Site icon Revoi.in

ગુજરાતીની ઉપયોગિતા ઊભી કરવામાં આવે તો માતૃભાષાની ચિંતામાંથી મુક્ત થઈ શકાય: પદ્મશ્રી રતિલાલ બોરીસાગર

Padma Shri Ratilal Borisagar. exclusive interview and picture by Alkesh Patel for REVOI

Padma Shri Ratilal Borisagar. exclusive interview and picture by Alkesh Patel for REVOI

Social Share

[અલકેશ પટેલ] અમદાવાદ, 8 એપ્રિલ, 2026 – ગુજરાતીની ઉપયોગિતા ઊભી કરવામાં આવે તો માતૃભાષા વિશે ચિંતાનું જે વાતાવરણ છે તેમાંથી મુક્ત થઈ શકાશે તેમ સુપ્રસિદ્ધ હાસ્ય લેખક – સાહિત્યકાર અને ભાષા નિષ્ણાત શ્રી રતિલાલ બોરીસાગરનું કહેવું છે.

આ વર્ષના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત આ ટોચના હાસ્ય લેખક સાથે “રિવોઈ સમાચાર” પોર્ટલની ખાસ વાતચીત દરમિયાન તેમણે ગુજરાતી ભાષા, તેની જરૂરિયાત, તેના પ્રચાર-પ્રસારમાં રહેલા અવરોધ અને તેમાંથી સાંગોપાંગ બહાર નીકળવાના જે ઉપાય સૂચવ્યા તે ખરેખર શિક્ષણથી માંડીને સરકાર સુધી અને સમૂહ માધ્યમો (મીડિયા)થી માંડીને નીતિ નિર્ધારકો માટે વિચારણા માગી લે તેવા છે. આ વિશેષ મુલાકાતમાં શ્રી રતિલાલભાઈએ તેમની લેખનયાત્રા, ગુજરાતીમાં સાહિત્ય સર્જન પ્રવૃત્તિ, માતૃભાષાનું મહત્ત્વ, તેની કેળવણીની સાચી પદ્ધતિ, મીડિયામાં થઈ રહેલું ભાષાનું ધોવાણ સહિત વિવિધ મુદ્દે ખૂબ મોકળાશથી વાત કરી.

પોતાની લેખનયાત્રા વિશે વાત કરતા 88 વર્ષના શ્રી બોરીસાગર સાહેબ કહે છે કે, 1956માં કૉલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે મારી પહેલી વાર્તા લખી. અને એક વર્ષ પછી 1957માં મારે શિક્ષક તરીકે જોડાવાનું બન્યું એટલે કૉલેજનો અભ્યાસ અધૂરો રહ્યો. એ દરમિયાન 18 વર્ષ સુધી હાસ્યાંકોમાં લખવાનું ચાલુ રહ્યું. કુમાર સામયિકમાં પણ લઘુકથાઓ મોકલતો અને મારી એક લઘુકથા વર્ષની શ્રેષ્ઠ લઘુકથા તરીકે પણ પસંદગી પામી હતી.

પ્રથમ પુસ્તક પ્રકાશન

તેઓ કહે છે કે, જોકે 1972થી 1977 વચ્ચે કશું જ લખાયું નહીં. પરંતુ હાસ્યાંકોમાં જે લેખ લખ્યા હતા તેનું પુસ્તક થાય તેવી ઈચ્છા હતી. એ માટે 1955થી 1975 એમ 20 વર્ષ સુધી પ્રયાસ કર્યા. પ્રકાશક સાથે પત્રવ્યવહાર પણ કર્યો, છતાં ત્યારે પુસ્તક પ્રકાશનનું સ્વપ્ન પૂરું થઈ શક્યું નહીં. 1975માં સાવરકુંડલાથી અમદાવાદ આવી ગયો જ્યાં વિનોદ ભટ્ટ સાથે પરિચય થયો. એ પરિચય ગાઢ થયો પછી 1977માં તેમની મદદથી મારા હાસ્યલેખોનો સંગ્રહ “મરક મરક” પ્રકાશિત થયો. આ સંગ્રહ માટે એક લેખ ઉમેરવાની જરૂર હતી એટલે 1972 પછી છેક 1977માં એક લેખ લખ્યો.

