Site icon Revoi.in

ભારતની ‘રામસર સાઇટ’ નળ સરોવર ગુજરાતનું ‘પક્ષીતીર્થ’, 70થી વધુ પ્રજાતિઓના વિદેશી પક્ષીઓ બને છે મહેમાન

Social Share

અમદાવાદઃ ગુજરાતનું પક્ષીતીર્થ નળસરોવર સહેલાણીઓ ઉપરાંત દેશ વિદેશમાં વિખ્યાત છે. ‘અમદાવાદથી આશરે ૬૨ કિ.મી જ્યારે સાણંદથી ૪૨ કિ.મી દૂર આવેલું નળસરોવર સૌથી મોટું જળપક્ષી અભયારણ્ય અને છીછરા પાણીના સૌથી મોટા સરોવર પૈકીનું એક છે. ગુજરાત વન્યપ્રાણી અને વન્યપક્ષી રક્ષણ અધિનિયમ-૧૯૬૩ની જોગવાઈઓ અંતર્ગત ૮ એપ્રિલ ૧૯૬૯ના રોજ નળસરોવરના ૧૧૫ ચો.કિ.મી વિસ્તારને પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું. ત્યારબાદ પાછળથી વધારાના ૫.૮૨ ચો.કિ.મી વિસ્તારને ૨૮ ડિસેમ્બર ૧૯૮૨થી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ની જોગવાઈઓ અંતર્ગત પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યુ. આમ, નળસરોવર ૧૨૦.૮૨ ચો કિ.મી જેટલા વિશાળ વિસ્તારમાં અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લા વચ્ચે પથરાયેલા એક મીઠા પાણીનું કુદરતી સરોવર તરીકે પથરાયેલો એક મોટો જળ ભંડાર છે.

 

આ સરોવરની લંબાઈ ૩૨ કિ.મી તથા પહોળાઈ ૬.૪ કિ.મી છે. શિયાળાની શરૂઆત સાથે જ વિદેશી પક્ષીઓનું અહીં આગમન શરૂ થઈ જાય છે. તેમજ નળસરોવર પક્ષી અભયારણ્યને “રામસર સાઈટ” તરીકેની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થયેલી છે. વળી મોટી સંખ્યામાં નળસરોવરમાં દૂર-દૂરના દેશોમાંથી સારી એવી સંખ્યામાં વિદેશી પક્ષીઓ દર વર્ષે ચોમાસા બાદ શિયાળાની ઋતુમાં આવે છે.

અત્યાર સુધીમાં જળાશયમાં ૧૪૨ પ્રજાતિઓના પક્ષીઓ નોંધાયેલા છે, જે પૈકી ૭૦થી વધુ પ્રજાતિઓ વિદેશમાંથી આવે છે. જેમાં યુરેશિયા, સાઈબીરીયા, રશિયા, ચીન, અને ઉત્તરધ્રૂવ તરફના દેશઓમાંથી વિવિધ યાયાવર પક્ષીઓ અહી (નળસરોવર) આવ્યા હોવાનું નોંધાયેલું છે.  નળસરોવર ખાતે આ પક્ષીઓને ખોરાક અને રહેઠાણ માટેની સુવિધાઓ મળી રહેવાના કારણે આ વેટલેન્ડ પક્ષી પ્રેમીઓનાં સ્વર્ગ સમાન બની ગયું છે.

 

નળસરોવર અભયારણ્યની પક્ષી ગણતરી – ૨૦૨૨માં અભયારણ્યને કુલ – ૪૦ ઝોનમાં વિભાજીત કરી ૧૦૪ પક્ષીવિદોની મદદથી પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૪૨ પ્રજાતિના કુલ ૨,૫૪,૧૨૮ પક્ષીઓની સંખ્યા નોંધાયેલી છે. જ્યારે નળસરોવર ખાતે વર્ષ ૨૦૨૧-૨૨માં કુલ ૬૧,૨૬૮ પ્રવાસીઓએ, વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૯,૪૦૩ પ્રવાસીઓએ તેમજ વર્ષ ૨૦૨૩-૨૦૨૪માં અત્યાર સુધીમાં ૪૦,૩૫૪ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.