નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026: ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચેના સંબંધો એક નવી ઊંચાઈએ પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં બંને દેશોએ દ્વિપક્ષીય વેપારને 2032 સુધીમાં બમણો કરીને 200 અબજ ડૉલર સુધી લઈ જવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ બેઠક માત્ર વ્યાપારિક આંકડાઓ પૂરતી સીમિત ન રહેતા, ગુજરાતના ધોલેરા અને ગિફ્ટ સિટી માટે પણ ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
સંયુક્ત નિવેદન મુજબ, 2022માં હસ્તાક્ષર કરાયેલા કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (CEPA) બાદ બંને દેશોના આર્થિક સહયોગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં ભારત-UAE દ્વિપક્ષીય વેપાર રેકોર્ડબ્રેક 100 અબજ ડૉલર સુધી પહોંચી ગયો છે.
આ બેઠકમાં ગુજરાતના બે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ – ધોલેરા સર (SIR) અને ગિફ્ટ સિટી – ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. ગુજરાતના ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR) ના વિકાસ માટે UAE સાથેની સંભવિત ભાગીદારીને બંને નેતાઓએ આવકારી હતી. પ્રસ્તાવિત યોજના મુજબ, અહીં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, પાયલટ ટ્રેનિંગ સ્કૂલ, MRO (મેન્ટેનન્સ-રિપેર-ઓવરહોલ) સુવિધા, ગ્રીનફિલ્ડ પોર્ટ અને સ્માર્ટ અર્બન ટાઉનશિપ જેવા સ્ટ્રેટેજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે.
ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં ‘ડીપી વર્લ્ડ’ (DP World) અને ‘ફર્સ્ટ અબુ ધાબી બેંક’ (FAB) ની શાખાઓ શરૂ થવા બદલ બંને નેતાઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. આનાથી ભારતીય કંપનીઓને મધ્ય પૂર્વ અને આફ્રિકાના બજારો સાથે જોડવામાં સરળતા રહેશે. ઉર્જા ક્ષેત્રે પણ મોટી સમજૂતી થઈ છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ADNOC ગેસ વચ્ચે 10 વર્ષનો મહત્વપૂર્ણ કરાર થયો છે. જે અંતર્ગત 2028થી દર વર્ષે 0.5 મિલિયન ટન LNG નો સપ્લાય કરવામાં આવશે, જે ભારતની ઉર્જા સુરક્ષામાં મોટું યોગદાન આપશે.
આ પણ વાંચોઃ વડોદરામાં તોડબાજી કરતો નકલી પીએસઆઈને એસઓજીએ પકડી પાડ્યો

