Site icon Revoi.in

ભારત અને વિયેતનામ વચ્ચે આધુનિક વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત, 13 મહત્વના કરાર પર હસ્તાક્ષર

Social Share

નવી દિલ્હી, 6 મે 2026: ભારતની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે આવેલા વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બુધવારે હૈદરાબાદ હાઉસમાં ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ ભારત અને વિયેતનામના સંબંધોને નવા સ્તરે લઈ જવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, બંને દેશો હવે ‘આધુનિક વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી’ હેઠળ સાથે મળીને કામ કરશે. છેલ્લા એક દાયકામાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર બમણો થઈને 16 અબજ ડોલર સુધી પહોંચ્યો છે, જે આ મજબૂત ભાગીદારીનું પ્રમાણ છે.

આ મુલાકાત દરમિયાન બંને રાષ્ટ્રો વચ્ચે કુલ 13 જેટલા મહત્વપૂર્ણ સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં સહયોગ માટે ભારતીય રિઝર્વ બેંક અને વિયેતનામની સ્ટેટ બેંક વચ્ચેનો કરાર તેમજ એનપીસીઆઈ અને વિયેતનામના નેશનલ પેમેન્ટ કોર્પોરેશન વચ્ચેના કરારો મુખ્ય છે. આ ઉપરાંત સંરક્ષણ, પર્યટન, સ્વાસ્થ્ય, અને ડિજિટલ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં પણ ગાઢ સહયોગ સાધવા પર સંમતિ બની છે. સાંસ્કૃતિક ક્ષેત્રે વિયેતનામની પ્રાચીન ‘ચામ સભ્યતા’ની હસ્તપ્રતોને ડિજિટલ સ્વરૂપે સુરક્ષિત રાખવા માટે ભારત સરકાર મદદ કરશે તેવો નિર્ણય લેવાયો છે.

વડાપ્રધાન મોદીએ વિયેતનામના રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, ગત વર્ષે ભારતથી પવિત્ર બૌદ્ધ અવશેષો વિયેતનામ મોકલવામાં આવ્યા ત્યારે ત્યાંના દોઢ કરોડથી વધુ લોકોએ તેના દર્શન કર્યા હતા, જે બંને દેશો વચ્ચેના અતૂટ આધ્યાત્મિક સંબંધો દર્શાવે છે. રાષ્ટ્રપતિ તો લામે પોતાના પ્રવાસની શરૂઆત બોધગયાની મુલાકાતથી કરી હતી, જે તેમની ભારત પ્રત્યેની પ્રાથમિકતા અને સમાન સાંસ્કૃતિક વારસા પ્રત્યેના આદરને ઉજાગર કરે છે.

રાષ્ટ્રપતિ તો લામના આ પ્રવાસમાં મુંબઈની મુલાકાતનો પણ સમાવેશ થાય છે, જ્યાં તેઓ નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે વેપારી પ્રતિનિધિઓ સાથે આર્થિક સંબંધોને વેગ આપવા અંગે ચર્ચા કરશે. ભારત અને વિયેતનામ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોના 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલી આ મુલાકાત દક્ષિણ એશિયા અને આસિયાન ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિ માટે એક નવું સીમાચિહ્ન સાબિત થશે તેવું વિદેશ મંત્રાલયે ઉમેર્યું હતું.

આ પણ વાંચોઃ ભારત અને EU વચ્ચે EV બેટરી રિસાયક્લિંગ માટે રૂ. 169 કરોડના સંયુક્ત પ્રોજેક્ટની જાહેરાત

Exit mobile version