નવી દિલ્હીઃ પાકિસ્તાનને વર્ષોથી આતંકવાદ ઉપર કાબુ મેળવવાનું કહેનાર ભારતે હવે પાકિસ્તાનને મદદ માટે તૈયારીઓ દર્શાવી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, જો પાકિસ્તાન આતંકવાદને રોકી ના શકતું હોય તો ભારત મદદ કરવા તૈયાર છે. તાજેતરમાં જ રાજનાશ સિંહે કહ્યું હતું કે, જો ભારતમાં કોઈ શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે તો તેને ઘરમાં ઘુસીને ભારત મારશે.
એક ઈન્ટરવ્યુમાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, જો પાકિસ્તાનને લાગે છે કે તે આતંકવાદને કાબુમાં લેવામાં અસમર્થ છે અને કાબુ મેળવી શકતું નથી તો પડોશી દેશ ભારત પાસેથી સહયોગ મેળવવા માંગે છે તો ભારત મદદ કરવા માટે તૈયાર છે. આતંકવાદની મદદથી તે ભારતમાં અસ્થિરતાની કોશિશ કરશે તો તેની કિંમત ચુકવવી પડશે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દુનિયામાં ભારતનું કદ વધ્યું છે. સહારનપુરમાં ભાજપના ઉમેદવારના પ્રચાર દરમિયાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, પહેલા જ્યારે આંતરરાષ્ટ્રીય મંચો ઉપર ભારત બોલતુ હતું ત્યારે કોઈ તેને ગંભીરતાથી લેતુ ન હતું. પરંતુ આજે દુનિયાન ભારતની વાત કાન ખોલીને સાંભળે છે. તેનો અર્થ એવો થાય છે કે, સમગ્ર દુનિયામાં ભારતનું કદ વધ્યું છે.
રક્ષા મંત્રી તરીકે દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું કે, ભારતનું માથુ ક્યારે જ નમવા નહીં દહીએ, હવે ભારત વધારે તાકાતવાર બન્યું છે. કેટલાક વર્ષો પહેલા એવી ધારણા હતી કે, નેતાઓ વોટ લેવા માટે ખોટુ બોલે છે. પરંતુ ભાજપાએ આ ધારણાને બદલી નાખી છે. તેમજ રાજનીતિ કેવી રીતે થાય છે તે દેશવાસીઓને બતાવ્યું છે. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. મોટાભાગના રાજકીય પક્ષો ઘોષણાપત્રોમાં મોટા મોટા વાયદા કરે છે પરંતુ સત્તામાં આવ્યા બાદ તેને ભૂલી જાય છે.