એ સમયે એવું જ લાગતું હતું કે, બસ આ એક જ સંગ્રહ થયો, હવે બીજા સંગ્રહ નહીં થઈ શકે. જોકે સાહિત્યના બીજા કોઈપણ સ્વરૂપને બદલે હાસ્ય લેખનમાં વધુ ફાવટ છે એવું લાગ્યા પછી મુખ્યત્વે તેના ઉપર જ ધ્યાન કેન્દ્રિત રાખ્યું. સમકાલીન વિષયો ઉપર ભાગ્યે જ અને તેમાંય રાજકીય વિષયો પર તો સાવ જૂજ હાસ્ય લેખ લખનાર શ્રી રતિલાલભાઈ તેમની સરળતા અને સહજતા વિશેના રિવોઈના એક પ્રશ્નના જવાબમાં જણાવે છે કે, લેખકની સાથે હું શિક્ષક પણ છું અને તેથી કોઈ કદી કશું જાણવા માગે અથવા વાતચીત કરવા માગે તો એ વિશે શંકા-કુશંકા નથી કરતો. બધાને સમભાવથી જ જોઉં છું. આ સંદર્ભમાં તેમના બે અનુભવ પણ અમારી સાથે શૅર કર્યા.

રતિલાલભાઈની સરળતા અને સહજતા

તેમણે કહ્યું કે, એક વખત કાર્યક્રમ પૂરો થયા પછી એક અપરિચિત ચાહક મારી પાસે વાત કરવા આવ્યા. એ જ દરમિયાન અન્ય એક પરિચિત ભાઈ મને બીજા કામ માટે ત્યાંથી લઈ ગયા. જોકે એમનું કામ પૂરું થયા પછી મેં પેલા અપિરચિત ચાહકને ભીડમાંથી સામે ચાલીને શોધી લીધા અને તેમની સાથે વાત કરી.

અન્ય એક પ્રસંગે વડોદરામાં મને ગુર્જર તરફથી ડાહ્યાભાઈ સુવર્ણચંદ્રક એનાયત થવાનો સમારંભ હતો. સમારંભ પૂરો થયા પછી એક ભાઈ મારી પાસે આવ્યા અને તેમનું કોઈ સામયિક અથવા સોવિનિયર મને આપ્યું અને કહ્યું કે, આ વાંચજો અને પછી હું તમને ફોન કરીશ. એ સમયે માત્ર લેન્ડલાઈન ફોન હતા. એક દિવસ તેમનો ફોન આવ્યો, પરંતુ હું ગુજરાતી સાહિત્ય પરિષદના એક કાર્યક્રમ માટે નીકળવાની તૈયારી કરી રહ્યો હતો. ભીખેશ ભટ્ટ મને લેવા માટે રિક્ષા લઈને આવી ગયા હતા. એટલે મેં એ ભાઈને કહ્યું કે, ત્રણેક દિવસ પછી ફોન કરજો. પણ પછી એમનો ફોન આવ્યો નહીં. મેં ઘણા દિવસ સુધી રાહ જોઈ પણ ફોન ન આવ્યો. મારી પાસે તેમનો નંબર નહોતો. મેં એક વર્ષ સુધી એ ભાઈને શોધવા મથામણ કરી. વડોદરાના જે પરિચિત હોય તેમને પેલા ભાઈનું વર્ણન કરીને કહું કે તમે આમને શોધો, મારે એમની સાથે વાત કરવાની છે. અને છેવટે એક વર્ષે એ ભાઈને ઓળખનાર એક મિત્ર નીકળ્યા અને એ અપરિચિત વ્યક્તિ સાથે વાત થઈ ત્યારે મને રાહત થઈ.

