Site icon Revoi.in

પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હમાસના આતંકીઓ સક્રિય, ઇઝરાયેલની ભારતને ચેતવણી

Social Share

નવી દિલ્હી, 17 જૂન 2026: આતંકી સંગઠન હમાસને લઈને ઇઝરાયેલે ભારતને એક બહુ મોટી અને ચોંકાવનારી ચેતવણી આપી છે. ભારતમાં ઇઝરાયેલના રાજદૂત રૂવેન અઝારે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે કે, હમાસના આતંકવાદીઓ ભારતના પાડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં સક્રિય છે અને પોતાની પ્રવૃત્તિઓને અંજામ આપવામાં વ્યસ્ત છે. ઇઝરાયેલે ભારતને ખાસ કરીને એ બાબતે ચેતવણી આપી છે કે, હમાસના આતંકીઓ 7 ઓક્ટોબર, 2023ના રોજ ઇઝરાયેલ પર થયેલા ભીષણ આતંકી હુમલાથી ભારે પ્રેરિત છે. આ સ્થિતિમાં ભારતે વધુ સતર્ક અને સાવધ રહેવાની જરૂર છે. ઇઝરાયેલી રાજદૂતે જણાવ્યું હતું કે, “હા, અમે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હમાસની હિલચાલ પર સતત નજર રાખી રહ્યા છીએ. ઓપન સોર્સિસ દ્વારા તેમની મુસાફરીઓ ટ્રેક થઈ રહી છે.”

તેમણે ઉમેર્યું કે, “શક્ય છે કે તેઓ એવી કેટલીક પ્રવૃત્તિઓમાં પણ સામેલ હોઈ શકે જેના વિશે આપણને હજુ ખબર નથી. મારી નજરમાં 7 ઓક્ટોબરની ઘટના આ આતંકી સંગઠનો માટે એક પ્રેરણા સમાન છે. તેમને લાગે છે કે જે ક્રૂરતા તેમણે 7 ઓક્ટોબરે આચરી, તે દુનિયાના અન્ય ભાગોમાં પણ દોહરાવી શકે છે.” રાજદૂત રૂવેન અઝારનો આ ખુલાસો ભારત માટે કાન ઉભા કરી દેનારો છે. ભારત માટે આ પડકાર એટલા માટે મોટો છે કારણ કે હાલમાં પાકિસ્તાનની સરકાર સંપૂર્ણપણે ત્યાંની ફોજ અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીરના નિયંત્રણ હેઠળ છે. કટ્ટરપંથી અસીમ મુનીરની આતંકવાદ તરફી નીતિનું પરિણામ ભારત અગાઉ પણ ભોગવી ચૂક્યું છે. બીજી તરફ, બાંગ્લાદેશમાં પણ છેલ્લા 2 વર્ષમાં ભારે રાજકીય ઉથલપાથલ થઈ છે અને ત્યાં ભારત-વિરોધી તેમજ કટ્ટરપંથી તાકાતોનું વર્ચસ્વ વધ્યું છે, જે ભારતની સુરક્ષા માટે ચિંતાનો વિષય છે.

પેલેસ્ટાઈની આતંકી સંગઠન હમાસે 7 ઓક્ટોબર, 2023ના રોજ ઇઝરાયેલ પર જમીન, સમુદ્ર અને આકાશ એમ ત્રણેય તરફથી એકસાથે અત્યાર સુધીનો સૌથી ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં આશરે 1,200 જેટલા નિર્દોષ નાગરિકોની નિર્મમ હત્યા કરાઈ હતી અને 250થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. હમાસ એટલે ‘હરકત અલ-મુકાવામા અલ-ઇસ્લામિયા’. તેની સ્થાપના 1987માં મુસ્લિમ બ્રધરહુડની વિચારધારા હેઠળ થઈ હતી. આ સંગઠનનો મૂળ હેતુ ઇઝરાયેલનો નાશ કરી તેને દુનિયાના નકશામાંથી ભૂંસી નાખવાનો છે. અમેરિકા, ઇઝરાયેલ, યુરોપિયન યુનિયન, જાપાન સહિત દુનિયાના સંખ્યાબંધ દેશોએ હમાસને સત્તાવાર રીતે આતંકવાદી સંગઠન જાહેર કરેલું છે.

(PHOTO-FILE)

Exit mobile version