશ્ચિમ) તથા હસમુખભાઈ પટેલ (પૂર્વ કર્ણાવતી) એ સર્વે જણાવે છે કે, દરરોજ વિવિધ કેન્દ્રોમાં 2000 કરતાં વધુ બાળકો આવે છે જેમને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સજ્જ કરવામાં આવે છે.
આ કામગીરી માટે ભંડોળ અને ચીજવસ્તુઓ અંગેના રિવોઈના પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે, કોઈના દ્વારા જગ્યાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે તો કોઈ નોટબુક્સ અને પાઠ્યપુસ્તકોની વ્યવસ્થા કરી આપે છે.
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદનાં વિવિધ કેન્દ્રોમાં જે મહિલાઓ ભણાવવા આવે છે તેમની પસંદગી મોટેભાગે જે તે વિસ્તારની, જે તે વસ્તીમાંથી જ કરવામાં આવે છે. તેનું કારણ એ છે કે, પરિચિત વ્યક્તિ હોય તો માતા-પિતા તેમનાં બાળકોને મોકલવા તૈયાર થતાં હોય છે.
“અમે આ મહિલાઓને 3000થી 4000 સુધીનું માનધન પણ આપીએ છીએ, જેથી એ મહિલાઓને પણ રોજગારી મળી રહે અને તેઓ પૂરી જવાબદારીથી તેમની ફરજ નિભાવે” તેમ જણાવી હસમુખભાઈ પટેલે ઉમેર્યું કે, આ સમગ્ર પ્રવૃત્તિ પાછળ મહિને ઘણો મોટો ખર્ચ થાય છે અને તેથી સમાજના સંપન્ન લોકોએ આગળ આવીને મદદ કરવી જોઈએ.
જ્ઞાન મંદિર તેમજ પાઠદાન જેવી પ્રવૃત્તિઓની દેખરેખ રાખતા શ્રી જગદીશભાઈએ રિવોઈને માહિતી આપી કે, આવી કામગીરી સમગ્ર ગુજરાતમાં થાય છે. દરેક જગ્યાએ નામ અલગ અલગ હોઈ શકે પરંતુ બાળકોને તાલીમ અને માર્ગદર્શનનો પ્રકાર લગભગ સમાન હોય છે. તેઓ ઉમેરે છે કે, આ વર્ષે આ સમગ્ર પ્રકલ્પમાં 4000 વિદ્યાર્થી જોડાવાની ધારણા છે.
વિદ્યાદાનની આ પ્રવૃત્તિ હેઠળ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે પણ વિશેષ શૈક્ષણિક વર્ગો લેવાતા હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે રિવોઈને જણાવ્યું કે, આમ તો આ પ્રવૃત્તિ 1991થી જ શરૂ થઈ ગઈ હતી, પરંતુ ત્યારે સંખ્યા અને કામગીરી આટલી નહોતી. ત્યારબાદ કોરોનાને કારણે બધું અટકી ગયું હતું. જોકે, 2022થી માળખું યોગ્ય રીતે તૈયાર કરી દેવામાં આવ્યું છે તેથી પ્રવૃત્તિ ખૂબ સરસ રીતે ચાલે છે.
કિશોરી વિકાસ પ્રકલ્પ
અહીં માત્ર બાળકો ઉપર જ ધ્યાન આપવામાં આવે છે એવું નથી. પરંતુ 12થી 18 વર્ષની દીકરીઓ માટે કિશોરી વિકાસ પ્રકલ્પ નામે સ્વાવલંબન કેન્દ્રો પણ ચાલે છે. આ પ્રકલ્પમાં અઠવાડિયામાં એક દિવસ દીકરીઓને તેમનાં શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વાવલંબન તથા સામાજિક જવાબદારીઓ વિશે માર્ગદર્શન અને મદદ કરવામાં આવે છે. હાલ આવાં 18 કેન્દ્ર ચાલે છે જેમાં કુલ 300 જેટલી દીકરીઓ માર્ગદર્શન અને તાલીમ મેળવી રહી છે.