લેખક તરીકે વાચકો તરફથી કેવા પ્રતિસાદ મળે છે તે અંગેના પ્રશ્નના જવાબમાં બોરીસાગર સાહેબ કહે છે કે, ત્રણ પ્રકારના લોકો હોય છે. એક જે વાંચે છે, સમજે છે, લેખની કક્ષા સમજે છે- એ પ્રકારના લોકોનો રિસ્પોન્સ બરાબર હોય છે. બીજા પ્રકારના લોકો છે તેમણે પોતે કશું વાંચ્યું ન હોય પરંતુ બીજાની વાતો સાંભળીને તેને આધારે ઈમેજ બાંધે. અને ત્રીજો વર્ગ તો તદન અલિપ્ત છે. એમ કહેવાય કે એ વર્ગ સાહિત્યથી જ અલિપ્ત છે.

લેખન પ્રવૃત્તિ અને લેખક તરીકેની સજ્જતા વિશે તેઓ જણાવે છે કે, સર્જન શીખી અથવા શીખવાડી શકાતું નથી. એ હોય તો તેને કેળવી શકાય, વિકસાવી શકાય.

ભાષાશુદ્ધિ માટે નિસબત

દોઢ કલાક કરતાં વધુ સમય સુધી ચાલેલી આ વિશેષ મુલાકાતમાં ગુજરાતી ભાષા વિશે વિસ્તારથી વાત થઈ. હૃદયરોગની વાતને “એન્જોયગ્રાફી” જેવા પુસ્તક દ્વારા ગુજરાતમાં ઘરેઘરે જાણીતા બનેલા પદ્મશ્રી રતિલાલ બોરીસાગરની ગુજરાતી ભાષા વિશેની નિસબતનો અંદાજ એટલા ઉપરથી આવી શકશે કે આજે 88 વર્ષની ઉંમરે પણ તેઓ ઉસ્માનપુરમાં આવેલા ગુજરાત વિશ્વકોશભવન ખાતે દર ગુરુવારે ભાષા-જોડણી વિશેના વર્ગો લે છે. તેમની સાથે ડૉ. પિંકીબેન પંડ્યા પણ સાચી ભાષા શીખવા માગતા લોકોને માર્ગદર્શન આપે છે.

માતૃભાષાની વાત નીકળી ત્યારે બોરીસાગર સાહેબે કહ્યું કે, વાસ્તમાં માતૃભાષા હોતી નથી, માતૃ બોલી હોય છે. તેઓ કહે છે કે, મધરટંગ શબ્દ છે પણ દુનિયાની કોઈ ભાષામાં મધર લેન્ગવેજ શબ્દ નથી. મા જે બોલે – બાળક જે જન્મથી સાંભળે તે માતૃબોલી. માતૃબોલી એ જ માતૃભાષા છે એટલે વ્યક્તિ પોતાની ભાષામાં જે કંઈ બોલે છે તે અશુદ્ધ નથી.

માતૃભાષા કે માતૃબોલી?

આ વિશે વિસ્તારથી સમજ આપતા તેમણે કહ્યું કે, કોઈ વિદ્યાર્થી અથવા ગ્રામ્ય વિસ્તારની કોઈ વ્યક્તિ પાણીને પોણી કહે તો તે અશુદ્ધ નથી જ. કમનસીબે અંગ્રેજોની અસરમાં આપણે શહેરી એટલે સંસ્કારી અને ગામડાના લોકો એટલે અસંસ્કારી એવો ભેદ પાડી દીધો. સિવિલાઈઝેશન અને કલ્ચર અર્થાત સભ્યતા અને સંસ્કૃતિ અલગ છે. સિવિલાઈઝેશન એટલે WHAT WE HAVE. અને કલ્ચર એટલે WHAT WE ARE. મનુભાઈ પંચોળી કહેતા કે, આપણા લોકો નિરક્ષર હતા પરંતુ અસંસ્કારી નહોતા. અંગ્રેજ રાજમાં આપણે સભ્યતાને સંસ્કાર સાથે જોડી દીધી હતી. હવે આ સ્થિતિને સુધારવાનું કામ શિક્ષકો જ કરી શકે તેમ જણાવી તેઓ કહે છે કે, બોલીને કોઈ લીપી નથી, પણ એક વાત સમજવી જોઈએ કે બોલીના શબ્દો સાહિત્યમાં વપરાય છે ત્યારે તેમાં ફોર્સ આવે છે.

