Site icon Revoi.in

ભારતમાં મોંઘવારીનો ડામ: ફેબ્રુઆરીમાં મોંઘવારી દરમાં 0.47 ટકાનો વધારો

Social Share

નવી દિલ્હી, 12 માર્ચ 2026: દેશમાં સામાન્ય જનતાના ખિસ્સા પર મોંઘવારીનો બોજ ફરી વધ્યો છે. જાન્યુઆરીની સરખામણીએ ફેબ્રુઆરી મહિનામાં છૂટક મોંઘવારી દરમાં વધારો જોવા મળ્યો છે. MoSPI (Ministry of Statistics and Programme Implementation) દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા તાજેતરના ડેટા મુજબ, ફેબ્રુઆરીમાં છૂટક મોંઘવારી દર 3.21 ટકા નોંધાયો છે, જે જાન્યુઆરીના 2.74 ટકા કરતા 0.47 ટકા વધારે નોંધાયો છે.

મંત્રાલયના આંકડા અનુસાર, શહેરોની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારીની અસર વધુ જોવા મળી છે. ફેબ્રુઆરીમાં ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી દર વધીને 3.37 ટકા થયો છે, જે જાન્યુઆરીમાં 2.73 ટકા હતો. શહેરી વિસ્તારોમાં આ દર 3.02 ટકા રહ્યો છે, જે જાન્યુઆરીમાં 2.75 ટકા નોંધાયો હતો.

ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થયેલા ફેરફારને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાયું છે. ફેબ્રુઆરીમાં ખાદ્ય મોંઘવારી દર 3.47 ટકા રહ્યો છે. જેમાં ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્ય મોંઘવારી 3.46 ટકા અને શહેરી વિસ્તારોમાં 3.48 ટકા નોંધાઈ છે. ખાસ કરીને શાકભાજી અને અન્ય જીવનજરૂરી ખાદ્ય સામગ્રીના ભાવમાં ઉતાર-ચઢાવને કારણે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર સીધી અસર પડી છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગત વર્ષના સમાન મહિનાની સરખામણીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં મોંઘવારી દરમાં 47 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે. જોકે, રાહતની વાત એ છે કે મંત્રાલયે મહિના-દર-મહિનાના ધોરણે કુલ ભાવ સ્તરમાં થોડો ઘટાડો જોયો છે.

નિષ્ણાતોના મતે, મોંઘવારીના આ ટ્રેન્ડ પર આરબીઆઈ અને નીતિ નિર્ધારકોની કડી નજર રહેશે. મોંઘવારી દરના આધારે જ વ્યાજ દરો, આર્થિક વૃદ્ધિના અનુમાન અને ઘરેલું વપરાશના પેટર્ન નક્કી કરવામાં આવે છે. સપ્લાય ચેઇન, મોસમી પરિબળો અને વૈશ્વિક કોમોડિટીના ભાવ પણ આ વધારા પાછળ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.

આ પણ વાંચોઃ ભાવનગરથી સીધી દિલ્હી સુધી ટ્રેન સેવા શરૂ કરવા MP શક્તિસિંહ ગોહિલે કરી માગ

Exit mobile version