Site icon Revoi.in

હિમાચલપ્રદેશ ચૂંટણીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચારના મામલે કોંગ્રેસ ઉપર કર્યાં આકરા પ્રહાર

Social Share

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર તેજ બન્યો છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોલનમાં જાહેર સભા યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ ભ્રષ્ટાચારના મામલે કોંગ્રેસને ઘેરી હતી. તેમજ હિમાચલમાં ફરીથી ભાજપની સરકાર બનવાના પીએમ મોદીએ દાવો કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુંદરનગરમાં પણ જાહેર સભાને સંબોધી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વખતની હિમાચલની ચૂંટણી ખૂબ જ ખાસ છે. આ વખતે 12 નવેમ્બરે યોજાનાર એક-એક વોટ હિમાચલની આગામી 25 વર્ષની વિકાસ યાત્રા નક્કી કરશે. અમૃતકાળના આ વર્ષોમાં હિમાચલમાં ઝડપી વિકાસ જરૂરી છે, સ્થિર સરકાર જરૂરી છે. મને ખુશી છે કે હિમાચલના લોકો, અહીંના યુવાનો, અહીંની માતાઓ અને બહેનો આને સારી રીતે સમજી રહ્યા છે. હિમાચલના લોકો ભાજપ સરકારની મજબૂત પુનરાગમન કરવા માટે મક્કમ છે. સૈનિકોની આ ભૂમિ, આ બહાદુર માતાઓની ભૂમિ, જ્યારે કોઈ સંકલ્પ લે છે, ત્યારે તે સાબિત કરીને જ બતાવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ખોટા વાયદા કરવા, ખોટી ગેરંટી આપવી એ કોંગ્રેસની જૂની યુક્તિ છે. આખો દેશ સાક્ષી રહ્યો છે કે કોંગ્રેસ ખેડૂતોને લોન માફીના નામે કેવું જુઠ્ઠું બોલે છે. દિલ્હી અને હિમાચલમાં જ્યારે ભાજપની સરકાર હતી ત્યારે કામ ઝડપથી ચાલતું હતું. પરંતુ કોંગ્રેસીઓ પાછા આવી જતાં તમામ કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આઝાદી બાદ દેશનું પહેલું કૌભાંડ કોંગ્રેસ દ્વારા જ સંરક્ષણ ક્ષેત્રમાં કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને જ્યાં સુધી કોંગ્રેસની સરકાર રહી ત્યાં સુધી તેમણે સંરક્ષણ સોદામાં ઘણી દલાલી ખાધી. કોંગ્રેસે દલાલી લઈને અનેક માતા-બહેનો સાથે રમત રમી છે. કોંગ્રેસ ક્યારેય ઇચ્છતી ન હતી કે દેશ સંરક્ષણ સાધનોની બાબતમાં આત્મનિર્ભર બને. કોંગ્રેસ 40 વર્ષથી દેશના સૈનિકોને વન રેન્ક વન પેન્શનનું વચન આપી રહી છે.