ગુજરાતના પાઠ્ય પુસ્તક મંડળમાં તેમની કામગીરી સંદર્ભે શ્રી રતિલાલભાઈએ કહ્યું કે, આ સ્થિતિ સુધારવા માટે અમે પાઠ્યપુસ્તક દ્વારા એક પ્રયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમ કે આદિવાસી સમુદાયને શહેરી ગણાતી શુદ્ધ ભાષા બોલતા-લખતા શીખવવું હોય તો એ માટે પહેલા ધોરણથી પ્રયાસ કરવો પડે. એ સમુદાયના પહેલા ધોરણના પાઠ્યપુસ્તકમાં 20 ટકા સ્ટાન્ડર્ડ ભાષા (શહેરી-શુદ્ધ) અને 80 ટકા આદિવાસી બોલી, બીજા ધોરણમાં 40 ટકા સ્ટાન્ડર્ડ ભાષા અને 60 ટકા બોલી, ત્રીજા ધોરણમાં 60 ટકા સ્ટાન્ડર્ડ અને 40 ટકા બોલી એમ કરતાં કરતાં પાંચમાં ધોરણના પાઠ્યપુસ્તકમાં 100 ટકા સ્ટાન્ડર્ડ ગુજરાતી આવે. આ પ્રક્રિયામાં એ સમુદાય પોતાની સ્વાભાવિક બોલીના માધ્યમથી ભાષાના પરિચયમાં આવે. જોકે એ પ્રયોગ માટેના પ્રયાસમાં સફળતા ન મળી.

તો ગુજરાતીની ચિંતા કરવાનું કારણ નહીં રહે

આ જ સંદર્ભમાં માતૃભાષા અર્થાત માતૃબોલી બચાવવા અંગેના પ્રશ્ને બોરીસાગર સાહેબે કહ્યું કે, ગુજરાતીઓ વ્યવહારુ પ્રજા છે તેથી વ્યવહારમાં ખપ લાગે એવો ઉપાય કરવો જોઈએ. માતૃભાષા બધા સુધી બરાબર યોગ્ય રીતે પહોંચાડવી હોય તો ગુજરાતમાં તો માત્ર ભાવનાથી ચાલશે નહીં, એ સીમિત રહેશે, પણ એની ઉપયોગિતા ઊભી કરવી પડે. વ્યવહારુ ઉપયોગિત ઊભી થઈ જાય તો તમે જોશો ચમત્કાર થાય. જેમ કે જેઈઈ (JEE) અને નીટ (NEET)માં ગણિત-વિજ્ઞાનના માર્ક ગણાય છે, ગુજકેટમાં- પ્રથમ ભાષાના માર્ક ઉમેરવાનું ફરજિયાત કરવામાં આવે તો દરેકને તેમાં રસ પડવા લાગશે અને શુદ્ધ ભાષાનાં પુસ્તકો પ્રકાશિત થવાનું શરૂ થઈ જશે, એના ટ્યુશન ક્લાસ પણ ચાલુ થઈ જશે. વળી માતૃભાષાના શિક્ષકોને પણ ઘણું કામ મળી રહેશે. ટૂંકમાં ગુજરાતી ભાષાની ઉપયોગિતા અને જરૂરિયાત ઊભી કરવામાં આવે તો માતૃભાષાની ચિંતામાંથી મુક્ત થઈ શકાશે.

Exit mobile version